by Dr. Hardik Ramani (Gujarati Blog)
નમસ્કાર મિત્રો,
ભારતના કોઈપણ ખૂણે અને કોઈપણ મધ્યમવર્ગના ઘરમાં બ્લુ કલરની એક નાની કે મોટી પેરાશૂટ લખેલી હેર ઓઈલની બોટલ જોવા મળશે જ. આ હેર ઓઇલ કે જેને આપણે "પેરાશૂટ" ઓઇલ તરીકે ઓળખીએ છીએ તે પ્યોર કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળીનું તેલ છે. હા, આ એજ નારિયેળી કે જેને આપણે ત્રોફા તરીકે પણ ઓળખીએ છીએ અને જો તેની સુકવણી કરવામાં આવે તો એ મંદિરમાં અને પૂજાપાઠમાં વપરાતું શ્રીફળ બની જાય છે. દરિયા કિનારે ખુબ ઉગતા અને શક્તિરસ તરીકે ઓળખાતા નારિયેળી આપણા શરીર માટે ખુબ ગુણકારી હોઈ છે અને તેના દરેક ભાગ કોઈ ને કોઈ કામમાં આવે છે. નારિયેળીનું પાણી સૌથી ઉત્તમ મનાય છે ત્યારે તેના સુકાયેલા છોતરાનું પણ કોકોપીટ તરીકે મોટું માર્કેટ છે. નારિયેળીની મલાઈ ઓઇલયુક્ત હોઈ છે જે સુકાયા બાદ તેમાંથી ભરપૂર માત્રામાં તેલ છૂટું પાડી શકે છે. દક્ષિણ ભારતમાં ખાદ્ય તેલ તરીકે કોકોનટ ઓઈલ જ વાપરવામાં આવે છે.
મેરીકો (Parachute) કંપનીના માલિક કોણ છે અને તેમનો ઇતિહાસ
એક ગુજરાતી ધારે તો શું ન કરી શકે? તેવા જ એક આપણા ગુજરાતી ભાઈ કે જે ફોરચ્યુન ઇન્ડિયા 500 માંની એક કંપનીના માલિક છે તેમજ ભારતના 55 માં સૌથી અમીર વ્યક્તિ પણ છે જેની સક્સેસ સ્ટોરી તથા તેમની ખુબ પ્રચલિત પ્રોડક્ટ પેરાશૂટ ઓઇલની વાત આજે આપણે કરીશું. હર્ષ મરીવાલા આજે મેરીકો કંપનીના ફાઉન્ડર અને ચેરમેન છે જે ભારતની સૌથી સફળ અને પ્રચલિત પેરાશૂટ ઓઇલ તથા બીજી અન્ય બ્યુટી પ્રોડક્ટ્સ બનાવે છે. વાત છે 19971 ની કે જયારે હર્ષ મરીવાલાએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હર્ષભાઈની શરૂઆત તેમના ખાનદાની ધંધાથી થઇ હતી કે જે FMCG (Fast Moving Consumer Group) ધંધો હતો. FMCG એટલે એવી જીવન જરૂરિયાતની વસ્તુઓ કે જે કોઈપણ વ્યક્તિને આ જીવન વારંવાર અને દૈનિક રીતે જરૂર પડતી હોઈ. હર્ષભાઈના દાદા વલ્લભદાસ વસનજી 1862 માં આપણા ગુજરાતના કચ્છથી મુંબઈ આવ્યા હતા. તેમનો મુખ્ય ધંધો મરીનો હતો જેથી તેમના દાદા મરીવાલા તરીકે ઓળખાયા. ત્યારબાદ તેમના દીકરા અને હર્ષભાઈના પિતાજી ચરણદાસજીએ 1948 માં Bombay Oil Industries Limited ની સ્થાપના કરી હતી અને જેમા તેના બીજા ત્રણ ભાઈઓએ પણ જોડાઈ મસાલા, તેલ તથા કેમિકલ વેચવાનું શરૂ કરેલું. 1971 માં આ કંપનીની પડતી ચાલતી હતી એ સમયે હર્ષભાઈએ કંપનીની કમાન સંભાળી હતી.
Image Courtesy: https://mobile.twitter.com/hcmariwala/photo પેરાશૂટ કંપનીનો ઉદભવ કેવી રીતે થયો?
હર્ષભાઈએ જયારે કંપનીની જવાબદારી લીધી ત્યારે Bombay Oil Industries Limited વિવિધ ખાદ્ય તેલની વિક્રી કરતી હતી જેમાં દક્ષિણ ભારતમાં પુષ્કળ ખવાતું કોકોનટ તેલ મુખ્ય હતું. હર્ષભાઈના ધ્યાનમાં આવ્યું કે કોપરેલનું તેલ કલકત્તા અને નાગપુરમાં નાના વેપારીઓ નાની બોટલમાં તથા છૂટક માથામાં નાખવાના તેલ તરીકે વેચે છે અને ભરપૂર નફો બનાવે છે. એક ગુજરાતી માટે ધંધામાં કંઈક સુજે એટલે એનો છેડો શોધી લે અને હર્ષભાઈએ પણ એવુજ કંઈક કર્યું અને તેમણે તેના ધંધાની સંપૂર્ણ દિશા બદલી નાખવાનું નક્કી કર્યું. 1975 માં જ તેમણે બે Consumer Product માર્કેટમાં ઉતારી દીધી. Parachute coconut oil અને Saffola refined oil જે હર્ષભાઈ અને તેમના વેપારની ગતિને ફૂલ ઝડપે લાવી દીધી.
હર્ષભાઈએ સૌ પ્રથમ તો કોકોનટ ઓઇલના મોટા ટીનના ડબ્બાથી નાના ટીનના ડબ્બામાં પ્રોડક્ટને હેર ઓઇલ સ્વરૂપે વેચવાનું શરુ કર્યું પરંતુ તેની રિસર્ચ ટીમ દ્વારા કોસ્ટ ઓછી કરવા Quality ને કોમ્પ્રોમાઇસ ન કરતા તેને પ્લાસ્ટિકના ડબ્બામાં વેચવાની સલાહ આપી. સલાહ ખુબ સારી હતી પરંતુ તેમાં પણ એક મુશ્કેલી સામે આવી અને દુકાનદારોની ફરિયાદ શરુ થઇ કે પ્લાસ્ટિકના ડબ્બા હોવાથી દુકાનના ઉંદરડા કોકોનટ ઓઇલની સુગંધથી ખેંચાઈ ડબ્બાને કોતરી ખાઈ છે. આ ફરિયાદ જોતા જ હર્ષભાઈએ તેમની રિસર્ચ અને ડેવલોપમેન્ટની ટીમ પાસે પ્લાસ્ટિકની એવી બોટલ ડિઝાઇન કરાવી કે જેમાં ઉંદરડા કોતરી શકે નહિ અને એ ડિઝાઇન આજે પણ માર્કેટમાં ખુબ સફળતા પૂર્વક ચાલુ છે. તેઓ પછીના 10 વર્ષ નાના દુકાનદારો, દરેક રાજ્યના સપ્લાયરો, સ્ટોકિસ્ટ, હોલ સેલર્સ અને ગ્રાહકને સાથે રાખી પોતાની પ્રોડક્ટને મજબૂત કરતા રહ્યા હતા.
હર્ષભાઈની Marketing, Advertising, Distribution અને Packaging ની સ્ટ્રેટેજી એટલી જોરદાર હતી કે 1990 માં તેમણે એક અલગ જ મેરીકો નામની કોસ્મેટિક પ્રોડક્ટની કંપની શરૂ કરી દીધી. હર્ષભાઈ ભારતના દરેક રાજ્ય, પ્રદેશ, શહેર, ગામડા સુધી પોતાની પ્રોડક્ટને પહોંચાડવા માંગતા હતા જેથી તેઓ તેની પડતર કિંમત પર સામાન્ય પ્રોફિટ રાખી અન્ય પેકેજીંગના ખર્ચ કર્યા વિના માત્ર માર્કેટિંગ અને એડવર્ટાઈઝમેન્ટ પર ફોકસ કરી પોતાની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ મજબૂત કરી રહ્યા હતા. 2015-16 માં એક સર્વે મુજબ કોકોનટ ઓઇલ તથા બીજી હેર ઓઇલ પ્રોડક્ટ્સમાં પેરાશૂટ કંપનીની પકડ 60% જોવામાં આવી એટલે કહી શકાય કે ભારતના દર બીજા ઘરે પેરાશૂટની ડબ્બી કે ડબ્બો હોવો જોઈએ. હર્ષભાઈ દ્વારા સામાન્ય 1 રૂપિયાના પાઉચના તેલથી લઇ 5 ગ્રામ, 10 ગ્રામ, 50 અને 100 ગ્રામના નાના પેકીંગમાં પણ ગરીબ વર્ગ તથા માધ્યમ વર્ગને પોસાય એ રીતે તેલને ઉપલબ્ધ કરવામાં આવે છે. આ વસ્તુ કરવા માટે હર્ષભાઈને સરકાર તથા વિવિધ સરકારી એજન્સી તરફથી ખાસી મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે.
પેરાશૂટ તેલને સસ્તા ભાવે, સારી ગુણવતા સાથે વેચવા છતાં કઈ સરકારી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો?
હર્ષભાઈ પ્રોડક્ટને સસ્તા ભાવે વેચવા માટે એક કીમિયો કર્યો હતો જે આજ સુધી પણ કરવામાં આવે જ છે. પેરાશૂટ ઓઇલ એ પ્યોર કોકોનટ ઓઇલ છે જે ખાદ્ય ચીજોમાં આવતું હોઈ તેના પર ટેક્સ ઓછો લાગતો હોઈ છે. આ સરકારી ટેક્સની સિસ્ટમનો ફાયદો તે ગ્રાહકને આપવા માંગતા હોઈ તેમના પેરાશૂટ ઓઈલના બ્લુ કલરના કોઈપણ ડબ્બા પર તેઓ કોસ્મેટિક કે હેર ઓઇલ લખતા નથી. તેઓ આજે પણ આ ઓઈલને Edible એટલે કે ખાઈ શકાય તેવું તેલ તરીકે જ વેચે છે અને ખાવાની વસ્તુને જે FSSAI (Food Safety and Standards Authority of India)નો સિક્કો મારવો પડે છે તે લગાવી સંપૂર્ણ ભારતમાં વેચવામાં આવે છે. આ વસ્તુ સરકારના નજરમાં આવતા ઘણી વખત કંપનીને અદાલતમાં પડકારી હોવા છતાં કંપની પોતાને નિર્દોષ સાબિત પણ કરી ચુકી છે. હજુ આજે પણ પેરાશૂટના કોકોનટ ઓઇલને મધ્યમ અને ગરીબ વર્ગનું ગુણવતાયુક્ત તેલ તરીકે ખુબજ પ્રસિદ્ધિ પ્રાપ્ત છે અને લોકો તેને વિશ્વાસ સાથે વાપરતા પણ આવ્યા છે.
આ કંપની કેવી રીતે ફોર્ચ્યુન ઇન્ડિયા 500 માં ગણવામાં આવી અને પેરાશૂટ કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર શું છે?
પેરાશૂટ પ્રોડક્ટની કંપની મેરીકો છે જે ભારતીય મલ્ટીનેશનલ કન્સયુમર ગૂડ્સ કંપની (Indian multinational consumer goods company) છે અને જે હેલ્થ, બ્યુટી અને વેલનેસ પ્રોડક્ટ્સ પર કામ કરી રહી છે. આ કંપનીનું હેડક્વાટર મુંબઈ, મહારાષ્ટ્રમાં છે અને તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સંપૂર્ણ ભારતમાં 8 જગ્યાએ (પોંડિચેરી, પેરુન્દુરાઈ, કાંજીકોડ, જલગાંવ, પાલધી, દેહરાદૂન, બદ્દી અને પાઓંતા સાહિબ) છે. કંપની સંપૂર્ણ વિશ્વમાં 25 દેશોમાં પોતાનો વેપાર કરે છે જેમાં મુખ્ય એશિયાયી દેશો અને આફ્રિકા ખંડ છે. તે ભારતના દર બીજા-ત્રીજા વ્યક્તિને પોતાના વિવિધ પ્રોડક્ટ્સ દ્વારા ગ્રાહક તરીકે બાંધે છે. આ કંપની દ્વારા પેરાશૂટ, સેફોલા, હેર એન્ડ કેર, પેરાશૂટ એડવાન્સ્ડ, નિહાર નેચરલ્સ, મેડીકર અને બીજી અન્ય બ્રાન્ડ માર્કેટમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેને ભારતના 60% થી વધુ લોકોને રોજિંદા જીવન માટે વપરાશકર્તા બનાવ્યા છે. આજે મેરીકો કંપનીમાં 1700 જેવા કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે અને કંપનીના 31 વર્ષના ઇતિહાસમાં તેઓ ભારતની ફોર્ચ્યુન 500 કંપની એટલે કે ભારતની ટોપ 500 કંપનીઓમાં પોતાનું સ્થાન ધરાવે છે. મેરીકો કંપની આજે 7500 કરોડથી વધુની રેવન્યુ સાથે વાર્ષિક 900 કરોડનું ટર્ન ઓવર કરે છે જે બ્યુટી પ્રોડક્ટની કંપની માટે જરા પણ નાનું ન ગણી શકાય.
Image Courtesy: Google Images
In Gujarati Language
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment