"ચા" નો ઇતિહાસ | The history of tea, the second most widely consumed beverage in the world after water

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આજે આપણા ગુજરાતમાં જ નહિ પરંતુ ભારતના કોઈપણ ખૂણામાં મહેમાન બનીને જશો એટલે તમારી મહેમાનગતીના સ્વરૂપે તમને ચા-પાણી માટે જ પૂછવામાં આવશે. ચાની ચુસ્કી આપણા સૌના જીવનમાં એવી રંગાઈ ગઈ છે કે, ભારતના કોઈપણ ઘરની અંદર તમે જશો ત્યારે વિસ્તાર મુજબ તમને ખાવા-પીવાની કે મિર્ચ મસાલાની વિવિધતા જોવા મળી શકે છે પરંતુ ચાની ભૂક્કી તો આખા ભારતમાં એક સમાન જ જોઈ શકાય છે અને તેનો સ્વાદ પણ એક સમાન જ હોઈ છે. એક સર્વે મુજબ ચા વિના 30% ભારતવાસીઓની તો સવાર પણ નથી થતી અને દિવસમાં એકથી વધુ વખત ચા પીવાવાળા પણ 20% થી ઉપર લોકો છે. એ મુજબ જોઈએ તો ચા એ ભારતનું રાષ્ટ્રીય પીણું પણ કહી શકાય.

ભારત આજે વિશ્વનો સૌથી વધુ ચાનો ઉત્પાદન કરતો દેશ છે પરંતુ જોવાની વાત તો એ છે કે જે ઉત્પાદન આપણે કરીએ છીએ તેમાંથી 70% ચા તો આપણે પોતે જ વાપરી નાખીએ છીએ. આજે એક સ્ટાન્ડર્ડ કંપનીની ચાની કિંમત 400 રૂપિયા કે તેની આસપાસ હોઈ શકે છે ત્યારે ભારતની "મનોહરી ગોલ્ડ ટી", જે આસામના દિબ્રુગઢ વિસ્તારના મનોહરી ટી એસ્ટેટ ખાતે ઉગે છે તેની અંદાજિત કિંમત 75,000 રૂપિયા પ્રતિ કિલો છે. એજ રીતે દાર્જિલિંગની પણ ઘણી પ્રકારની ચા આજે 20,000 થી લઇ 50,000 ની કિંમત સુધી વેચાતી હોઈ છે. એક સામાન્ય માણસની ચા થી લઇ અબજોપતિ જ પી શકે તેવી ચા નો પણ એક અલાયદો ઇતિહાસ છે.

ચા 100-150 વર્ષ નહિ પરંતુ હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. ભારતમાં ચાનો ઇતિહાસ 2000 વર્ષથી પણ જૂનો છે. કહેવાય છે કે ભારતના કોઈ બૌદ્ધ ભિક્ષુકે પોતાની તપશ્ચર્યા વખતે અખંડતા જાળવી રાખવા જંગલથી કોઈ વનસ્પતિના પાન તોડી ચાવ્યા હતા અને ત્યારબાદ તેમને જયારે પણ ઊંઘ કે આળસ આવતી ત્યારે એજ પાંદડાનું સેવન કરી 7 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી અને ત્યારબાદ આવી વનસ્પતિના ઉકાળા આપણા પૂર્વજો વર્ષોથી આયુર્વેદિક ઉપચાર તરીકે અને દવા તરીકે કરતા આવ્યા છે. એક થિયરી મુજબ એવું પણ કહેવાય છે કે ચાનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. ચીનના એક એમ્પરર શેન નંગની પાસે એક ઉકળતા પાણીમાં કોઈ જંગલી વનસ્પતિના પાંદડા પડ્યા અને તેના દ્વારા આસપાસ એક મધુર સુગંધ આવી ત્યારથી એ વનસ્પતિને પીણાં તરીકે વાપરવા લાગ્યા. મઝેદાર વાતતો એ છે કે વિશ્વની સૌથી મોંઘી ચા પણ ચીનની જ છે. "દા હોંગ પાઓ ટી" કે જે ચીનના વુયી પર્વત પર ઉગે છે તેની એક કીટલીની કિંમત 7.3 લાખ રૂપિયા જેટલી છે. આજે જેને ચાની શોધ કરતો દેશ મનાય છે તેના કરતા પણ વધુ ચાનું ઉત્પાદન ભારત દેશમાં થાય છે. 

ભારતમાં ચાનો ઇતિહાસ પણ ઘણો જૂનો હોઈ શકે છે પરંતુ ઐતિહાસિક પુરાવાને અભાવે આજે ભારતમાં ચા માટેનો શ્રેય બ્રટિશરોને જ આપવો રહ્યો. કહેવાય છે કે બ્રિટિશરો દ્વારા ચીનમાં ઘણી વખત ચા નો સ્વાદ લીધા બાદ તેમને આ સ્વાદ દાઢે ચોંટી ગયો હતો અને તેમના દ્વારા આ ચા ને ભારતમાં લાવવામાં આવી હતી. આ ચાને ઉગાડવા તથા પ્રોસેસ કરવા પણ તેમણે ઘણી જહેમત ઉઠાવી છે પરંતુ હકીકતથી ભારતના આસામી ક્ષેત્રમાં લોકો કોઈ જંગલી વનસ્પતિને ઉકાળી કાળા રંગનો કાવો પીતા હતા અને અંગ્રેજોને એ ધ્યાનમાં આવતા તેને એ વનસ્પતિનું બગીચામાં ઉછેર કરાવ્યું હતું. એ સાથે તેમણે ચીનથી બીજા ચીની ચાના બીજો મંગાવી આસામી જંગલી ચા સાથે મેળવી ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં મોટા પાયે ચા નો ઉછેર કરાવ્યો હતો તેમજ ચીનથી ચાને તૈયાર કરવાવાળા વ્યક્તિને બોલાવી ઉમદા ગુણવતાની ચા બનાવવાનું શરુ કર્યું હતું. 

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ટી બોર્ડ મુજબ, ભારતમાં જોવા મળતી ચાની જાતો દાર્જિલિંગ, આસામ, નીલગીરી, કાંગડા, મુન્નાર, દૂઅર્સ-તરાઈ, મસાલા ચા અને સિક્કિમ ચા છે. જો કે વિશ્વમાં 3000 થી વધુ પ્રકારની ચા મળતી અને પીવાતી હોઈ છે. આજે દુનિયામાં પાણી પછી સૌથી વધુ પીવાતું કોઈ પીણું હોઈ તો એ ચા છે જેમાંથી માત્ર ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જ છે જે દૂધની ચા પીવે છે બાકી સંપૂર્ણ વિશ્વમાં ચા ને એક ઉકાળાની જેમ પીવાય છે.

આજે ચા એક પીણું કરતા વધુ મેડિકેટિવ ઉપયોગી વસ્તુ બની ગઈ છે. સંપૂર્ણ વિશ્વ આજે ગ્રીન ટી અને તેના એક્સ્ટ્રેકને કેપ્સુલ ફોર્મમાં લેવા લાગ્યા છે જે દુનિયાની સૌથી સારી એન્ટી ઓક્સીડંટ સાબિત થઇ રહી છે. ઘણી બીમારીઓમાં આ દવા ખુબ કારગર હોવાથી ભારતીય પીણું આજે એક દવા પણ બની ગયું છે. એજ રીતે ઘણી બીજી ચાની વેરાયટી અને તેનાથી બનતા ઉકાળાનો ઉપયોગ અનેક બીમારીમાં થઇ શકે છે. જો કે ચા માટે ભારતીયોનો પ્રેમ લગાવનાર અંગ્રેજો આજે આપણી ચાને યુરોના ભાવે ખરીદી આપણી ઈકોનોમી વધારી રહ્યા છે ત્યારે સવાર બપોર અને સાંજે ફરજીયાત ચાની ચુસ્કી લેનાર વર્ગ ભારતમાં જ 70% વપરાશ પૂરો કરી રહ્યા છે. તો હવે મારો પણ ચા ની ચુસ્કી લેવાનો સમય થઇ ગયો છે એટલે એ ચા પીતા પીતા વિચારવાનું રહ્યું કે આ ચા ક્યા રાજ્યના બગીચાની હશે, દાર્જિલિંગની કે આસામની ??

 

 Video Source: Historic Hindi (YouTube Channel)


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

વિશ્વનો સૌથી મોટો માનવનિર્મિત આયલેન્ડ એટલે દુબઇનો "પાલ્મ જુમેરાહ" કેવી રીતે અને શા માટે બનાવવામાં આવ્યો? | How and why was Dubai's "Palm Jumeirah", the world's largest man-made island, created??

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

દુબઇ એટલે દુનિયાનું સૌથી ચર્ચિત પર્યટન સ્થળ કે જે તેની અમીરી, નાઈટ લાઈફ, શોપિંગ અને આલીશાન હોટલ્સ માટે પ્રખ્યાત છે. આજથી 80 વર્ષ પહેલા ગરીબ અને રેગિસ્તાન વિસ્તારને કારણે પ્રચલિત આરબ દેશો પર કુદરત મહેરબાન બની અને આજનું પ્રવાહી સોનુ ગણાય એવા ક્રૂડ ઓઇલનો સૌથી મોટો જથ્થો આ વિસ્તારોમાં દેખાયો હતો. એ બાદ સાઉદી અરેબિયા પર જાણે પૈસાનો વરસાદ થવાનો શરૂ થઇ ગયો હતો. આજનું દુબઇ કે જે 18 મી સદીમાં માછીમારી કરવા નાના ગામડાની જેમ વસાવામાં આવ્યું હતું જે આજે યુએઈનું સૌથી વધુ અમીર અને વસ્તીવાળું શહેર બની ચૂક્યું છે. 

આજે સૌથી મોંઘી અને લક્ઝરી હોટેલ માટે દુબઇ વિશ્વભરના ધનિકો માટે પ્રથમ પસંદગી હોઈ છે ત્યારે 1990 ના સમયમાં જ દુબઇના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ ને એક અંદાજો આવી ગયો હતો કે આ ક્રૂડ ઓઇલનો જથ્થો સમય જતા ખતમ થશે અને દુબઇ ફરી ગરીબ બની શકે છે જેથી તેમને દુબઇ શહેર માટે ભવિષ્યની આટલી જ આવક શરુ રહે તે માટે ટુરિઝમ વિકસવાનું વિચાર્યું અને જે માટે દુબઇના રણથી વધુ દરિયા કિનારો ક્રાઉન પ્રિન્સને વધુ યોગ્ય લાગ્યો. આજે દુબઇ પાસે જે દરિયા કિનારો ઉપલબ્ધ છે તેનાથી અડધો જ કિનારો આજથી 20-25 વર્ષ પહેલા હતો જે 70-80 કી.મી જેટલો જ થતો હતો અને એ દરિયાકિનારા પર બનનારી હોટેલ્સ, રિસોર્ટ્સ, શોપિંગ મોલ્સ, બંગલો, વીલા અને લક્ઝરી ફ્લેટ્સ ખુબ માર્યાદિત જ થઇ શકે તેથી દરિયાની વચ્ચે જ જમીન ઉભી કરી એક માનવનિર્મિત આયલેન્ડ બનાવવો જ એકમાત્ર ઓપશન હતો. 2001 માં આ વિચારને હકીકતમાં ફેરવવા માટેની શરૂઆત થઇ અને દુનિયાભરના મહાન એંજિન્યરો દ્વારા ડિઝાઇન કરેલા પામ આકારના એક આયલેન્ડની રચના સામે આવી જે આકાશથી જોતા દુબઇના સૌથી પ્રસિધ્ધ ખજૂરના વૃક્ષ જેવું લાગે. 

આ ખજૂરના વૃક્ષના આકારનો એક આઇલેન્ડ બનાવવો એક મોટી ચેલેન્જ હતી કેમ કે આ આઇલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટથી નહિ પરંતુ કુદરતી જ બનાવટ રહે એ રીતે મોટા પથ્થરો, રેતી અને માટીથી બનાવવાનો હતો જેના માટે પ્રિન્સે માત્ર 2.5 વર્ષનો સમય મર્યાદા આપી હતી અને બીજા 2.5 વર્ષમાં એ જમીનને હોટલ્સ, વીલા, રિસોર્ટ, શોપિંગ મોલથી સજાવી દેવાનો હતો. આ ખુબ અશક્ય લાગતું કામ દુબઇ અને તેને રોકેલા હોશિયાર એંજિન્યરો દ્વારા ખુબ મુશ્કેલીઓ સાથે પરંતુ સમયસર પૂર્ણ તો કર્યું પરંતુ તેને પૂર્ણ કરવા માટે 12 બિલિયન ડોલર્સ જેટલો ખર્ચ થયો હતો. આ ખર્ચ કોઈ નાના દેશની ઈકોનોમી જેટલો ગણી શકાય ત્યારે દુબઇના પ્રિન્સ ક્રાઉન માટે તે ભવિષ્યની જમા પુંજી સમાન જ હતો. 

દરિયાની વચ્ચે આવો એક માનવનિર્મિત આયલેન્ડ બનાવવો એટલે કુદરતી દરેક તારાજી માટે તૈયાર રહેવા બરાબર બની શકે પરંતુ મોટા ખુબ વજનના પથ્થરો દ્વારા જ તેનો બેઝ તૈયાર કરવાની એંજિન્યરોની સલાહમાં દુનિયાભરથી વિવિધ પથ્થરોના સેમ્પલ મંગાવામાં આવ્યા. આપને જાણીને આશ્ચર્ય થશે કે બધા સેમ્પલ પાણીની માર તથા ઉપરનું વજન સહન કરી શકે તેવા ન નીકળતા આખરે ભારતના મધ્યપ્રદેશના છતરપુર વિસ્તારના પથ્થરની પહેલા જ ટ્રાયલમાં પસંદગી થઇ હતી અને પથ્થરની ખાણોથી 25 થી 30 ફૂટ અને 50-60 ટન વજનના ગ્રેનાઈટ પથ્થરો મધ્યપ્રદેશથી ગુજરાત ટ્રાન્સપોર્ટ કરવામાં આવતા અને ત્યાંથી તે દુબઇ રવાના કરાતા હતા. ખજૂરના વૃક્ષના આકારના આ ટાપુને બનવવા માટે પહેલા અર્ધ ચંદ્રના આકારનો બેઝ આ પથ્થરોથી જ બનાવવામાં આવ્યો હતો જેથી પાણીનો પ્રવાહ અંદર આવતો અટકી શકે. આ અર્ધચંદ્રાકાર બેઝની વર્તુળાકાર લંબાઈ 11 કી.મી.ની છે.

આ પથ્થરો ઉપર રેતીની મોટી લેયર પાથરવાની હતી જેના માટે દુબઇની રેતી ચાલી શકે તેમ ન હતી જેથી ફારસની ખાડીથી રેતી મંગાવી તેને આ પથ્થરો પર નાખી ભરતી કરવામાં આવી હતી. ફારસની ખાડીથી 120 મિલિયન ક્યુબિક મીટર જેટલી રેતી આ આયલેન્ડ પર પાથરવામાં આવી હતી અને એ પછી યુએઈના પહાડોમાંથી 70 લાખ ટન જેટલા પથ્થરોનો એક ત્રીજો લેયર બનાવવામાં આવ્યો જે આ આયલેન્ડને જમીની મજબૂતી આપવા માટે હતો. દરિયામાં ભરેલી આ ભરતી દ્વારા દુનિયાને ફરતી 2.33 મીટરની ત્રણ દીવાલ બનાવી શકાય તેટલા પથ્થરો અને રેતી નાખવામાં આવી છે. આ ટાપુનું જયારે નિર્માણ કામ ચાલી રહ્યું હતું ત્યારે આ દ્વીપની ડિઝાઇન બરાબર રૂપ લઇ રહી છે તે જોવા એંજિન્યરોને સેટેલાઇટ ઇમેજની મદદ લેવી પડતી હતી અને એક ખાસ ટીમ છેલ્લે સુધી આ રીતે પ્રોજકશન અને સુપરવિઝન કરતી રહેતી હતી. આ સુપરવિઝન માત્ર ઉપરથી જ નહિ પરંતુ દરિયાની અંદર 100થી વધુ ગોતાખોરોની ટીમ આઇલેન્ડના બેઝ સુધી ધ્યાન રાખતી હતી કદાચ કોઈ પથ્થર કે લૂપ હોલ આઇલેન્ડને નુકશાન કરી રહ્યો હોઈ તો પહેલાથી જ ધ્યાન રાખી શકાય. 2001 થી 2004 સુધીમાં આ માનવનિર્મિત ટાપુનું નિર્માણ થઇ ચૂક્યું હતું અને 2004થી આ જમીનના પ્લોટ વિશ્વની બહેતરીન હોટલ, મોલ્સ, રિસોર્ટ, ફ્લેટ્સ અને વિલ્લા બનવા માટે તૈયાર હતા. ટાપુ પર 2006 માં બિલ્ડીંગ નિર્માણનું કામ શરુ કરી દેવામાં આવ્યું હતું અને આજે આ ટાપુ એક એવા ખુબસુરત માનવનિર્મિત જગ્યાનું રૂપ લઇ ચુક્યો છે જેને આપણે આજનું સ્વર્ગ પણ કહી શકાય. 

આ ટાપુ સંપૂર્ણ રીતે જોવા લોકો હેલીકૉપટર, જેટ પ્લેનોનો ઉપયોગ કરે છે જોકે હમણાં જ એક ઊંચી ઇમારતનું કામ પણ પૂર્ણ થઇ ચૂક્યું છે જે આ આઇલેન્ડને તેની છત પરથી પણ દેખાડી શકે. આ ટાપુ પર અંડરવોટર હોટલ્સ, રેસ્ટોરંટથી લઇ 7 સ્ટાર લક્ઝરીયસ વિલા પણ આવેલા છે. મેટ્રોપોલિટન રીઅલ એસ્ટેટની વેબસાઈટમાં આપેલ આજના વેચવાના ભાવ મુજબ પાલ્મ જુમેરાહ ટાપુ પર 1 બેડરૂમ એપાર્ટમેન્ટનો ભાવ ભારતીય કરન્સીમાં 5.5 કરોડ જેટલો થાય છે ત્યારે 6-7 રૂમના વિલ્લાઓની કિંમત 116 કરોડથી વધુ થઇ શકે છે. 

દુબઇ દ્વારા કુદરતની સામે જે બાથ ભીડવામાં આવી છે તે કદાચ ભવિષ્યમાં નડી પણ શકે છે કેમકે ઇતિહાસ સાક્ષી છે કે પાણી, અગ્નિ અને હવા જયારે બગડે ત્યારે એ કોઈનું ના સાંભળે. કુદરતી આફતો કે ગ્લોબલ વોર્મિંગને કારણે જળસ્તર વધવાની ગતિ ખુબ તેજ છે ત્યારે નાસા દ્વારા પણ આ 20 વર્ષ જૂનો આઇલેન્ડ 5 મી.મી. પ્રતિ વર્ષ ડૂબી રહ્યો છે તેવું શોધવામાં આવેલ છે. દુબઇ આજે ટેક્નોલોજી અને ગજબની એન્જીનયરીંગને કારણે કૃત્રિમ વરસાદ, ખારા પાણીથી મીઠું પાણી અને દરિયામાં ભરતી દ્વારા જમીન વિકસાવા જેવા કાર્યો ખુબ આસાનીથી કરી રહ્યું છે ત્યારે એ ભવિષ્ય્માં પણ કોઈપણ પરિસ્થિતિને અટકાવવા પણ નવા રસ્તાઓ શોધી લેશે તેવું લાગે છે. આપને શું લાગે છે કે દુબઇનો આ માનવનિર્મિત આઇલેન્ડ ભવિષ્યમાં ટકી શકશે અને શું એ પ્રેરણાદાયી છે ભારતને પણ આવી રીતે જ વિકસાવા માટે?


  Video Source: Earth Adventure in Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

વિશ્વના 10 એવા દેશ કે જ્યાં ભારતીયોને આસાનીથી કાયમી રહેઠાણ (PR) મળી શકે છે । 10 countries in the world where Indians can easily get permanent residency

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

ભારતથી દર વર્ષે 2 થી 5 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા કે શિક્ષણના બહાને વિદેશમાં સ્થાયી થવા વિવિધ દેશોમાં જતા હોઈ છે. વિદેશમાં સારી રોજગારી મેળવવા અને સારી જિંદગી જીવવાના સ્વપ્ન સાથે લાખો લોકો વિદેશમાં જતા હોઈ છે અને એ દેશો મુખ્યત્વે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપના અમુક દેશોનો ભારતીયોના મનમાં સૌથી વધુ ક્રેઝ જોવા મળતો હોઈ છે. આજે એકલા અમેરિકામાં 42 લાખથી વધુ ભારતીયો ત્યાંના સ્થાયી નિવાસી છે અને 15 લાખથી વધુ કેનેડાના નિવાસી છે. આજે સંપૂર્ણ વિશ્વમાં NRI એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયનની સંખ્યા સવા ત્રણ કરોડથી પણ વધુ છે. યુવાનો અને વિદ્યાર્થીઓને ભારતની બહાર કોઈપણ દેશમાં વસવાટ કરવાની ઈચ્છા અંત થવાને બદલે દિવસે ને દિવસે વધતી જાય છે અને કોરોનાને કારણે 1 વર્ષ ઇમિગ્રેશન અટલેકુ હોવાથી આજે યુરોપ, કેનેડા અને અમેરિકાની ઘણી યુનિવર્સટીઓ તો આગળના 1 ઇન્ટેક માટે તો ફૂલ પણ થઇ ચુકી છે. 

અમેરિકા જેવા દેશો પોતાના વિવિધ વિઝા તથા PR (કાયમી રહેઠાણ) ના ખુબ મુશ્કેલ નિયમોને કારણે ખુબ કુખ્યાત છે કેમ કે અમેરિકા પોતાના દેશમાં બહારથી આવતા લોકોને કારણે પોતાના દેશના લોકો માટે અસુવિધા તથા રોજગારીના પ્રશ્નોનો ઉદભવ થવા દેવા ઇચ્છતું નથી જેને જોતા કેનેડા, યુરોપના દેશો પણ ખુબ કડક નિયમની જોગવાઈ કરતા જઈ રહ્યા છે. આજે રોજગારી પ્રશ્ને પણ ઘણા વિકસિત દેશો પણ ખુબ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે આપણને એક પ્રશ્ન તો જરૂર થાય કે વિશ્વના એવા તો ક્યાં દેશ હશે કે જે વિકસિત હોઈ, સારી જીવન ધોરણ અને રોજગારી પણ હોઈ છતાં ખુબ આસાનીથી ભારતીયો માટે PR (કાયમી રહેઠાણ કે નાગરિકતા) આપવા પણ રાજી હોઈ. તો ચાલો જાણીએ કે વિશ્વના 10 એવા ક્યાં દેશો છે જે ભારતીયો માટે કાયમી નાગરિકતા અને રહેઠાણ છે અને જેમને વિદેશ જવું જ છે તેમને એક નવા જ દેશ માટેની રાહ ચીંધી શકે છે.

10. ગ્રીસ: દક્ષિણ-પૂર્વીય યુરોપનો એવો દેશ કે જ્યાં હજારોની સંખ્યામાં નાના-નાના ટાપુઓ છે. આ એવો દેશ છે કે જ્યાંના તમે નાગરિક હોવ તો બીજા દેશો માટે તમારે ન તો વિઝા લેવાની જરૂર પડે અને ના તમારે PR. આ દેશના સ્થાયી નિવાસી બનવા માટે ગ્રીસમાં તમારે 2 કરોડની સંપત્તિ ખરીદવી પડે અને 5 વર્ષ માટે તમે બિન્દાસ આ દેશમાં રહી શકો છો અને જ્યાં સુધી તમે આ પ્રોપર્ટી ધરાવો છો ત્યાં સુધી આ 5 વર્ષના વિઝાને લંબાવતા રહી શકો.

9. પરાગ્વે: આ દેશ દક્ષિણી અમેરિકા ખંડમાં બ્રાઝીલ, બોલિવિયા અને આર્જેન્ટિનાની વચ્ચે આવેલો દેશ છે. આ દેશ તો એટલો બધો ફ્લેક્સિબલ છે કે આ દેશમાં P.R. મેળવવા એ દેશમાં જવાની કે રહેવાની પણ જરૂર નથી માત્ર વેલીડ ભારતીય પાસપોર્ટ, સારી સેહદ અને સારી બેન્ક બેલેન્સ હોઈ અને ત્યાંની બેંકોમાં માત્ર 3.5 લાખ રૂપિયાનું ભંડોળ ઈન્વેસ્ટ હોઈ તો તમે આ દેશમાં P.R. માટે એપ્લાઇ કરી શકો છો.

8. પનામા: આ દેશ મધ્ય અમેરિકા અને દક્ષિણી અમેરિકાની વચ્ચે બન્ને ખંડને જોડતા ભાગમાં આવેલો દેશ છે. આ દેશમાં P.R. મેળવવા માટે તો ઘણા રસ્તાઓ છે જેમાં સૌથી સહેલો રસ્તો ત્યાંના નિવાસી હોઈ તેવા વ્યક્તિ સાથે કોર્ટ મેરેજનો છે પરંતુ એ ન કરવા ઇચ્છતા લોકો પૈસાના ઉપયોગથી પણ આ દેશની નાગરિકતા મેળવી શકે છે. આ દેશમાં તમે 5 વર્ષ રહીને P.R. માટે આવેદન આપી શકો છો. આ ખુબ સુંદર દેશ છે જેની બન્ને બાજુએ અલગ-અલગ મહાસાગરો છે. 

7. સેન્ટ લુસિયા: આ દેશ પણ મધ્ય અને દક્ષિણ અમેરિકાની વચ્ચે પરંતુ ટાપુનો દેશ છે. આ દેશ કેરેબિયન ટાપુઓનો દેશ છે જે દેખાવમાં આપણા પાડોશી દેશ શ્રીલંકા જેવો જ છે. જો માત્ર 2-3 મહિનાના નિવાસ બાદ તમને આ દેશ પસંદ પડી જાય અને તમે આ દેશના નાગરિક બનવા ઇચ્છતા હોઈ તો આ દેશમાં એ શક્ય છે. માત્ર 1.5 થી 2 કરોડના નિવેશ બાદ આપને પરિવાર સાથે આ દેશની નાગરિકતા મળી શકે છે. આ દેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે સંપૂર્ણ વિશ્વમાં પ્રચલિત છે. 

6. ઇકવીડોર: દક્ષિણી અમેરિકામાં આવેલ આ દેશમાંથી ઇકવીડોર પસાર થતી હોવાથી આ દેશનું નામ તેના પરથી જ રાખવામાં આવ્યું છે. આ એવી રેખા પર આવેલો દેશ છે જે પૃથ્વીની મધ્ય રેખા પણ કહી શકાય. આ દેશ પોતાની નાગરિકતા ઇન્વેસ્ટમેન્ટના પ્રોગ્રામ ચલાવી આપે છે. આ દેશમાં આપ જયારે નાગરિકતા મેળવો છો ત્યારે તમે બીજા ઘણા દેશને ફરવા માટે તમારો રસ્તો ખોલો છો કેમકે આ દેશમાં P.R. મેળવ્યા બાદ તમને વિશ્વના 80 થી વધુ દેશો વિઝા વિના આવવાની છૂટ આપે છે. આ દેશમાં નાગરિકતા મેળવવા માત્ર 19 લાખ રૂપિયા ત્યાંની બેન્કમાં રોકવા પડે છે પરંતુ ત્રણ વર્ષ રહ્યા પછી તમે સંપૂર્ણપણે એ દેશના નાગરિક બનવા સક્ષમ બની શકો છો.

5. એન્ટિગવા અને બર્બુડા: આ દેશ પણ સેન્ટ લુસિયાની જેમ અને તેની ઉપરનો જ ટાપુ દેશ છે જે બન્ને અમેરિકા ખંડની વચ્ચે આવેલો છે. આ બંને દેશોમાં એટલા બધા દરિયા કિનારાઓ છે કે આ દેશોને "લેન્ડ ઓફ 365 બીચીસ" ની ઉપાધી પણ આપવામાં આવી છે કેમકે અંહિયા 365 કરતા વધુ અને ટાપુની ફરતે દરેક જગ્યાએ ખુબ સુંદર અને નયનરમ્ય બીચો આવેલા છે. આ કેરેબિયન દેશ છે જે ત્રણ ટાપુઓનો સમૂહ છે. આ દેશ પ્રાકૃતિક અને કુદરતી દ્રશ્યોના ખજાના સમાન છે જેને દુનિયાનો સૌથી મઝેદાર રિટાર્યમેન્ટ પછી જીવવા માટેનો સુંદર દેશ તરીકે મનાય છે. આ દેશમાં P.R. મેળવવા ત્રણ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી શકો અથવા દોઢ કરોડ રૂપિયાનું ડોનેશન કરી આ દેશની નાગરિકતા પોતાના નામે કરી શકો છો.

4. સર્બિયા: આ એક યુરોપિયન દેશ છે અને ભારતની જેમ આ દેશ પણ મહેમાનને ભગવાનનું જ રૂપ ગણે છે. વિશ્વના સુંદર પ્રવાસી સ્થળોમાં આ દેશ અચૂક પોતાની હાજરી આપતો જણાય છે ત્યારે આ દેશ તેનું ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. 17 થી વધુ રોમન રાજાઓનું મૂળ આ દેશ જ રહ્યું છે. આ દેશમાં P.R. માટે ત્યાંની સરકારી ઇન્વેસ્ટમેન્ટ ફન્ડમાં 1 કરોડ રૂપિયા જેવું જમા કરાવવું પડે છે. 

3. ડોમિનિકન રિપબ્લિક: આ દેશ પણ એક કેરેબિયન ટાપુઓમાંથી જ એક છે. આ દેશમાં પણ ચારે બાજુ માત્ર દરિયો જ છે અને ફરતી બાજુ માત્ર અને માત્ર દરિયા કિનારાઓ આ દેશની સૌંદર્યતા છે. છુટ્ટીઓ માટે વિશ્વભરમાંથી પોતાના વેકેશનને માણવા આવે છે અને આ દેશની ખાસિયત મુજબ ક્ષણભરમાટે પરંતુ બિન્દાસ જીવન જીવવા આવે છે.  આ દેશની નાગરિકતા માટે વેપારમાં અથવા રિયલ એસ્ટેટમાં દોઢ કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી 2 વર્ષ જેવું રહેવાથી તમે P.R. મેળવી શકો છો.

2. રશિયા: રશિયા એ એશિયા ખંડનો નહિ પરંતુ સંપૂર્ણ વિશ્વનો સૌથી મોટો દેશ છે. આ દેશની નાગરિકતા ભારતીયો માટે ખુબ આસાન નહિ પરંતુ વધુ મુશ્કેલ પણ નથી. આ દેશની નાગરિકતા માટે કોઈ મુશ્કેલ પ્રોસેસ નથી પરંતુ ત્યાં 3 વર્ષ માટે રહી તેમના દેશમાં રેગ્યુલર ટેક્સની ચુકવણી કરવાથી એ દેશમાં P.R. મળી શકે છે. આ દેશની નાગરિકતા મેળવવામાં એકજ મોટી મુશ્કેલી છે જે તેમની ભાષા છે. આ દેશમાં નાગરિકતા મેળવવા આપને રશિયન ભાષા આવડવી જરૂરી છે. 

1. મેસેડોનિયા: આ યુરોપના પ્રાચીન દેશોમાંનો એક દેશ છે પરંતુ આ દેશ 1991 માં આઝાદ થયો અને એક સ્વતંત્ર દેશ બન્યો છે. આ દેશ યુરોપનો સૌથી સુંદર અને પહાડી દેશ છે. આ દેશમાં સુંદર નદીઓ, પહાડો, જંગલો અને કુદરતી દ્રશ્યોથી ભરપૂર હોવાથી વિશ્વભરથી પ્રકૃતિપ્રેમી ટુરિસ્ટો માટેનું ડેસ્ટિનેશન રહ્યું છે. ભારતીયો માટે આ દેશમાં P.R. મેળવવા ખુબ સહેલું છે. આ દેશમાં રહેવા અને સુંદર જિંદગી પસાર કરવા તમારે અંદાજિત 3 કરોડ રૂપિયા ધંધામાં રોકવા પડશે અને 10 લોકોને રોજગાર આપવું પડશે અને તમે પણ મેસેડોનિયન બની શકો છો. આ દેશની નાગરિકતાનો મતલબ એ છે કે તમે બિન્દાસ યુરોપના કોઈપણ દેશની યાત્રા વિઝા વિના કરી શકો છો અને સૌથી વધુ સારી બાબત એ છે કે આ દેશ સૌથી ઓછા ટેક્સ સ્લેબ માટે પણ જાણીતો છે એટલે આ દેશમાં તમે કમાઓ તેનું માત્ર 10% ટેક્સ જ સરકારને ચુકવણું કરવું પડે છે. 

તો કરો ગુગલ અને જાણો તમને ઉપરના દેશોમાંથી જે પણ દેશ વધુ પસંદ આવ્યો હોઈ તેના વિષે. ભવિષ્યમાં આ દેશોમાંથી કોઈ દેશ પસંદ આવે તો ત્યાં સ્થાયી થવા તમે પણ વિચારી શકો છો.

 

 Video Source: Top 10 Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice