True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે, What is True Happiness for any Human being ??

આજની સાચી દુનિયા એટલે, સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો સોશિયલ મીડિયાને જ સાચો અરીસો હોય તેમ બ્લાઇન્ડલી ફૉલો કરતા થઇ ગયા છે ત્યારથી જ દિવસમાં 10-15 વિવિધ લોકોની સ્ટોરી, ફોટો અને વિડીયો જોઈ હેપીનેસ અને સક્સેસની વ્યાખ્યા શું કરવી તેનું મોટું કન્ફ્યુઝન ઉભું થઇ ગયું છે. આજે માણસ કઈ બાબતમાં પૂર્ણતા મેળવે તો સૌથી વધુ ખુશ, સુખી થઇ જાય એનું સચોટ માર્ગદર્શન પણ એક પી.એચ.ડી.ની થીસિસ (ગ્રંથ) બરાબર થઇ શકે એમ છે અને છતાં છેલ્લે એનો કોઈ સચોટ સાર તો નહિ જ મળી શકે કેમકે, આજે સંપૂર્ણ દુનિયા એક એવી દોડ અને હરીફાઈની ભાગીદાર બની છે જેને જીવનની સંતૃપ્તિથી કોઈ લેવા-દેવા જ નથી. આ રેસનો ભાગ ન બનવાવાળો વ્યક્તિ સમાજનો હિસ્સો જ ન બની શકે તેવી અદ્દભુત ગોઠવણ પણ કરવામાં આવી છે એટલે મન હોય કે ન હોય પરાણે-પરાણે આ હરીફાઈમાં રહેવું જ વ્યાજબી છે. હું અને તમે પણ આ જ સિસ્ટમનો હિસ્સો છેલ્લા ઘણા વર્ષોથી બની રહ્યા હતા પરંતુ હવે તો એ હદ વટાવી ગયા છીએ અને એવા વિનાશ તરફ ધકેલાઈ ચુક્યા છીએ જેમાંથી બહાર આવવું એ કળયુગના કોઈપણ અભિમન્યુ માટે અશક્ય છે. 

            
             પેઢી કે જનરેશન 25-30 વર્ષના હોય શકે પરંતુ આજના સમય મુજબ મોબાઈલની જેમ એકાદ વર્ષમાં તો હતું ન હતું એમ જનરેશન ફરી જાય છે ત્યારે માનવ ઇતિહાસમાં ઝાંખી કરીએ તો જાણવા મળશે કે કોઈપણ સંસ્કૃતિમાં હજારો વર્ષો સુધી સામાજિક, આર્થિક, વ્યવહારિક, ભૌતિક ઉપયોજન, ભાવનાત્મક અને લાગણીઓથી લઇ વ્યક્તિ કે સમાજને લાગુ પડતી દરેક બાબતમાં ખુબ ઓછા ફેરફારો થયા છે. આપણી ભણેલી ગણેલી સોસાયટી કે વિદેશીઓ દ્વારા છેલ્લી 2-5 સદીથી રચાયેલ સભ્ય સમાજની વ્યાખ્યા દ્વારા ઉત્પન્ન થયેલ માનવ વિકાસ કે જે ભૌતિક, આર્થિક, સામાજિક વિકાસના રૂપમાં ઉછેર પામ્યો જેના ફળરૂપે ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ, રિવોલ્યુશન, ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટ, મેડિકલ ડેવલપમેન્ટ, જીઓલોજિકલ ડેવલપમેન્ટ અને એવા નિતનવા ઘણા બધા ડેવલપમેન્ટ આપણી માંગ અને જરૂરત બની ગયા. આજે કુદરતને વધુ જાણવાની ઘેલછા એટલી હદે વધી ગઈ છે કે આજની દરેક વ્યક્તિ કૃત્રિમ રીતે કેવી રીતે અમર બની રહેશું તેના સ્વપ્ન જોવા લાગી છે અને એ સાથે માત્ર જીવથી જ અમર નહિ પરંતુ ભૌતિકતાથી, સામાજિક રીતે અને આર્થિક રીતે પણ અમર રહેવા માટે ક્યાંક પોતે બીજાથી પાછળ તો નથી રહી જતો ને એના માટે રોજ હરીફાઈમાં દોડવા નીકળી પડે છે. આ હરીફાઈમાં દોડતાં તે આજુ બાજુના હરીફને તો જોઈ શકે છે પરંતુ આ હરીફાઈમાં ક્યાં સુધી દોડવું કે ફિનિશ લાઈન નક્કી કરવાનો કોઈ વિચાર સુદ્ધાં તેને આવતો નથી. આ હરીફાઈમાં આપણે આપણા સંતાનને પણ રીલે દોડના સાથી તરીકે જોઈએ છીએ એટલે તેનું નાનપણ છીનવી અત્યારથી આ ખોટી રેસના ભાગીદાર માટે ટ્રેનિંગ આપવાની શરૂઆત જન્મ થતાં જ કરાવી દઈએ છીએ. 

પહેલાના સમયમાં દરેક વ્યક્તિ પોતાના બૌદ્ધિકસામર્થ્યને અનુલક્ષી પોતાની કારકિર્દી કે કલાની પસંદગી કરતા જેમકે કોઈ ધનુર્ધારી હોય તો કોઈ ગદાધારી પરંતુ આજે બાળકની ક્ષમતાને કે બૌદ્ધિકસામર્થ્યને અવગણી માત્ર આજની હરીફાઈને ધ્યાને રાખી બાળકને પોતાની મહત્વકાંક્ષા પૂર્ણ કરવાનો હાથો બનાવી દે છે. આજે બાળક તેની ઉમર કરતા બૌદ્ધિક રીતે મોટા થઇ ગયા છે તેમાં આપણે આપણી હોશિયારી જોતાં થયા છીએ તે હકીકતે ભવિષ્યમાં આપણા બાળક માટે નરસું સાબિત થઇ શકે છે. નૈસર્ગિક માનવ સભ્યતામાં જીવનને માત્ર અસ્તિત્વ માટે ટકાવી રાખવાનો જ ઉદ્દેશ હતો જે તેઓ દૈનિક સંઘર્ષ દ્વારા પૂર્ણ કરતા અને ભવિષ્યની ચિંતા વિના કે ભૂતકાળના રંજ વિના રોજ નવી શરૂઆત સાથે જીવન જીવતા. આજના સમયમાં ઘરે-ઘરે ડિપ્રેશન, બી.પી., ડાયાબિટીસ કે બીજી અનેકો માત્ર મગજથી જ ઉદ્દ્ભવતી બીમારીઓ આવી ચુકી છે જેનું કારણ માત્ર અને માત્ર આપણે જ ઉભો કરેલો ઝડપી હરીફાઈ વાળો યુગ છે જેમાં કોઈ પાસે પોતાના માટે સમય જ નથી. ખરેખર મોંઘવારી વધી જ નથી પરંતુ કારણ વિનાનો ખર્ચો વધી ગયો છે જેથી ક્યારેય કોઈને પૂરું નથી પડતું અને સંતોષ પણ નથી થતો. આર્થિક સંકડામણને કારણે લોકો પોતાનો તો ઠીક પોતાના પરિવારનો પણ જીવ લઇ લે છે જેમાં તેના ફૂલ સમા બાળકોનો પણ ભોગ લેવાઈ જાય છે. જીવન જીવવા માટે માત્ર અન્ન, હવા અને પાણીની જ જરૂર છે તો હમણાં જેમતેમ દિવસો કાઢી લઈશું આવો વિચાર પણ કર્યા વિના ઘરનો મોભી આવો નિર્દયી નિર્ણય લઇ પોતાનો પરિવાર વીખી બેસે છે. માત્ર ભવિષ્યની બીક, ખોટી હરીફાઈ અને મગજથી ખોટી ઉપજાવેલી લાઈફ સ્ટાઇલ એ આજના સમયની વિશેષતા અને લાક્ષણિકતા છે. 


          1974 માં એક સરસ મુવી આવેલું જેનું નામ "રોટી, કપડાં ઔર મકાન" હતું. એ સમયે પણ એક માણસની સૌથી મોટી જરૂરિયાત રોટી, કપડાં ઔર મકાન જ હતી જે હવે મોબાઈલ, ટી.વી., લેપટોપ, લેટેસ્ટ ટેક્નોલોજિકલ ગેજેટ્સ, ઇન્ટરનેટ, એ.સી., ફ્રિજ, વોશિંગ મશીનથી લઇ 50 જેવી ઘરની દરેક આરામદાયક ફેસેલિટી, હોલીડે પેકેજ, અઠવાડિયામાં એક વખત સારી હોટલનું ફૂડ, સ્વિગી-ઝોમેટો ઓર્ડર, ખૂટે નહિ એટલા ફુડ પેકેટ્સ અને કોલ્ડ્રિકની બોટલ્સના ભંડાર, વિકેન્ડ શોર્ટ ટુર અને લોન્ગ વેકેશન ફોરેન ટુર, સેકડો જોડી ડિઝાઈનર કપડાં જેના મેચિંગ ફૂટવેર તથા અન્ય એસેસરીઝ, રૂટિન સલૂન પેકેજ અને હજુ કદાચ આ બધું ઓછું હોય તો નવી નક્કર લેટેસ્ટ ફેસેલિટી સાથેની બાઈક કે કાર ન હોય તો જિંદગી જ નકામી લાગવા લાગે તેમ છે. ઉપરની દરેક વસ્તુમાં દિવસે ને દિવસે વધારો થાય છે ઘટાડો થતો જ નથી અને જેની સૌથી મોટી અસર 98% માનવ સમાજને છેલ્લા 50 વર્ષમાં પડી છે. ઉપરના ખર્ચમાં હજુ પાયાની જરૂરત હોય એવી મેડિકલ, ચાઈલ્ડ એજ્યુકેશન અને અન્ય આકસ્મિક ખર્ચના પ્રોજેક્શનનો તો ઉલ્લેખ જ નથી કર્યો. શાંત મને જો વિચારીએ તો ઉપરમાંથી લગભગ 90% વસ્તુનો ત્યાગ આપણે આરામથી કરી શકીએ એમ છીએ પરંતુ વ્યસન જેમ સહેલાઇથી છૂટતું નથી તેમ ભૌતિકતાનું આ વ્યસન આજના સમયમાં છોડવું કોઈપણ વ્યક્તિ માટે સહેલું નથી. આ વ્યસનથી છૂટવા ધારતો એક પણ વ્યક્તિ આ સભ્ય સમાજનો સભ્ય ગણાતો નથી એવી આજના સમયની રચના છે.  
 

સોશિયલ મીડિયામાં વિદેશમાં નોકરી કરતા અને ફરતા આપણા સ્વજનોના ફોટો કે દરેક વિકેન્ડમાં બહાર હરતા-ફરતા અને ખાતાં-પીતા હોય તેવા મિત્રોના ફોટો અને વિડીયો આપણને પોતાની જાતમાં નાનપણ દેખાડવા આજે કાફી છે. બેન્ક લોન દ્વારા ભોગવાતી લક્ઝરી લાઈફ સ્ટાઇલના ફોટો કદાચ જે તે વ્યક્તિને તો ડુબાડે છે પંરતુ તેને જોઈ આંધળું અનુકરણ કરનારાને પણ ડુબાડી દે છે. લક્ઝરી અને બ્રાન્ડ એ લાઈફ સ્ટાઇલનો ભાગ નથી એતો આજના બિઝનેસનો માર્કેટિંગ ફંડા છે જેને સામાન્ય વ્યક્તિ પારખી શકતો નથી. પાછળ ત્રણ કેમેરા અને બટકું ભરેલા સફરજન માટે કિડની પણ વેચવા તૈયાર આજની જનરેશન ખોટા દેખાવા પાછળ એટલી હદે ગાંડી છે કે જેટલી કદાચ ઘોર અંધશ્રદ્ધાના યુગમાં સમાજ કે લોકોની બીકે ખોટી પ્રથા નિભાવતા આપણા વડવાઓ પણ ન હતા. રાજાશાહી વખતે લોકો પાસે સ્વતંત્રતા ન હતી પરંતુ આજનો માનવી સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેનો ભેદ જ ભૂલી ગયો છે જે ભવિષ્ય માટે આપણી સૌથી મોટી સમસ્યા સાબિત થશે તે ચોક્કસ છે. 

જ્યાં સુધી વ્યક્તિ ભૌતિકતાથી કે વર્ચ્યુઅલ દેખાવાને પામવાથી નહિ પરંતુ પોતાનાથી ખુશ નહિ રહે ત્યાં સુધી કદાચ ટ્રુ હેપીનેસને પામી નહિ શકે પછી ભલે પૈસા ભરી મેડિટેશન, યોગ શિબિર કે પૂજા ઉપાસના કરે. આજની દેખાવાની જિંદગી, રાચ રચીલું, લાઈફ સ્ટાઇલ અને અન્ય અફેક્શન ખુબ કાલ્પનિક અને ક્ષણિક છે જેની નૈસર્ગિક માનવીય જીવન સાથે કોઈ તુલના જ ન હોય. આપ જીવનને કુદરતે આપેલ આપની પોતાની ક્ષમતા અને બૌદ્ધિક સામર્થ્ય મુજબ જ જીવવાની શરૂઆત કરશો એટલે આપ પોતાનાથી જ ખુશ રહી શકશો. ભૌતિક સુખની વ્યાખ્યા અને જરૂરત દિવસે ને દિવસે બદલાશે જેથી પોતાની ખરી જરૂરતને સમજો અને પછી જ તે આદત અપનાવો. આપણી અંદરની ત્યાગ અને સમર્પણની ભાવના જ ભવિષ્યમાં આપણને વિચલિત થતાં રોકી શકશે જેથી જરૂરી છે કે આપણા સંતાનોને પણ નાનપણથી આ જ પાઠની તાલીમ આપીએ.  બીજી સૌથી મહત્વની શિખ એ છે કે બિનજરૂરી સામેથી દુઃખ શોધી, દુઃખી ન થઈએ. જે મળ્યું છે તેમાં સંતોષ રાખીએ કેમકે જિંદગીમાં દુઃખનો અભાવ હોવો એ જ સાચું સુખ છે.

 

ડૉ. હાર્દિક બી. રામાણી

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice