2019 ના અંતથી લઇ આજદિન સુધીમાં વિશ્વ કોરોના રોગચાળાની ઝપેટમાં છે અને જનજીવન અસ્તવ્યસ્ત છે ત્યારે લોકોની પ્રાથમિક જરૂરિયાતો ઓછી થવાને બદલે ખુબ વધી છે. લાખો લોકો મૃત્યુ પામ્યા છે તો કરોડો લોકો બેકાર બન્યા છે. નોકરી-ધંધા સાવ ઠપ્પ પડ્યા છે તો લોકોને તેની જીવન જરૂરિયાતોની વસ્તુ મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. માનવી માટે, દરેક વસ્તુ વિના ચાલી શકે પરંતુ ખોરાક વિના તો બિલકુલ નહિ. વિવિધ દેશોને પોતાની આબોહવા અને જીવન શૈલી મુજબ ઘણી ખાદ્ય વસ્તુઓ અવારનવાર ઉપયોગમાં આવતી રહેતી હોઈ છે જેનો વપરાશ જેતે દેશમાં ખુબ વધુ થતો હોઈ છે. આ વસ્તુને જેતે દેશની સરકાર ખુબ મહત્વની કેટેગરીમાં સ્થાન આપી તેનું ઉત્પાદન દેશમાં જ થાય તેમજ તેના ભાવમાં નિયંત્રણ રહે તેવા પ્રયાસો કરતી હોઈ છે.
બ્રાઝીલ અને કોફી
બ્રાઝીલ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો વિશ્વનો સૌથી લાંબો દેશ છે જેની લંબાઈ 4395 કી.મી. છે. દક્ષિણ અમેરિકા કે લેટિન અમેરિકા તરીકે ઓળખાતો ખંડ વિશ્વના સૌથી મોટા વર્ષાવન, "એમેઝોન" જંગલ માટે પણ ખૂબ પ્રચલિત છે અને જે બ્રાઝીલની સરહદમાં જ આવેલું છે. બ્રાઝીલ દેશ વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ અને 22 કરોડની જનસન્ખ્યા સાથે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો દેશ છે. બ્રાઝીલના લોકોનો મૂળ ખોરાક તો ચોખ્ખા, કઠોળ અને શક્કરિયા (manioc) છે. જેમાં શક્કરિયાના (manioc) લોટનો ઉપયોગ કરી તેઓ વિવિધ વાનગીઓ બનાવે છે. એ સિવાય ચિકન, માંસ અને માછલી વિશ્વના બીજા દેશોની જેમ તેમના આહારમાં વર્ણાયેલી છે. બ્રાઝીલના લોકોનું રાષ્ટ્રીય વાનગી “ફેઇજોઆદા” (Feijoada) છે પરંતુ પીણાંની બાબતમાં બ્રાઝીલીયન કોફી પીવાના ખુબ શોખીન હોઈ છે.
વિશ્વના વિવિધ દેશોમાં જેવી રીતે જ્યુસ, ચા, ગ્રીન ટી કે અન્ય પીણાં પીવાનો રિવાઝ હોઈ છે તેમ બ્રાઝીલના લોકો કોફીને ખુબ મહત્વ આપે છે. બ્રાઝીલમાં સવાર-સાંજ, બાળકોથી લઇ મોટા સુધી દરેકને કોફીનો સ્વાદ ખુબ પસંદ છે અને એક સર્વે મુજબ વિશ્વભરમાં કોફી પીતો દર ત્રીજો વ્યક્તિ બ્રાઝીલીયન જ હોઈ છે એટલે અંદાજો લગાવી શકાય કે ત્યાં કેટલી કોફી પીવાતી હશે. વિશ્વનું પ્રથમ ક્રમાંકનું કોફી એક્સપોર્ટર પણ બ્રાઝીલ છે ત્યારે આજના સમયમાં પોતાની લોકલ વસ્તુ માટે પણ બ્રાઝીલીયનને ખુબ વધુ ભાવ ચૂકવવાનો વારો આવ્યો છે.
બ્રાઝીલમાં તથા વિશ્વમાં કોફીનો ઇતિહાસ
કોફીની ઇતિહાસમાં સૌપ્રથમ નોંધ 15મી સદીના અંતમાં મળે છે જયારે કોફીના બીજને એક સોમાલી વેપારી દ્વારા ઇથોપિયાથી યમન લઇ આવવામાં આવ્યા હતા. એ સમયે સૂફી સંતો દ્વારા આ પીણું પ્રાર્થનામાં એકાગ્રતા જળવાઈ રહે તે માટે પીવાતું હતું. ધીમે-ધીમે કોફીનો સ્વાદ લોકોને એટલો પસંદ પડ્યો કે તે એક સદીની અંદર તો સંપૂર્ણ વિશ્વભરમાં પ્રચલિત બની ગઈ.
બ્રાઝીલમાં સૌથી પહેલો કોફીનો છોડ 1727 માં પારા (Pará) સ્ટેટમાં Francisco de Melo Palheta દ્વારા વાવવામાં આવ્યો હતો. પોર્ટુગીઝ વતની બ્રાઝીલની જમીન પર કોફીની ખેતી કરી ગ્લોબલ માર્કેટમાં પોતાની પક્કડ બનાવવા માંગતા હતા પરંતુ એ સમયે ફ્રેન્ચ ગુઈયાના (French Guiana) પ્રદેશના હતક્ષેપના કારણે કોફીના બીજ મળવા મુશ્કેલ બનતા હતા. બ્રાઝીલમાં સૌથી પહેલા કોફીનો છોડ વાવનાર Francisco de Melo Palheta એ એક ડિપ્લોમેટિક મિશનથી પાછા ફરતી વખતે કોફીના વૃક્ષ માટે ઘણા બધા બીજોની દાણચોરી કરી બ્રાઝીલમાં સફળતાપૂર્વક લાવી કોફીના વૃક્ષો વાવવાનું શરૂ કરાવ્યું હતું.
1770 માં કોફી પારા (Pará) સ્ટેટથી રિયો ડી જાનેરો સ્ટેટમાં લાવવામાં આવી અને ઉગાડવામાં પણ આવી. 19મી સદીની શરૂઆત સુધી તો કોફીનું ઉત્પાદન અને વેચાણ માત્ર બ્રાઝીલની ઘરેલુ માંગ પૂરતું જ સીમિત હતું પરંતુ એ બાદ વિશ્વભરની અને ખાસ કરીને અમેરિકા-યુરોપ જેવા દેશોની વધતી માંગને જોતા બ્રાઝીલમાં જાણે કોફીની માંગ યુદ્ધના ધોરણે વધી હતી. 1830 થી 1850 સુધી બ્રાઝીલમાં કોફીનું ઉત્પાદન બહારથી આવેલા ગુલામો દ્વારા થતું હતું પરંતુ 1850 પછી ગુલામોનું નિયમન આવતા કોફીના ઉત્પાદનને ઉદ્યોગોના ધોરણે કરવામાં આવતું હતું. આ સમય સુધીમાં વિશ્વની કુલ કોફીના 40% જેવું ઉત્પાદન માત્ર બ્રાઝીલમાં થવા લાગ્યું હતું. 1888 આવતાની સાથે ગુલામ મજૂરોની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ આવતાની સાથે યુરોપથી વસાહતીઓને બ્રાઝીલ બોલાવી કોફીની માંગને પુરી કરવામાં આવતી હતી.
20 મી સદીની શરૂઆત સુધીમાં બ્રાઝીલમાં દેશની 16% GDP અને 75% એક્સપોર્ટ કોફીના ઉત્પાદન પર આધારિત બન્યું હતું. અને એ સમયે ઉત્પાદકો અને નિકાસકારોએ રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જેથી બ્રાઝીલ દેશની ઓળખ કોફીના દેશ તરીકે સંપૂર્ણ વિશ્વમાં થાય. સમયાંતરે કોફીના વધુ કે ઓછા ઉત્પાદનથી દેશમાં કોફીના ભાવમાં ચડ-ઉત્તર હંમેશા માટે એક પ્રશ્ન રહી છે. 1920-30 સુધીમાં વિશ્વનું લગભગ 80% કોફીનું ઉત્પાદન એકલું બ્રાઝીલ કરતુ હતું પરંતુ 1950 આવતા-આવતા વિશ્વભરમાં કોફીના વાવેતર અને ઉત્પાદનને કારણે ગ્લોબલ માર્કેટમાં બ્રાઝીલના કોફીની માંગ ઘટવા લાગી હતી છતાં 1960 સુધી 60% કોફી બ્રાઝીલ દ્વારા જ વિશ્વમાં આપવામાં આવતી હતી.
બ્રાઝીલમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં રાજ્યમાં થાય છે ?
બ્રાઝીલ છેલ્લા 150 વર્ષથી વિશ્વનો સૌથી વધુ કોફીનું ઉત્પાદન કરતો દેશ છે અને સાથે સૌથી મોટો એક્સપોર્ટર દેશ પણ છે. તેના કોફીના ઉત્પાદન માટે બ્રાઝીલ છ રાજ્ય પર નિર્ભર કરે છે. જેમાં મિનાસ ગેરાઈસ (Minas Gerais) (1.22 મિલિયન હેક્ટર), એસ્પિરિટો સાન્ટો (Espírito Santo) (433,000 હેક્ટર), સાઓ પાઉલો (São Paulo) (216,000 હેક્ટર); બહિયા (Bahia) (171,000 હેક્ટર), રોન્ડોનિયા (Rondônia) (95,000 હેક્ટર); અને પરાના (Paraná) (49,000 હેક્ટર) માં કોફીની ખેતી કરવામાં આવે છે. વિશ્વમાં સૌથી ઉચ્ચ ગુણવતાયુક્ત અને પ્રચલિત ગણાતી ગ્રીન કોફી, અરેબિકા કોફી અને ઇન્સ્ટન્ટ કોફીના કુલ ઉત્પાદનમાં બ્રાઝીલ દેશ અવ્વલ છે. એક સર્વે મુજબ 2011 સુધીમાં બ્રાઝીલ 27 લાખ ટન જેટલી કોફીનું ઉત્પાદન કરી રહ્યું હતું જેના માટે સંપૂર્ણ બ્રાઝીલ દેશના 35 લાખથી વધુ લોકો કોફીના વ્યવસાયથી જોડાયેલા છે.
કોફીના ઉત્પાદન હેતુથી ત્યાંના ખેડૂતો પાસે 2.20 લાખથી વધુ ખેતરો છે જે 27 લાખ વર્ગ કી.મી.માં ખેતી કરી રહી રહ્યા છે અને પ્રત્યેક હેક્ટરે 30 બેગથી વધુનું ઉત્પાદન ખેડૂતો મેળવી રહ્યા હોવાનું મનાય છે. Minas Gerais નામનું બ્રાઝીલનું રાજ્ય કોફીના કુલ ઉત્પાદનનું 50% થી વધુ કરી લે છે. કહેવાય છે કે ગુણવતાયુક્ત કોફીના ઉત્પાદન માટે બ્રાઝીલ પાસે તેને અનુરૂપ હવામાન, વાતાવરણ અને જમીન છે. બ્રાઝિલનું સ્પેશિયાલિટી કોફી એસોસિએશન B.S.C.A. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓફર કરવામાં આવતી બ્રાઝિલિયન કોફીના શ્રેષ્ઠતાના ધોરણોને વધારીને ક્વોલિટી કંટ્રોલ ટેક્નિક્સના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.
બ્રાઝીલમાં ઉગતી કોફીની પ્રજાતિઓ
બ્રાઝીલમાં મુખ્યત્વે બે પ્રકારની કોફી ઉગે છે. અરેબિકા અને રોબૂસ્ટા (arabica and robusta) પ્રજાતિની કોફી જ સંપૂર્ણ બ્રાઝીલીયન માર્કેટને કવર કરી લે છે જેમાં પણ arabica બ્રાઝીલ અને વિશ્વમાં 70% લોકોની પસંદ હોઈ છે. Minas Gerais સંપૂર્ણ રીતે arabica કોફીનું જ ઉત્પાદન વિશેષ રીતે કરે છે.
કોફી બીજમાંથી કોફી પાઉડર બનાવતી પ્રોસેસિંગ ફેકટરીઓ
સામાન્ય રીતે બ્રાઝીલમાં કોફીનું ઉત્પાદન કરતી ફેકટરીઓ બે રીતે એક બીજાથી વિભાજીત હોઈ છે. એક પ્રકારની ફેક્ટરી માત્ર ગ્રાઉન્ડ કે રોસ્ટેડ (ground/roasted) કોફીનું જ પ્રોસેસ અને ઉત્પાદન કરે છે ત્યારે બીજી પ્રકારની ફેકટરીઓ ઇન્સ્ટન્ટ કોફી કે જે વિશ્વભરમાં સીધી પીવાલાયક કોફી માટે પ્રચલિત છે તેનું ઉત્પાદન કરે છે. ગ્રાઉન્ડ કે રોસ્ટેડ કોફીનું ઉત્પાદન કરતી હજારો કંપનીઓ બ્રાઝીલમાં કાર્યરત છે જયારે બ્રાઝીલની માત્ર 4 કંપનીઓ ઇન્સ્ટન્ટ કોફીનું 75% ઉત્પાદન અને વેચાણ કરી રહી છે.
બ્રાઝીલની કોફી માટેની ટેક્સ નીતિ
બ્રાઝીલની સરકાર જાણે છે કે બ્રાઝીલ માટે કોફી કેટલી મહત્વનો ભાગ ભજવે છે જેથી વર્ષોથી વિવિધ સરકારો દ્વારા બ્રાઝિલમાંથી કોફીની નિકાસ પર કોઈ ટેક્સ રખાયેલો નથી પરંતુ બહારથી આવતી અને પ્રોસેસ થતી ગ્રીન કોફી તથા રોસ્ટેડ કોફીની આયાત પર 10% અને સોલ્યુબલ કોફીની આયાત પર 16% ટેક્સ લગાડવામાં આવે છે. વિશ્વના સૌથી મોટા કોફી ઈમ્પોર્ટર દેશ અમેરિકા, યુરોપ યુનિયન અને જાપાનમાં પ્રોસેસ કર્યા વિનાના કોફી બીન્સના એક્સપોર્ટમાં બ્રાઝીલ સરકારે ડ્યુટી ફ્રી કરેલ છે.
એક બ્રાઝીલીયનના મતે, કોફીનું તેમની જિંદગીમાં શું મહત્વ છે?
મારા એક બ્લોગ રીડર કે જે બ્રાઝીલના જ વતની છે અને તેઓ કોફીના ખુબ શોખીન પણ છે. તેઓ કોફી અને એક બ્રાઝીલીયન વ્યક્તિ માટે તેના જીવનમાં શું મહત્વ રાખે છે તેની ખુલ્લા દિલે ચર્ચા કરે છે. તેમના મતે, "કોફી એટલે બ્રાઝીલ અને બ્રાઝીલ એટલે કોફી" છે. તેમના મતે તેમના દેશની લગભગ 99% વસતીનું કોફીનું સેવન તેના દિનચર્યાનો ભાગ હોઈ શકે છે. તેઓ વધુમાં જણાવે છે કે આજકાલ અને ખાસ કરીને કોરોના મહામારીમાં કોફીના ભાવમાં ખુબ વધારો થયો છે અને લોકોને તેની અસર પણ થઇ છે પરંતુ કોફી એ અમારી જિંદગી છે અને જેટલું અમારે શ્વાસ લેવો મહત્વનો છે તેટલું જ મહત્વ મારુ અને મારા પરિવારનું કોફી માટે છે. મારા પરિવારના દરેક સભ્યો કોફીના દીવાના છીએ અને હું મારા છેલ્લા શ્વાસ પણ કોફી પીતા જ છોડવા માંગીશ. - Dhaiane Krauss, Manacapuru city, Brazil.
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment