by Dr. Hardik Ramani (Gujarati Blog)
નમસ્કાર મિત્રો,
આજે ભારતભરમાં 30 કરોડથી વધુ વાહનો રસ્તા પર ચાલતા હોવાનો અંદાજ છે. આ આંકડા હકીકતથી તો 2019 ના છે અને દરવર્ષે આ આંકડામાં 7 કરોડથી વધુ વાહનો જોડાતા જાય છે. એક સમય એવો હતો જયારે ભારતમાં ઘોડા તથા બળદ ગાડીઓ, સાયકલો અને ટ્રેનો જેવા જ સાધનો ભારતવાસીઓનો મુખ્ય પરિવહન સ્ત્રોત હતો. આજે સમય ફરી ગયો છે અને ઘરમાં વ્યક્તિ દીઠ વાહનો કે તેનાથી પણ વધુ વાહનો તમારા ઘરમાં કે સમાજમાં જોવા મળી શકે છે. 30 કરોડ વાહનોમાં અંદાજિત 70-75% ફાળો તો માત્ર ટુ-વ્હીલર વાહનોનો ગણી શકાય છે. એટલે 20 થી 22.5 કરોડ જેટલા દ્વિચક્રી વાહનો ભારતના શહેરો અને ગામડાઓમાં ફરતા હશે. ગાડીઓની ગણતરીમાં પણ 3.25 કરોડ જેટલી કાર્સ અને તેના જેટલા કે વધુ ટ્રક, બસ અને બીજા ઘણા વાહનો આપણા ભારતમાં રજીસ્ટર છે.
ભારતમાં સૌથી વધુ રજીસ્ટર થયેલા વાહનોની ગણતરી પ્રમાણે જોઈએ તો મહારાષ્ટ્ર એકલામાં જ 3.5 કરોડથી વધુ વાહનો છે અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ જ્યાં 3.25 કરોડ, તામિલનાડુ જ્યાં 3 કરોડ અને પછી આપણા ગુજરાતમાં જ્યાં 2.5 કરોડથી વધુ વાહનો હાલ રસ્તા પર દોડી રહ્યા છે. આ યાદીને વધુ રોચક બનાવવની હોઈ તો સૌથી વધુ વાહન ધરાવતા શહેરો મુજબ દિલ્હીમાં 1.10 કરોડથી વધુ વાહનો દોડે છે જેમાં 76 લાખ તો માત્ર ટુ-વ્હીલર જ છે. દેશભરમાં જયારે કુલ 20 કરોડથી વધુ ટુ-વ્હીલર દોડે છે અને ભારતને પણ દોડતું રાખે છે ત્યારે ભારતના એવા ટુ-વ્હીલરને કેમ ભૂલી જવાઈ કે જેના કારણે ભારતમાં ટુ-વ્હીલરના યુગની શરૂઆત થઇ.
ભારતનો એવો દશકો કે જયારે ભારતમાં ટુ-વ્હીલર ભરોસેમંદ વાહન તરીકે પ્રસ્થાપિત થયુંભારત આઝાદ થયા પછી ભારતની ઈકોનોમીને પાટે ચડાવવા વાહનવ્યવહાર ખુબ મોટું માધ્યમ બન્યું હતું જેમાં માલવાહક વાહનો, ટ્રેનો અને બસોનો ખુબ મોટો ફાળો ગણી શકાય ત્યારે નજીકની મુસાફરી માટે ઘોડા કે બળદ ગાડી તથા પર્સનલ વાહન તરીકે ઘોડા કે સાયકલ જ હતી. સમયનો ફેરફાર થતો ગયો અને ભારતીય અર્થતંત્ર મજબૂત બનતું ગયું અને 1980 નો સમય આવ્યો જયારે ભારતીય માર્કેટમાં દેશી-વિદેશી ટુ-વ્હીલર આવવા લાગ્યા હતા. આજે પણ જો કોઈ 30 વર્ષ કે તેનાથી મોટા વ્યક્તિઓ ટુ-વ્હીલરની સાચી સફરને યાદ કરે તો 1980 થી 1990 વચ્ચેના ટુ-વ્હીલર વાહનોને અચૂક યાદ કરશે તેમાં કોઈ નવાઈ નથી. આ સમયમાં આવેલા ટુ-વ્હીલર વાહનોએ ભારતીય બજાર અને લોકોમાં ખુબ રાજ કર્યું હતું. આ વાહનો છેલ્લા 10 વર્ષથી જ રસ્તા પર દેખાવાનું બંધ કર્યું છે જ્યારથી અધતન ટેક્નોલોજીથી સજ્જ બીજા મોપેડ, બાઈક, સ્પોર્ટ્સ બાઈકનું ચલણ વધ્યું છે. હજુ હમણાંની જ વાતો જૂની થતા વાર નથી લાગતી તેમ આ વાહનો પણ સદીઓ પહેલાના લાગવા લાગ્યા છે. ચાલો જોઈએ કે એ ક્યાં 12 ટુ-વ્હીલર વાહન હતા જેમાં આપસૌની બાણપણ કે યુવાનીની અમૂલ્ય યાદો કોતરાયેલી છે. આજે આ વાહનોને જોતા જ એ બધા દિવસો તાજા થઇ જશે.
1. કાઇનેટિક હોન્ડા (Kinetic Honda)કાઇનેટિક હોન્ડા કે જે 1984 માં પ્રથમ વખત ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જે કાઇનેટિક એંજીન્યરિંગ લિમિટેડ, ઇન્ડિયા અને હોન્ડા મોટર કંપની, જાપાનનું સયુંકત સાહસ હતું. આ એક ખુબ સફળ ટુ-વ્હીલર હતું જેમાં 98cc નું ટુ-સ્ટ્રોક એન્જીન લાગેલું હતું. તેની ડિઝાઇન એટલી યુનિક હતી કે આજે પણ લોકો તેને જોઈ પોતાના જુના દિવસોની મોજ યાદ કરતા થઇ જાય છે. કાઇનેટિક અને હોન્ડા કંપની 1998 સુધી સાથે રહી, આ વાહનનું નિર્માણ કરતી રહી હતી પરંતુ ત્યારબાદ તેઓ છુટ્ટા પડ્યા પરંતુ કાઇનેટિકે આ વાહનના ઉતરોતર મોડલ્સ 2008 સુધી બનાવવાનું શરુ રાખ્યું હતું. આ એવી એકમાત્ર કંપની હતી જેમાં સેલ્ફ સ્ટાર્ટ તેમજ CVT એટલે કે ગિયર પાડયા વિના પણ ચાલી શકતું હતું. જેથી એ સમયમાં સ્ત્રીઓની એ પહેલી પસંદગી માનવામાં આવતી હતી. 2008 બાદ આ કંપની મહિન્દ્રા દ્વારા ખરીદાઈ ગઈ હતી પરંતુ મહિન્દ્રા પણ ટુ-વ્હીલરમાં અસફળ થતા આજે આ યુનિટને સંપૂર્ણ તાળું લાગેલું છે.
2. યામાહા RX-100 (Yamaha RX-100)
આ બાઈક વિષે તો શું કહેવું? આજે પણ ઘણા બાઈકોના શોખીન લોકો પોતાના ઘરમાં કે કલેક્શનમાં આ બાઈકને રાખે છે. આ એક બાઈક નહિ પરંતુ ડ્રિમ બાઈક હતું. પોતાના બોડી અને વજનના પ્રમાણમાં ખુબ વધુ પાવર ઉત્પન્ન કરતુ Yamaha RX-100 તેના જમાનાનું સૌથી સફળ અને સ્પોર્ટી બાઈક હતું. યુવાનો આ બાઈકને પોતાની જિંદગી ગણતા હતા. યામાહા કંપની દ્વારા આ બાઈક ભારતમાં સૌપ્રથમ 1985 માં લોન્ચ કર્યું હતું. 98.2cc નું એર કુલ્ડ ટુ-સ્ટ્રોક એન્જીન આ બાઈકને ગજબનો પાવર આપતું હતું. કદાચ આજે પણ જો આ બાઈકને ફરીથી માર્કેટમાં ઉતારવામાં આવે તો પણ સફળ થાય તેવી બનાવટ, દેખાવ અને પરફોર્મન્સ હતો. એ સમયે રેસિંગ બાઈકનો એવો યુગ તો ભારતમાં ન હતો છતાં જુવાનિયાઓ આ બાઈકની રેસિંગના દીવાના હતા. મોતના કુવામાં આજ બાઈક આજે પણ તેનો જલવો દેખાડે છે. માત્ર 95 કિલો વજનની આ બાઈક 110 કી.મી./કલાકની ઝડપે દોડી સકતી. આ બાઈકનું ફાયરિંગ આજે પણ કેટલાય લોકો માટે મધુર સંગીતથી પણ વિશેષ હશે.
3. બજાજ પ્રિયા (Bajaj Priya)
આ સ્કૂટરનું એવું મોડેલ છે જેમાં મોટાભાગના આજના જુવાનિયાઓનું બાળપણ ફર્યું હશે. ફેમેલી વાહન તરીકે આજે ભલે આપણે ગાડી પસંદ કરતા હોઈએ પરંતુ 1980 થી 2000 સુધી ફેમેલી માટે આ સ્કૂટર જ આપણી ગાડી હતી. બજાજ કંપની કે જે સંપૂર્ણ ભારતીય છે અને મહારાષ્ટ્રના પુણેમાં તેનો મોટો પ્લાન્ટ છે તે આ સ્કૂટરની બનાવટ કરતા હતા. 150cc નું આ સ્કૂટરનું નિર્માણ 1975 થી 1992 સુધી બજાજ ઓટો દ્વારા જ કરાતું હતું. આ પહેલા સુધી બજાજના જ ચેતક મોડેલની ખુબ માંગ હતી અને વેસ્પા પણ આજ પ્રકારના મોડેલ બનાવતી હતી. આ સ્કૂટર જેણે તે સમયે ખરીધું હતું તેને અંદાજો હશે જ કે એ સમયે સ્કૂટર લખાવો એટલે પ્રિયા સ્કૂટર 4 વર્ષે મળતું હતું જયારે ચેતક માટે તો 10 વર્ષનું વેઇટિંગ ચાલતું હતું. આના પરથી તમે અંદાજો લગાવી શકો કે આ સ્કૂટરની પોપ્યુલારિટી કેટલી બધી હશે.
4. હીરોહોન્ડા સ્પ્લેન્ડર (Hero Honda Splendor)
આ બાઈકને તો દરેક વ્યક્તિ કે બાળક પણ ઓળખતું હશે કેમકે આ બાઈકને આજે પણ Hero MotoCorp થોડાઘણા જ ફેરફાર સાથે વેચી રહી છે. આ બાઈકને ભારતની સૌથી વધુ વેચાયેલી બાઈકનો ખિતાબ પ્રાપ્ત છે. 1994 માં પહેલી વખત આ બાઈકને હીરો તથા હોન્ડા કંપનીએ સંયુક્ત રીતે બનાવી વેચી હતી. આ બાઈક હીરો હોન્ડા CD 100 અને સ્લીક પરથી બનાવવામાં આવી હતી પરંતુ માર્કેટમાં આવતાની સાથે જ આ બાઈક દરેક ભારતીયોની પસંદ બની ગઈ હતી. આજે પણ આ બાઈકની ટેગ લાઈન "ભારતકી ધડકન" જ છે જેનું કારણ તેની લોકપ્રિયતા છે. એવરેજની તુલનામાં સૌથી સફળ તેમજ ખુબજ ઓછો મેઇન્ટેનન્સ ખર્ચ આપતી આ બાઈક આજે પણ એટલી જ વેચાઈ રહી છે. એક સમયે હોન્ડા મહિનાની લગભગ 10 લાખ કરતા પણ વધુ સ્પેલન્ડર બાઈકો વેચતી હતી જે આજે પણ 2.50 લાખ કરતા વધુનું સેલિંગ કરી રહી છે.
5. રાજદૂત (Rajdoot 350)આ બાઈક પણ આપણા ગુજરાતની સાથોસાથ સંપૂર્ણ ભારતમાં ખુબ પ્રચલિત બની હતી. આ બાઈક ખરેખર તો Yamaha RD350 માંથી બનાવેલી હતી જેને ભારતીય કન્ડિશન મુજબ મોડીફાઇ કરવામાં આવી હતી. આ બાઈકને એસ્કોર્ટ ગ્રુપ દ્વારામાં બનાવવામાં આવી હતી. આ મોડેલ 350cc, 6 મેન્યુઅલ સ્પીડમાં આવતું હતું. 1983 થી 1989 સુધી કમ્પની દ્વારા આ મોડેલ બનાવવામાં આવ્યું હતું જે ભારતમાં ચાલ્યું તો ઓછું હતું પરંતુ તેના પવારને કારણે ભારતમાં ખુબ પ્રચલિત થયું હતું.
6. રોયલ એન્ફિલ્ડ બુલેટ (Royal Enfield Bullet)
આજના યુવાનોની પણ બાઈકમાં પહેલી પસંદ બુલેટ હોઈ છે તેમ આ બાઈક છેલ્લા 75 વર્ષથી માર્કેટમાં ખુબ ઓછા દેખાવી ફેરફાર સાથે પોતાના મોડેલ સંપૂર્ણ વિશ્વમાં વેચી રહ્યા છે. રોયલ એન્ફિલ્ડને બુલેટ નામ તેના UK ના મોડલ પરથી મળ્યું હતું. 1931 થી 1966 સુધી યુકેમાં આ કંપની કાર્યરત હતી જે વિશ્વભરમાં તેના મોડેલ વેચતી હતી. જયારે રોયલ એન્ફિલ્ડની ભારતમાં 1955 માં સ્થાપના થઇ ત્યારથી તે Royal Enfield India બની અને જે આજ દિવસ સુધી તેના વિવિધ મોડેલ બજારમાં ઉતારી રહી છે. ખરેખર ઇન્ડિયન મદ્રાસ મોટર્સ (Indian Madras Motors) દ્વારા રોયલ એન્ફિલ્ડ પાસેથી બાઈક બનાવવાનું લાઇસેંસ લીધું હતું. ભારતીય કંપની આઇસર મોટર્સ લિમિટેડ (Eicher Motors Limited) આજે તેને પોતાની સબ્સિડરી બ્રાન્ડ બનાવેલ છે. એટલે હવે સંપૂર્ણ ભારતીય એવી રોયલ એન્ફિલ્ડ 350 અને 500cc ના વિવિધ મોડલ માર્કેટમાં ઉતારી રહી છે. જેતે સમયે ડીઝલના વિવિધ મોડલ ભારતીયની પસંદ બનેલા હતા. સાયલેન્સરનો એક યુનિક અવાજ અને હેવી બાઈક પોલીસ ખાતા દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવતા.
7. સુઝુકી સમુરાઇ (Suzuki Samurai)
"સુઝુકી સમુરાઇ નો પ્રોબ્લેમ" વાળી જાહેરાત આજે પણ ઘણા લોકોના દિમાગથી બાર નહિ નીકળી હોઈ. જાપાની કંપની સુઝુકી દ્વારા TVS કંપની સાથે મળી ભારતની ખુબ પ્રચલિત બાઈક સુઝુકી સમુરાઇ બનાવી હતી. આ બાઈકને માર્કેટમાં 1994 માં લોન્ચ કરાઈ હતી. 98.2cc ની ટુ-સ્ટ્રોક બાઈક તેના ખુબ ઓછા મેઇન્ટેનન્સ માટે પ્રચલિત હતી. જાપાની ટેક્નોલોજી અને ભારતીય TVS કંપનીનો વિશ્વાસ આ બાઈકને ખુબ પ્રચલિત બનાવવા કાફી હતો.
8. હીરો હોન્ડા CD100 (Hero Honda CD100)
મધ્યમવર્ગની પ્રથમ પસંદ Hero Honda CD100 ને લોકો માત્ર CD100 થી જ ઓળખતા. હીરો હોન્ડા એ સમયમાં વિશ્વાસનું પ્રતીક સમાન હતી એમાં CD100 બાઈક તેની ફ્યુઅલ ઇફીસીયંસી એટલે કે એવરેજને કારણે લોકોમાં ખુબ જ જાણીતી થઇ હતી. 70-80 ની એવરેજ આપતી આ બાઈક આજે પણ તેના CD Delux અને CD Dawn જેવા ઉતરોતર મોડલ્સને કારણે ખુબ વેચાઈ છે. આ બાઈકનું પણ ફાયરિંગ પણ ખુબ યુનિક હતું.
9. એલેમેલ વેસ્પા (LML Vespa)
બજાજના સ્કૂટર જેવા અને આજે પણ ખુબ પ્રચલિત એવા વેસ્પાના સ્કૂટરની ડિઝાઇન જેવા જ તેના જનરેશન મુજબ દાદા કહી શકાય તેવા LML અને Piaggio VE SpA, Italy કંપનીના સયુંકત સાહસથી બનેલા LML Vespa સ્કૂટર 1983 થી ખુબ પ્રચલિત થયા હતા. આ સ્કૂટર બજાજ અને પિયાગો વેસ્પાના બીજા સ્કૂટર કરતા ખુબ હળવા હતા જેથી લોકોને તે ખુબ પસંદ આવતા. આ પ્રકારની ડિઝાઇન તે વખતે તો લોકોને ગમતી જ પરંતુ આજે પણ વેસ્પાના સ્કૂટરમાં આ ડિઝાઇન આજની જનરેશનના લોકોને પણ પસંદ આવી રહી છે. 1972 માં સ્થાપેલી લોહિયા મશીનરી લિમિટેડ એટલે કે (LML) જે આજે પણ એક ખુબ પ્રચલિત ભારતીય કંપની છે. 1999 માં આ મોડેલ બંધ થયા જેનું કારણ LML અને Ve Spa કંપની વચ્ચેના કરાર તૂટવાનું માનવામાં આવે છે.
10. કાઇનેટિક લ્યુના (Kinetic Luna)
એક સાયકલ કહો કે સ્કૂટર, તમે સમજી ના શકો તેવું ભારતનું એક વાહન જે ખુબજ પ્રચલિત થયું હતું. 50cc નું એક એવું સ્કૂટર કે જે દરેક મધ્યમવર્ગીય લોકો માટે તેનું હમસફર હતું. પેટ્રોલ હોઈ તો પણ ચાલે અને ન હોઈ તો સાયકલ બનાવીને પણ ચાલે એવું આ જોરદાર વાહન હતું. ભારતીય કંપની કાઇનેટિક એન્જીન્યરીંગ દ્વારા 1972 માં ભારતમાં લુનાને સફળતા પૂર્વક વેચવાનું શરુ થયું હતું. 35cc તથા 50cc ના વેરિયંટમાં લુનાના વિવિધ મોડલો 2000 ની સાલ સુધી કાઇનેટિક દ્વારા માર્કેટમાં વેચવામાં આવતા હતા. લ્યુના TFR મોડલ તો અમેરિકામાં પણ કાઇનેટિક દ્વારા વેચવામાં આવેલા હતા.
11. M80 (Bajaj M80)
એક 1980 ના સમયનું એક મોડલ M80 ને હું જણાવી રહ્યો છુ. બજાજ કંપની દ્વારા 1986 માં લોન્ચ કરવામાં આવેલ M80 74.0cc ટુ-સ્ટ્રોક એન્જીન ધરાવતું હતું. આ એન્જીન પણ એટલું જ સક્ષમ અને પાવરફુલ હતું કે ગામડું હોઈ કે શહેર તે ખુબ આરામથી 2-3 કે 4 લોકો સુધી ચાલતું હતું. આ સ્કુટરનો પણ આકાર યુનિક હતો અને બજાજ કંપની તેને મજબૂત, આરામદાયક અને વધુ એવરેજ આપતું બનાવેલું હતું.
12. ટીવીએસ સ્કૂટી (TVS Scooty)
1996 થી સ્ત્રીઓની પહેલી પસંદ અને ખુબ ભરોસેમંદ એવી સ્કૂટી આજે પણ આપણા ગુજરાતમાં મોપેડ માટે વપરાતો શબ્દ છે. આજે પણ કોઈ નાના વાહનને લોકો તેના નામથી નહિ પરંતુ સ્કૂટી કહીને બોલાવે છે જેનું કારણ છે આ વાહનની લોકપ્રિયતા. 10-12 માં ભણતા છોકરાઓ-છોકરીઓથી લઇ કોલેજ જતી છોકરીઓ સુધી એકદમ હળવું, સ્ટાઈલિશ અને વિવિધ રંગોમાં આવતી સ્કૂટીની શરૂઆત ટીવીએસ કંપની દ્વારા 1996 માં કરવામાં આવી હતી. એ સમયે સ્કૂટી કિક સ્ટાર્ટ મોડલમાં જ ઉપલબ્ધ થઇ હતી જે સેલ્ફ સ્ટાર્ટમાં પણ આવાની શરૂઆત થઇ. સ્કૂટી દર 2-4 વર્ષે તેના મોડલમાં ઘણા ફેરફાર કરતી રહી ત્યારબાદ 2000 ની સાલ બાદ તો સ્કૂટી પેપ અને પેપ પલ્સએ તો ભારતીય નાના બજેટની માર્કેટમાં હલ્લો કરી દીધો હતો. લ્યુના, સન્ની જેવા વાહનોની જગ્યા આ સ્કૂટી એ લીધી હતી.
ભારતના 2-3 દાયકા પહેલાની આ દરેક બાઈક સાથે તમારી અને મારી અનેકો યાદો જોડાયેલી છે. આ બાઈકો અને સ્કૂટરો આજે રોડ પર નજર તો નથી આવતા પરંતુ ફોટો જોઈ એ સમય ચોક્કસ યાદ આવી જતો હોઈ છે. હજુ પણ બીજી કોઈ એવી બાઈક કે સ્કૂટર જે ખુબ સફળ રહી હોઈ તેના વિષે તમે કોમેન્ટ કરી શકો છો..
Image Courtesy: Google Images
Video Source: ASY Cardrive (YouTube Channel)
In Gujarati Language
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment