by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
ઐતહાસિક પિક્ચરોમાં આપણે જોયું હશે કે લોકો પહેલા લખવા માટે મોરપીંછનો અથવા બીજી કોઈ ધારદાર વસ્તુનો ઉપયોગ કરતા અને વારંવાર શાહીમાં બોળી તેને લખાણ માટે વપરાતું. પ્રાચીન સમયમાં કાળા કોલસા જેવા ખડકો કે બીજા વનસ્પતિના રંગોનો ઉપયોગ કરી આપણા પૂર્વજો પોતાના સમયની અથવા તેમના ઇતિહાસની નોંધ ભવિષ્યની પેઢી માટે કરતા હતા. એ સમયમાં પથ્થરમાં કોતરણી કામ કરી શિલાલેખો લખવાનું પણ એક ચલણ હતું જે આજે પણ ભારતભરમાં મહાન રાજા અશોકની યાદ આપાવે છે.
છેલ્લા 500 વર્ષમાં એક એવી નિર્દોષ, નમ્ર અને સરળ શોધ થઇ જેને માનવીના અક્ષરજ્ઞાનને નવી પરિભાષામાં અંકિત કરી દીધી. આ શોધ હતી પેન્સિલની. આજે જેવી પેન્સિલ આપણે સૌ વાપરી રહ્યા છીએ એવી લાકડાના રંગીન આવરણની વચ્ચે ગ્રેફાઇટ રાખેલી પેન્સિલ તો કદાચ હજુ 100 વર્ષથી આપણી વચ્ચે આવી છે પરંતુ સૌ પહેલા પેન્સિલનો ઉદય તો 1564માં ઈંગ્લેન્ડમાં થયો હતો. આ સમય પહેલા સીસાના ઉપયોગથી વિવિધ વસ્તુઓ પર કાળા નિશાન કરવામાં આવતા હતા. 1564માં ગ્રેફાઇટની શોધ થઇ જે સીસા કરતા પણ સારી રીતે પોતાના કાળા નિશાન વસ્તુ પર છોડતી હતી. ગ્રેફાઇટ નરમ પરંતુ બરડ પદાર્થ હોવાથી માત્ર કોઈ વ્યવસ્થિત કડક આવરણમાં લપેટી તેનો ઉપયોગ લખવામાં માટે થઇ શકે એ સમજતા માનવીને વાર ન લાગી અને ઉત્પન્ન થઇ પ્રાચીન પેન્સિલ.
જર્મનીના નુરેમબર્ગ શહેરમાં વિશ્વની સૌથી પહેલા પેન્સિલને જથ્થાબંધ કે ફેક્ટરીમાં બનાવવાની શરૂઆત થઇ હતી. આજે પણ પેન્સિલની બનાવટમાં વિશ્વભરમાં પ્રખ્યાત છે એવી Faber-Castell (ફેબર કેસ્ટલ) દ્વારા પેન્સિલને 1761 માં એક નવા જ રૂપમાં ડિઝાઇન કરવામાં આવી જેની ડિઝાઇન અને દેખાવ આજની પેન્સિલની ખુબ નજીક છે. એટલે જ કદાચ આજે પેન્સિલ કંપનીની શરૂઆત કરનાર કંપની તરીકે ફેબર કેસ્ટલને જ ઇતિહાસ માન્યતા આપે છે. આ કંપની ખુબ ટૂંકા સમયમાં વિશ્વભરમાં તેની પેન્સિલ માટે ખુબ પ્રચલિત થઇ. 19મી સદીની શરૂઆતમાં બીજી ઘણી કંપનીઓ માર્કેટમાં આવી જેને પેન્સિલની માંગ અને ઉધોગને સમજતા વિશ્વભરમાં પોતાનો માલ આપવાની શરૂઆત કરી. લાયરા, સ્ટેંડલર જેવી બીજી કંપનીઓ તેની રંગબેરંગી અને પોતાના નામ છાપેલી પેન્સિલોનું પ્રોડક્શન 19મી સદીની શરૂઆતથી કરવા લાગી હતી.
ગ્રેફાઇટના ક્લે સાથે વિવિધ સંયોજનથી બનતા ગ્રેડ અને તેના પ્રકાર
18 મી સદીમાં ફ્રેન્ચ વૈજ્ઞાનિક Nicholas Jacques Conté (નિકોલસ જેક્સ) દ્વારા ગ્રેફાઇટની એક એવી પેટેન્ટ તૈયાર કરી જેને પેન્સિલ ઉદ્યોગમાં એક અલગ જ ક્રાંતિ ઉમેરી દીધી. તેમને ગ્રેફાઈટમાં ક્લેનું(માટી) સંયોજન કરી, ભઠ્ઠીમાં ગરમ કરી પકાવવાથી આજના આકાર અને રૂપની પેન્સિલ તૈયાર કરી હતી. નિકોલસની શોધ આજની વિવિધ સ્કેલની પેન્સિલ માટે જવાબદાર છે કેમ કે આજે આપણે વિવિધ પ્રકારના જે ગ્રેડની પેન્સિલો વાપરીએ છીએ એ ક્લેના સંયોજનને આભારી છે.
આપણે સામાન્ય રીતે તો એકજ પ્રકારની પેન્સિલનો ઉપયોગ કર્યો હોઈ શકે અથવા પેન્સિલ એટલે આપણે એમ માનતા હોઈએ છીએ કે પેન્સિલ તો પેન્સિલ હોઈ એમાં ગ્રેડ એટલે શું અને તે ક્યાં વપરાતા હશે? કોઈ દુકાનમાં જઈ આપણે પેન્સિલ માંગીએ તો દુકાનદાર તમને સામાન્ય રીતે HB પેન્સિલ જ આપશે કેમકે સામાન્ય કામો કે માત્ર લખવા માટે HB એટલે આછી કે ઘાટી નહિ પરંતુ રેગ્યુલર જે ગ્રેફાઇટ હોઈ એજ રૂપમાં HB ગ્રેડ રાખવામાં આવેલો હોઈ છે.
આજે આપણે 9H થી લઇ 9B સુધીના ગ્રેડની પેન્સિલ વાપરીએ છીએ જેમાં ગ્રેડ પ્રમાણેના વિવિધ ઉપયોગ આપણે પ્રમાણિત કરેલા છે. આંકડાની પાછળ લાગતા અંગ્રેજી મૂળાક્ષરો H અને B નો ચોક્કસ મતલબ હોઈ છે. H એટલે હાર્ડ અને B એટલે બ્લેકનેસ. 9H એટલે સૌથી હાર્ડ.
ગ્રેફાઇટની વિવિધ સ્કેલિંગ કે ગ્રેડિંગનો ઉપયોગ
જયારે આપણે 1H થી લઇ 9H સુધીના ગ્રેડ વાપરતા જઈએ તેમ એ પેન્સિલની લીડ વધુ કડક થતી જાય છે અને તે આછી થતી જાય છે. તેથી 9H પેન્સિલમાં સૌથી કડક અને સૌથી આછો ગ્રેડ છે. એજ રીતે B એટલે કે બ્લેકનેસ અને જેમ 1B થી લઇ 9B સુધી જઈએ તેમ પેન્સિલની લીડ પોચી અને કાળી થતી જાય છે અને 9B એટલે પેન્સિલનો સૌથી પોચો તથા ઘાટો ગ્રેડ થાય. સામાન્ય રીતે આછા ગ્રેડની પેન્સિલો, કોઈપણ ડ્રોઈંગને કરતા પહેલા તેના ડેવલોપમેન્ટ તરીકે વપરાય છે તેમજ આઉટલાઈન સ્કેચિંગ તરીકે વપરાય છે. જયારે B ગ્રેડની પેન્સિલો શેડિંગ આપવા, ટોનિંગ કરવા કે તમારા સ્કેચની બોર્ડરલાઇન ડાર્ક કરવા માટે ઉપયોગ થાય છે. F પ્રકારની પણ એક પેન્સિલનો ગ્રેડ હોઈ છે જે HB થી પહેલાનો ગ્રેડ ગણાય છે અને તે લખાણ માટે ઉપયોગ થાય છે. F નો મતલબ થાય છે ફાઈન પોઇન્ટ એટલે કે તમે ધારદાર અણીનો આકાર આપી શકાય તેવા ગ્રેડનું ગ્રેફાઇટ આ ગ્રેડમાં હોઈ છે.
Image Courtesy: https://www.thedrawingsource.com/drawing-pencils.html
પેન્સિલની બનાવટમાં કઈ પ્રકારના લાકડાનો ઉપયોગ થાય છે?
પેન્સિલની બનાવટમાં ગ્રેફાઇટ મટિરિયલની સાથોસાથ સિડાર નામના લાકડાનો જ ઉપયોગ થાય છે કેમકે આ લાકડું પકડવા તથા છોલવા માટે ખુબ સરળ હોઈ છે. આ લાકડાની પતલી પટ્ટીઓ બનાવવા તેમજ વિવિધ આકારમાં આસાનીથી કાપવામાં કોઈ મુશ્કેલી થતી નથી. સિડાર લાકડુ આપતા વૃક્ષો મૉટે ભાગે પહાડી જંગલોમાં જ ઉગતા હોઈ છે જેથી ભારતમાં પણ હિમાલયના જંગલો જ આ વૃક્ષોના સૌથી મોટા ઉત્પત્તિ સ્થાન તરીકે છે. વિશ્વભરમાં સિડાર લાકડા માટે 13 પ્રકારના વૃક્ષોની પ્રજાતિ કામ આવે છે જેને વિવિધ પેન્સિલ બનાવતી કંપનીઓ પોતાની જ જગ્યામાં ઉગાડવાની વ્યવસ્થા કરતા હોઈ છે જેથી પર્યાવરણને તથા જંગલોને નુકશાન ન થાય.
ચારકોલ પેન્સિલ
છેલ્લા 15 વર્ષમાં પેન્સિલ ઉદ્યોગમાં એક નવી વસ્તુ જોડણી છે જેને સ્કેચ આર્ટિસ્ટ ચારકોલ પેન્સિલથી ઓળખે છે. આ પેન્સિલની શોધ 2007 માં Derwent Cumberland Pencil Company, England (ડાર્વેન્ટ કામ્બરલેન્ટ પેન્સિલ કંપની) દ્વારા થઇ હતી. 24 પેન્સિલનો સેટ તમારા બ્લેક એન્ડ વાઈટ સ્કેચને કલરફૂલ ઇમેજ જેવી ફીલિંગ કરાવી શકે છે. ઘણા સ્કેચ આર્ટિસ્ટ આજકાલ આ પેન્સિલોનો ખુબ ઉપયોગ કરી રહ્યા છે અને આ પેન્સિલ ગ્રેફાઇટ પેન્સિલની સરખામણીમાં ખુબ રિલાયેબલ પણ સાબિત થઇ રહી છે.
પેન્સિલને લગતી અન્ય જાણવા જેવી વસ્તુ
દુનિયાનું સૌથી સારી ગુણવતાયુક્ત ગ્રેફાઇટ ચીનના સાઇબિરિયા પ્રાંતથી મળે છે. દુનિયાનો સૌથી વધુ ગ્રેફાઇટનો ભંડાર ચાઈનામાં જ ઉપલબ્ધ છે. સન 1856 માં સૌપ્રથમ વખત ફેબર કેસ્ટલને સાઈબિરીયન ચાઇનીસ પેન્સિલ માટે ખનીજ ખોદકામ અને વેચાણ માટે મંજૂરી મળી હતી. આજે પણ પીળા કલરની પેન્સિલ જે બજારમાં ઉપલબ્ધ હોઈ છે તે જણાવે છે કે આ દુનિયાના સૌથી શ્રેષ્ઠ ગ્રેફાઇટથી બનેલી સાઇબેરીયન ચાઇનીસ પેન્સિલ છે. આજે માત્ર ફેબર કેસ્ટલ જ નહિ પરંતુ વિવિધ કંપનીઓ જયારે ચાઇનીસ ગ્રેફાઇટનો ઉપયોગ કરી પેન્સિલ બનાવે છે ત્યારે તે તેની કંપનીના નામથી પીળા રંગની જ પેન્સિલ બનાવે છે. સન 1858 માં દુનિયાની પ્રથમ પેન્સિલમાં રબ્બર જોડેલી પેન્સિલની બનાવટ આવી હતી જે ફિલાડેલ્ફિયાના હાયમેન લિપમૅન દ્વારા બનાવામાં આવી હતી.
Image Courtesy: Google Images
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment