by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
સામાન્ય રીતે ટીવી અને તેને જોવાની વસ્તુઓમાં દરેક વ્યક્તિની ભિન્ન ચોઈસ હોઈ છે. કોને શું જોવું ગમે તે તેમની ઊંમર, જાતિ, વ્યવસાય, શોખ અને ઈચ્છા પર આધારિત હોઈ શકે છે. નાના બાળકથી લઇ વૃદ્ધ સુધી દરેક વ્યક્તિને એકજ વસ્તુ જોવી ગમે તેવું ભાગ્યે જોવા મળે છે અને એવો ચમત્કાર આપણા ભારતમાં એક ધારાવાહિક દ્વારા બન્યો જેને આપણે છેલ્લા 13 વર્ષથી "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના સ્વરૂપે સોની સબ ચેનલ પર જોઈએ જ છીએ. 28 જુલાઈ 2008 નો એ દિવસ કે જયારે સોની સબ ચેનલ પર, સામાન્ય રીતે કોઈપણ ધારાવાહિકની શરૂઆત થાય તેવી રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પણ શરૂઆત થઇ હતી અને આજે સાડા તેર વર્ષ વીતી ચુક્યા છે અને અંદાજિત 3346 એપિસોડ ટેલિકાસ્ટ પણ થઇ ચુક્યા છે અને આ ધારાવાહિકનો જાદુ હજુ પણ નિરંતર છે.
તારક મહેતા... સિરિયલના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી વિષે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી કે જેઓ એક ગુજરાતી છે. મોદી સરનેમ જોઈ દરેકને જાણવાની ઈચ્છા તો થાય જ કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના કોઈ ઓળખીતા કે એકજ જ્ઞાતિના તો નથી ને આ અસિતભાઈ? ખરેખર તો અસિત મોદી પણ નરેન્દ્ર મોદીજીના વતન વડનગરના જ છે અને તેમની જ જ્ઞાતિના છે પરંતુ તેમના કોઈ નજીકના સગા સબંધી નથી પરંતુ નરેન્દ્ર મોદીજી અસિત મોદીની સિરિયલના મોટા ફેન છે. અસિતજી એક એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર અને નીલા ટેલિફિલ્મ્સના ફાઉન્ડર છે. તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય બીજી 7 સિરિયલ સોની ચેનલ પર પ્રકાશિત કરી છે. અસીતજીની શરૂઆત એક રંગમંચ કલાકાર તરીકે થઇ હતી. ત્યારબાદ તેમણે ગુજરાતી સિરિયલો તથા મરાઠી સિરિયલોમાં આસિસ્ટન્ટ તરીકે ખુબ કામ કર્યું. 1995 માં તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરી તે પહેલા તેમણે ફિલ્મ લાઈનમાં ખાસું નામ કરી લીધું હતું.
અસિતજી ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ બનાવવાનો આઈડિયા ક્યાં થી આવ્યો?
ગુજરાતની એક ખુબ પ્રચલિત સાપ્તાહિક "ચિત્રલેખા" પર હાસ્યલેખક સ્વ. તારક મહેતા પોતાની એક કોલમ લખતા જે ખુબ પ્રચલિત થઇ હતી. તારક જનુભાઈ મહેતાએ સમાજમાં બનતી વિવિધ ઘટનાઓને એક અલગ જ નજરથી જોઈ, તેમાં હાસ્યરસ ઉમેરી અનોખી છટ્ટા દ્વારા પોતાની કોલમ "દુનિયાને ઊંધા ચશ્મા" રજુ કરી હતી. આ કોલમ સમાજ માટે હાસ્યની સાથોસાથ સામાજિક સંદેશ પણ પૂરો પાડતી હતી જેથી ગંભીર પ્રશ્નો મુદ્દે પણ સહેલાયથી સમાજમાં જાગૃતતા લાવી શકાય. આ કોલમે અસિત કુમાર મોદીને ખુબ પ્રેરિત કર્યા અને તેમને ઈચ્છા થઇ કે આ કોલમને આપણે ટી.વી.ના પરદા પર લઇ જઈએ ત્યારે તેમના લેખકને શ્રેય આપતા હોઈ એમ તેમની સિરિયલનું નામ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રાખવામાં આવ્યું.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શા માટે લોકોની પસંદગી બની?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને સૌથી લાંબી ભારતીય ધારાવાહિક તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે જેનું કારણ છે કે આ સિરિયલ છેલ્લા 13-14 વર્ષથી અને અંદાજિત 3400 એપિસોડથી લોકોને ખુબ મઝેદાર મનોરંજન પૂરું પાડી રહ્યું છે. આજે આ સિરિયલમાં આવતા દરેક કિરદાર સંપૂર્ણ ભારતમાં પોતાના અસલી નામની જગ્યાએ સિરિયલના નામથી ઓળખાઈ રહ્યા છે જેમ કે જેઠાલાલ, બબીતાજી, દયા, ચંપક ચાચા, પોપટલાલ, ભીડે, માધવીભાભી, તારક મહેતા, અંજલીભાભી, અય્યર, રોશન સોઢી અને રોશન ભાભી, ડો. હાથી, કોમલ ભાભી, અબ્દુલ, ટપુ, ગોગી, ગોલી, સોનુ, રીટા રિપોર્ટર, સુંદર મામા, નટુ કાકા, બાઘા, બાવરી અને હજુ તો એવા ઘણા બધા કેરેક્ટરો કે જેમના નામ તમને અડધી રાતે કોઈ પૂછે તો પણ મોઢે બોલી શકો.
આ સિરિયલ એક છત્ર નીચે સંપૂર્ણ ભારતનું પ્રદર્શન કરે છે. મુંબઈના ગોરેગાઉ ઇસ્ટમાં આવેલી પાવડર ગલીમાં એક સોસાયટી કોમ્પ્લેક્સ છે જેનું નામ "ગોકુલધામ કોપરેટીવ હાઉસિંગ સોસાયટી" છે. વિવિધતામાં એકતા અને સાચા ભારતની ઓળખ ખરેખર આ સિરિયલમાં જ જોવા મળે છે. આ સિરિયલના દરેક કિરદાર ભારતના વિવિધ પ્રાંતોથી છે તેમજ વિવિધ ધર્મોના પણ છે. સિરિયલનું મુખ્ય પાત્ર જો ગણવામાં આવે તો એ જેઠાલાલનું છે જેને દિલીપ જોશીએ પુરા ન્યાય સાથે નિભાવ્યું છે. જેઠાલાલ એક ગુજરાતી-કચ્છી જૈન ધંધાર્થી છે જે ગડા ઈલિક્ટ્રોનિક્સ નામની દુકાન ચલાવે છે. આ સિરિયલના મોટા ભાગના એપિસોડ જેઠાલાલની જિંદગીમાં આવતી વિવિધ મુસીબતો અને તેનું સોલ્યુશન જે રીતે સંપૂર્ણ સોસાયટી અને ખાસ કરીને તેમના ફાયર બ્રિગેડ મનાતા તારક મહેતા દ્વારા કરાય છે તે હાસ્યપ્રદ હોઈ છે.
આ સિરિયલ તેમના પ્રેરણાના સ્ત્રોત "દુનિયાને ઊંધા ચશ્મા"ની જેમ હાસ્ય સાથે સામાજિક સંદેશનું ખુબ મોટું કામ કરી રહી છે. જયારે આ સિરિયલની શરૂઆત થઇ એ સમયે સિરિયલ માત્ર જેઠાલાલનો બબીતાજી પરનો એક તરફી પ્રેમ, તેમનો એકમાત્ર પુત્ર ટપુડાના સોસાયટીના તોફાનો, પત્ની દયાના ભોળપણથી થતી જેઠાલાલને મુશ્કેલીઓ અને બાપુજીનો જેઠાલાલ પ્રત્યે નાની નાની વાતમાં ગુસ્સો કરવા છતાં જેઠાલાલનો તેમના વડીલ પ્રત્યેનો આદરભાવ અને સંસ્કારનું પ્રદર્શન આ સિરિયલમાં જોવા મળ્યું હતું. ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ એકબીજા પર આવતી મુશ્કેલીનો સામનો કરતા તેમજ સાથે રહી ફરીથી સામાન્ય જીવન જીવતા દેખાડવામાં આવે છે. આ સિરિયલના હજારોની સંખ્યામાં એપિસોડ તમે અને હું જોઈ ચુક્યા છીએ ત્યારે શરૂઆતી એપિસોડ જોઈએ ત્યારે એવું લાગે કે જાણે આપણે આપણું બાળપણ યાદ કરતા હોઈએ. જાણે આ સિરિયલના દરેક એપિસોડ આપણી પોતાની જ કહાની યાદ કરાવતા હોઈ, તેવી ફીલિંગ માત્ર આ સિરિયલ જ આપવી શકે છે.
તારક મહેતા... સિરિયલ દ્વારા સમાજ પર પડેલી અસરો
એક દશકથી પણ વધુ ચાલેલી આ ધારાવાહિકે સમાજ પર ખુબ ઊંડી છાપ છોડી છે. આ સીરિયલમાં ભારતના દરેક ધર્મ અને પ્રદેશના તહેવારોને ખુબ આનંદથી માણતા ગોકુલધામવાસીઓને દેખાડવામાં આવ્યા છે. આ સાથે સમાજમાં અવારનવાર બનતા પ્રશ્નો, મુશ્કેલીઓ, પરેશાનીઓ, તકલીફોને સિરિયલના દરેક પાત્રો સાથે જોડી તેનો ઉકેલ સાથે રહી કેવી રીતે નીકળી શકે છે તે દર્શાવામાં આવે છે. એકવખતનું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું ગીત ખુબ સમજવા જેવું હતું.
प्रॉब्लम है ?? अंदर सॉल्यूशन है...
तारक मेहता का उल्टा चश्मा,
तारक मेहता का उल्टा चश्मा...
तारक भाई.. तारक भाई..
बच्चे खेलते हैं क्रिकेट
रोज़ खिडकियो के कांच टूट जाते हैं
आज फोडे एसी प्लेयर रिकॉर्ड तोड़ जाते हैं
खेलो बच्चो...
तारक मेहता का उल्टा चश्मा
तारक मेहता का उल्टा चश्मा।।।।
काम दिन रात कराती मेरी सास
मुझे रोज़ सताती है
ठीक से साफ कर..
क्या दिल मैं प्रेम हो तो सास
माँ बन जाति है
अच्छा बहू? सासु माँ!
प्रॉब्लम तो है सब के साथ
बस नजरिए की है बात
આ ગીતની સૌથી સમજવા જેવી કળી, જેનો અર્થ થાય છે કે....પ્રોબ્લેમ આ સમાજમાં રહેતા દરેક લોકો પાસે છે જ, પરંતુ આ પ્રોબ્લેમને કઈ રીતે આપણે જોઈએ છીએ એ ખુબ જરૂરી છે.
સિરિયલની લોકપ્રિયતા
એક સમય ભારતમાં એવો પણ હતો કે સંપૂર્ણ પરિવાર એક સાથે રાતે 8.30 એ ગોઠવાઈ જતા. પરિવારના બાળકોથી લઇ, મમ્મી-પાપા, કાકા-કાકી, દાદા-દાદી બધા માટે એક પૂર્ણ પારિવારિક મનોરંજન આ સિરિયલ પૂરું પાડે છે. બેશક આજે આ સિરિયલની TRP (ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ) પહેલા જેવી નથી રહી અને સિરિયલના ઘણા સારા અને મુખ્ય ગણી શકાય તેવા કેરેક્ટર આ સિરિયલમાં હાલ નથી રહ્યા. ડૉ. હાથી અને નટુકાકા જેવા ખુબ રસપ્રદ કેરેક્ટર આ સિરિયલમાં હતા ત્યારે જ બીમારીથી તેમનો સ્વર્ગવાસ થયો હતો. ખુબ લાંબા સમયથી ચાલતી સિરિયલમાં કિરદાર નિભાવતા કલાકારો સામાન્ય રીતે ફેરબદલી તો થતા જ હોઈ પરંતુ આ સિરિયલની ખાસિયત રહી છે કે ઘણા પરિવર્તન બાદ પણ આજસુધી આ સિરિયલનો ઉદેશ પરિવર્તન નથી થયો. આ સિરિયલની લાંબી મુસાફરીમાં તેમના એક્ટરોને સારી એક્ટિંગ માટે ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે ત્યારે અસિત મોદી તથા સાથી ટીમને પણ પ્રોડક્શન, ડિરેક્શન, સ્ટોરી માટે વિવિધ એવોર્ડ્સ મળેલા છે. એક સમયે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ક્લીન ઇન્ડિયા કેમ્પેઇનને પ્રોમોટ કરવા 9 ખાસ ટીમની પસંદગી કરવામાં આવી હતી જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સંપૂર્ણ ટીમ તેમાંની એક હતી. 2016 થી 2018 દરમિયાન આ સિરિયલ તેના સર્વોચ્ચ સ્થાન પર હતી જયારે તેની TRP અવ્વલ નંબર પર રહી છે.
Image Courtesy: Google Images
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment