by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
માત્ર 5000 રૂપિયાથી પોતાની કારકિર્દી શરૂ કરનાર એક ભારતીય યુવક અંદાજે 4 દશકમાં આજે 45 હજાર કરોડ રૂપિયાનો માલિક બની જાય એ વાત કદાચ ગળે ઉતરી શકે નહિ પરંતુ એને હકીકત બનાવનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ ભારતીય શેર બજારના બિગબુલ ગણાતા અને શેર બજારથી કરોડો રૂપિયા સેકંડોમાં કમાતા રાકેશ ઝુનઝુનવાલા છે. વિશ્વભરમાં અમીર વ્યક્તિઓની ગણનામાં વોરેન બફેટનું નામ ખુબ ચર્ચિત છે. વોરેન બફેટ થોડા વર્ષો પહેલા સુધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા અને આજે પણ તેઓ દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિમાં શામેલ છે. વોરેન બફેટના બિલિયનર બનવા પાછળનો સૌથી મોટો સ્ત્રોત શેર બજાર જ રહ્યો છે. માર્કેટથી કમાયેલી મૂડીને પોતાના વિવિધ ધંધાઓમાં રોકી આજે તેઓ આ મુકામ પર પહોંચી ગયા છે. એજ રીતે રાકેશ ઝુનઝુનવાલા પણ ભારતીય બજારમાં પોતાની સૂઝ-બુઝ અને ધીરજથી હજારો કરોડ છાપ્યા છે એટલે જ તેમને ભારતીય વોરેન બફેટની ઉપાધિ પણ અપાય છે.
રાકેશ ઝુનઝુનવાલા
5 જુલાઈ 1960 ના રોજ મુંબઈના એક મારવાડી પરિવારમાં જન્મેલા રાકેશ નાનપણથી જ હિસાબી બાબતો, આંકડાઓમાં અને વ્યવહારમાં ખુબ હોશિયાર હતા. રાકેશના પિતાશ્રી એક ઈન્ક્મટેક્સ ઓફિસર હતા જેથી આંકડાની રમતો પહેલાથી જ તેમના લોહીમાં હતી. તેમના પિતાજીને શેરબઝારમાં ખુબ રસ પડતો અને તેમના મિત્રો સાથે પણ આ વિષે ઘણી ચર્ચાઓ કરતા ત્યારે નાનકડા 9 વર્ષના રાકેશ પણ આ વાતોને ખુબ રસપૂર્વક સાંભળતા. તેમને નાનપણથી જ શેર બજાર અને સ્ટોક્સના ચડાવ-ઉતારમાં રમત-ગમત જેવો આનંદ મળતો હતો અને તેમણે એજ ઉમરથી પોતાની કારકિર્દી સ્ટોક માર્કેટમાં બનાવવાનો નિર્ણય કરી લીધો હતો. રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની કારકિર્દી અંગે પોતાના મનની વાત અને પિતાની વાત, બન્નેને ન્યાય આપ્યો છે. તેમના પિતાની ઈચ્છાથી તેઓ સી.એ. પણ બન્યા અને નાનપણથી ઈચ્છા હતી એ પ્રમાણે આજે શેરબજારના બિગબુલ પણ બન્યા છે.
રાકેશ ઝુનઝુનવાલાની કારકિર્દીની શરૂઆત
રાકેશ ઝુનઝુનવાલાને જયારે શેરબજારમાં પૈસા રોકી ધંધો કરવાની ઈચ્છા થઇ હતી ત્યારે તેના પિતાજીએ પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને કોઈપણ પાસેથી પૈસા ઉધાર લેવાની પણ મનાઈ કરી દીધી હતી. રાકેશ ઝુનઝુનવાલા આ વાતથી નિરાશ થયા વિના સી.એ. ની પ્રેક્ટિસ કરતા તેમના મોટા ભાઈ પાસે ગયા. તેમના ભાઈના 1-2 ક્લાઈન્ટને ઇન્વેસ્ટમેન્ટની જાણકારી અને પ્રોફિટની આશા દેખાડી તેમની પાસેથી પૈસા લઇ ટાટા ટી ના 5000 શેર 43 રૂપિયાના ભાવે ખરીધા હતા. આ વાત છે 1986 ની જયારે માત્ર ત્રણ મહિનાના ગાળામાં 43 રૂપિયાના શેર 143 રૂપિયાના થઇ ગયા અને તેમને આ શેર વેચવાથી ખુબ સારો એવો પ્રોફિટ પણ મળ્યો હતો. 1986 થી 1989 સુધીમાં રાકેશ ઝુનઝુનવાલાએ શેર બજારમાં 20 થી 25 લાખ જેટલો પ્રોફીટ કર્યો હતો.
રાકેશ ઝુનઝુનવાલાની બિગબુલ સફરના મહત્વના માઈલ સ્ટોન્સ
આજે રાકેશ ઝુનઝુનવાલા ભારતના 61 માં સૌથી અમીર વ્યક્તિ છે અને આ પૈસા તેમણે પોતાની સાહસ શક્તિ, બુદ્ધિ અને ધીરજને કારણે ઉભા કર્યા છે. રાકેશ ઝુનઝુનવાલા આજે જે પોઝિશન પર છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણા રીસ્ક ઉઠાવ્યા છે અને સાથોસાથ પોતાના પર વિશ્વાસ રાખી ધીરજની સાથે ફળ મીઠા કર્યા છે. આજે તેમની એ સફરના મુખ્ય વાંકિયા પર નજર કરીએ.
1. 1986 ના સમયમાં સેસા ગોઆ સ્ટોક્સ કે જે આજે વેદાન્તા લિમિટેડથી ઓળખાય છે. 1986 માં આ કંપનીએ ખુબ મોટી નુકશાની કરી રહી હતી અને એ સમયમાં લોખંડનો ભાવ તળીયા પર હતો. આ સમયમાં સેસા ગોઆથી લોકો પોતાના પૈસા ઉપાડી રહ્યા હતા ત્યારે રાકેશ ઝુનઝુનવાલાએ 25-26 રૂપિયાના ભાવથી 4 લાખ શેર ખરીધા હતા જે તેમની સંપૂર્ણ જમાપૂંજી સમાન હતી. આ એક બહુ મોટું રિસ્ક તેમણે લીધું હતું પરંતુ પોતે જાણતા હતા કે ભારતમાં લોખંડનો ભાવ પડી શકે પરંતુ તેની માંગ નહિ. આ વાત તેમની સાચી પડી અને આ કંપનીના ભાવ બીજા જ વર્ષે 20-25% ઉંચકતા તેમને ખુબ મોટો પ્રોફિટ હાથ લાગ્યો હતો.
2. 1989 માં જયારે વી.પી.સિંહની સરકાર હતી એ સમયે નેશનલ બજેટ વખતે શેરબજાર ખુબ ઠંડુ પડ્યું હતું અને લોકો એવું માનવા લાગ્યા હતા કે વી. પી. સિંહની સરકાર બજેટમાં બિઝનેસ લક્ષી નહિ બની શકે. આજ બીકને કારણે લોકો પોતાના પૈસા શેર બજારથી ઉપાડી રહ્યા હતા અને રાકેશ ઝુનઝુનવાલા તેમનાથી વિપરીત પોતાની સંપૂર્ણ જમાપૂંજી શેર બજારમાં રોકી રહ્યા હતા. તેમનું માનવું હતું કે વી. પી. સિંહ પોતે એક બિઝનેસમેન રહી ચુક્યા છે અને તે ધંધાર્થીઓને ધ્યાને રાખીને જ બજેટ બનાવશે. રાકેશજી આ વાતમાં પણ સાચા પડ્યા, વી. પી. સિંહનું બજેટ ધંધાર્થીઓ માટે ખુબ લાભકર્તા હતું અને જેના કારણે શેર બજારમાં મોટી તેજીની લહેર આવી અને રોકાણકારો સહિત રાકેશજીને માલામાલ કરી ગઈ.
3. તેની જિંદગીનો સૌથી મોટો પ્રોફીટ તેમણે 1992 માં કમાયો હતો જયારે સંપૂર્ણ ભારતના રોકાણકારોના પૈસા ટાઇટેનિકની જેમ અચાનક ડૂબ્યા હતા. આ સમય હતો હર્ષદ મહેતા સ્કેમનો જયારે તેમને તેમના ગુરુ રાધાકિશન દામાણીજીની શિખામણ કામ આવી હતી. દામાણીજીએ એ સમયે રાકેશને કહ્યું હતું કે માર્કેટની આવડી તેજી કોઈ સ્કેમને કારણે જ હોઈ શકે જેથી આ સમયમાં સાચી સમજદારી શોર્ટ સેલ કરી પ્રોફિટ મેળવવાની જ હોઈ શકે. આ વાત તેમને પણ સાચી લાગી અને શોર્ટ સેલિંગથી તેમણે અઢળક રૂપિયા બનાવ્યા હતા.
રાકેશ ઝુનઝુનવાલા પોતાની કઈ ફિલોસોફીને આધારે ઈન્વેસ્ટ કરે છે?
રાકેશ ઝુનઝુનવાલા પોતાના જીવનના કેટલાક નિયમોને પોતાની સફળતાનું રાઝ માને છે. તેઓ પોતાના આકરા નિર્ણયો વખતે તેમની ફિલોસોફીને વળગી રહે છે જેથી તેમનાથી ક્યારેય લાલચમાં ભૂલ ના થાય. જે લોકો શેરબજારમાં પોતાના પૈસા સીધા રોકે છે તેઓ આ વાત સમજતા જ હશે કે લાલચમાં કેટલા રૂપિયા શેરબઝારમાં ડૂબ્યા હશે તો કેટલીક વાર ધીરજથી ઘણા પૈસા કમાયા પણ હશે. રાકેશજી પોતાની ઘણી ફિલોસોફીને આધારે ઘણી ખોટથી બચી પણ શક્યા છે.
1. "હેવ પેશન્સ" - ધીરજ રાખો, કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોઈ છે. આ કહેવત રાકેશ ઝુનઝુનવાલાએ સાચી કરી દેખાડી છે. માર્કેટ જયારે પળે છે ત્યારે ઘણી સારી કંપનીઓના પણ શેરનો ભાવ ઘટતો હોઈ છે પરંતુ એ થોડા સમય પૂરતો માર્યાદિત હોઈ છે. કંપનીની સંપૂર્ણ ડીટેલ લઇ જયારે કોઈ શેર ખરીદવામાં આવે અને થોડી ધીરજ રાખી શેરને પડતીના સમયમાં પણ હોલ્ડ કરવામાં આવે તો ભવિષ્યમાં ખુબ સારો નફો કમાઈ શકાય છે. રાકેશ ઝુનઝુનવાલાની ધીરજનો એક દ્રષ્ટાંત જોઈએ અને સમજીએ કે કેવી રીતે તેમણે લાખોમાંથી કરોડો કેવી રીતે કર્યા? 2002-2003 માં ટાઇટન કંપનીના શેર કે જે માત્ર 5 રૂપિયામાં ખરીધા બાદ એ શેર થોડા સમયમાં 80 રૂપિયા સુધી ગયા હતા અને પાછા એ જ શેરના ભાવ 30 રૂપિયા થઇ ગયા હતા. સામાન્ય રીતે આ પરિસ્થિતિમાં લોકો આ શેરનો ભાવ વધુ પડી જશે એવી બીકે શેરને 25 રૂપિયા મુનાફો લઇ વેંચી નાખે ત્યારે રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરને રાખી મુક્યો અને આજની તારીખે તેનો ભાવ 2575 રૂપિયા પહોંચી ગયો છે. ગત વર્ષે, એક દિવસે માત્ર 1 કલાકમાં ટાઇટનના ભાવ વધવાને કારણે રાકેશજીને 900 કરોડનો પ્રોફીટ થયો હતો. એક સમયમાં ટાઇટન કંપનીમાં તેમનું એક નાનકડું રોકાણ, આજે દસ હજાર કરોડથી પણ વધુનું થઇ ગયું છે. ટાઇટન કંપનીના શેર આજે તેમની સંપૂર્ણ મિલકતના 20% જેટલો હિસ્સો ધરાવે છે.
2. ખુબજ મહત્વની ફિલોસોફી અને તેમના દ્વારા અવારનવાર કહેવામાં આવતી ફિલોસોફી એ છે કે "નેવર ફોલો ટિપ્સ". આ એક એવી ફિલોસોફી છે જેના પર તો આજના દરેક નવા શેરબઝારી ભાઈઓ-બહેનો નિર્ભર હોઈ છે. કોઈ કહે આ શેર લે કોઈ કહે આ શેર વેચ અને એમ-એમ કરતા પહેલા હજારો અને પછી લાખો રૂપિયા આપણે કંપની જાણકારી મેળવ્યા વિના નાખી દેતા હોઈએ છીએ. રાકેશ ઝુનઝુનવાલાના મતે જે શેર તમે લેવા માંગતા હોવ તેના વિષે પહેલા તો સંપૂર્ણ માહિતી મેળવો અને જો તમને લાગે કે આ કંપની ભવિષ્યમાં પ્રોફીટ કરશે તો જ શેરને ખરીદો. બજારમાં મળતી ટિપ્સ 99% ફેક હોઈ છે અને વિચાર્યા વિના કોઈપણ વ્યક્તિના પોર્ટફોલિયોની કંપનીમાં રોકાણના કારણે તમારા પૈસા ડૂબી પણ શકે છે. હા, બેશક કોઈ તમારા ફેમસ ઇન્વેસ્ટમેન્ટ ગુરૂની સલાહ મુજબ અને કંપની વિષે સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ તમને યોગ્ય લાગે ત્યારે શેરની ખરીદી કરી શકાય છે પરંતુ કોઈ ગ્રુપમાં આવેલી અથવા કોઈના નામથી આવેલી ટિપ્સને ભરોસાપાત્ર ગણી શકાય નહિ. મોટા વ્યક્તિઓ કે મોટા ઇન્વેસ્ટરોના નામથી ફરતા ન્યુઝ મોટેભાગે ખોટા જ હોઈ છે જે પર્ટિક્યુલર કંપનીના ફંડ રેઈઝ કરવા ફેલાવવામાં આવે છે.
રાકેશ ઝુનઝુનવાલાની આવક અન્ય ક્યા સ્ત્રોતોથી થાય છે?
રાકેશ ઝુનઝુનવાલાનો મુખ્ય આવકનો સ્ત્રોત માત્ર શેર બજાર નથી. તેમને પોતાની એક એસેટ મેનેજમેન્ટ કંપની છે જે તેમણે 2003 માં ખોલી હતી. "RARE Enterprise" નામની પેઢી તેમણે તેમના અને તેમની પત્ની રેખાના નામના આગળના અક્ષરોથી ઇન્સ્પ્યાર થઇ બનાવી છે. તેઓ આ પેઢી દ્વારા પોતાના સ્ટોક્સને પણ મેનેજ કરે છે અને સાથો સાથ એજ્યુકેશન ફિલ્ડ, બાયો ટેક્નોલોજી, ડિજિટલ એટરટેઈમેન્ટ, હેલ્થ કેર અને હોસ્પિટાલિટી ઉધોગોમાં રોકાણ કરી અઢળક રૂપિયા કમાઈ રહ્યા છે. તેમણે ઘણી બૉલીવુડ ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે અને હાલમાં જ તેમની કંપની સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ સ્ટોક્સ એક્સચેન્જમાં પણ લિસ્ટ થઇ છે. હમણાં જ રાકેશ ઝુનઝુનવાલા મોદી સાહેબ સાથેની એક બેઠકમાં કરચલી વાળો શર્ટ પહેરવાને કારણે ખુબ ટ્રોલ થયા હતા. આ મિટિંગ તેમની એરલાઇન્સ કંપની અકાશા એરલાઇન્સના એપ્રુવલ માટે હતી જેમાં તેમને મંજૂરી પણ મળી ગઈ છે. ખુબ ટૂંકા સમયમાં આપણે ભારતના ઉડ્ડયન ઉધોગમાં પણ રાકેશ ઝુનઝુનવાલાને નવી બુલંદી સર કરતા જોઈ શકીશું.
Image Courtesy: https://twitter.com/joydas/status/1445652218070265862
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
1 comment:
Good information
Post a Comment