by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
દુબઇ એટલે દુનિયાનું સૌથી ચર્ચિત પર્યટન સ્થળ કે જે તેની અમીરી, નાઈટ લાઈફ, શોપિંગ અને આલીશાન હોટલ્સ માટે પ્રખ્યાત છે. આજથી 80 વર્ષ પહેલા ગરીબ અને રેગિસ્તાન વિસ્તારને કારણે પ્રચલિત આરબ દેશો પર કુદરત મહેરબાન બની અને આજનું પ્રવાહી સોનુ ગણાય એવા ક્રૂડ ઓઇલનો સૌથી મોટો જથ્થો આ વિસ્તારોમાં દેખાયો હતો. એ બાદ સાઉદી અરેબિયા પર જાણે પૈસાનો વરસાદ થવાનો શરૂ થઇ ગયો હતો. આજનું દુબઇ કે જે 18 મી સદીમાં માછીમારી કરવા નાના ગામડાની જેમ વસાવામાં આવ્યું હતું જે આજે યુએઈનું સૌથી વધુ અમીર અને વસ્તીવાળું શહેર બની ચૂક્યું છે.
આજે સૌથી મોંઘી અને લક્ઝરી હોટેલ માટે દુબઇ વિશ્વભરના ધનિકો માટે પ્રથમ પસંદગી હોઈ છે ત્યારે 1990 ના સમયમાં જ દુબઇના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ ને એક અંદાજો આવી ગયો હતો કે આ ક્રૂડ ઓઇલનો જથ્થો સમય જતા ખતમ થશે અને દુબઇ ફરી ગરીબ બની શકે છે જેથી તેમને દુબઇ શહેર માટે ભવિષ્યની આટલી જ આવક શરુ રહે તે માટે ટુરિઝમ વિકસવાનું વિચાર્યું અને જે માટે દુબઇના રણથી વધુ દરિયા કિનારો ક્રાઉન પ્રિન્સને વધુ યોગ્ય લાગ્યો. આજે દુબઇ પાસે જે દરિયા કિનારો ઉપલબ્ધ છે તેનાથી અડધો જ કિનારો આજથી 20-25 વર્ષ પહેલા હતો જે 70-80 કી.મી જેટલો જ થતો હતો અને એ દરિયાકિનારા પર બનનારી હોટેલ્સ, રિસોર્ટ્સ, શોપિંગ મોલ્સ, બંગલો, વીલા અને લક્ઝરી ફ્લેટ્સ ખુબ માર્યાદિત જ થઇ શકે તેથી દરિયાની વચ્ચે જ જમીન ઉભી કરી એક માનવનિર્મિત આયલેન્ડ બનાવવો જ એકમાત્ર ઓપશન હતો. 2001 માં આ વિચારને હકીકતમાં ફેરવવા માટેની શરૂઆત થઇ અને દુનિયાભરના મહાન એંજિન્યરો દ્વારા ડિઝાઇન કરેલા પામ આકારના એક આયલેન્ડની રચના સામે આવી જે આકાશથી જોતા દુબઇના સૌથી પ્રસિધ્ધ ખજૂરના વૃક્ષ જેવું લાગે.
આ ખજૂરના વૃક્ષના આકારનો એક આઇલેન્ડ બનાવવો એક મોટી ચેલેન્જ હતી કેમ કે આ આઇલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટથી નહિ પરંતુ કુદરતી જ બનાવટ રહે એ રીતે મોટા પથ્થરો, રેતી અને માટીથી બનાવવાનો હતો જેના માટે પ્રિન્સે માત્ર 2.5 વર્ષનો સમય મર્યાદા આપી હતી અને બીજા 2.5 વર્ષમાં એ જમીનને હોટલ્સ, વીલા, રિસોર્ટ, શોપિંગ મોલથી સજાવી દેવાનો હતો. આ ખુબ અશક્ય લાગતું કામ દુબઇ અને તેને રોકેલા હોશિયાર એંજિન્યરો દ્વારા ખુબ મુશ્કેલીઓ સાથે પરંતુ સમયસર પૂર્ણ તો કર્યું પરંતુ તેને પૂર્ણ કરવા માટે 12 બિલિયન ડોલર્સ જેટલો ખર્ચ થયો હતો. આ ખર્ચ કોઈ નાના દેશની ઈકોનોમી જેટલો ગણી શકાય ત્યારે દુબઇના પ્રિન્સ ક્રાઉન માટે તે ભવિષ્યની જમા પુંજી સમાન જ હતો.
દરિયાની વચ્ચે આવો એક માનવનિર્મિત આયલેન્ડ બનાવવો એટલે કુદરતી દરેક તારાજી માટે તૈયાર રહેવા બરાબર બની શકે પરંતુ મોટા ખુબ વજનના પથ્થરો દ્વારા જ તેનો બેઝ તૈયાર કરવાની એંજિન્યરોની સલાહમાં દુનિયાભરથી વિવિધ પથ્થરોના સેમ્પલ મંગાવામાં આવ્યા. આપને જાણીને આશ્ચર્ય થશે કે બધા સેમ્પલ પાણીની માર તથા ઉપરનું વજન સહન કરી શકે તેવા ન નીકળતા આખરે ભારતના મધ્યપ્રદેશના છતરપુર વિસ્તારના પથ્થરની પહેલા જ ટ્રાયલમાં પસંદગી થઇ હતી અને પથ્થરની ખાણોથી 25 થી 30 ફૂટ અને 50-60 ટન વજનના ગ્રેનાઈટ પથ્થરો મધ્યપ્રદેશથી ગુજરાત ટ્રાન્સપોર્ટ કરવામાં આવતા અને ત્યાંથી તે દુબઇ રવાના કરાતા હતા. ખજૂરના વૃક્ષના આકારના આ ટાપુને બનવવા માટે પહેલા અર્ધ ચંદ્રના આકારનો બેઝ આ પથ્થરોથી જ બનાવવામાં આવ્યો હતો જેથી પાણીનો પ્રવાહ અંદર આવતો અટકી શકે. આ અર્ધચંદ્રાકાર બેઝની વર્તુળાકાર લંબાઈ 11 કી.મી.ની છે.
આ પથ્થરો ઉપર રેતીની મોટી લેયર પાથરવાની હતી જેના માટે દુબઇની રેતી ચાલી શકે તેમ ન હતી જેથી ફારસની ખાડીથી રેતી મંગાવી તેને આ પથ્થરો પર નાખી ભરતી કરવામાં આવી હતી. ફારસની ખાડીથી 120 મિલિયન ક્યુબિક મીટર જેટલી રેતી આ આયલેન્ડ પર પાથરવામાં આવી હતી અને એ પછી યુએઈના પહાડોમાંથી 70 લાખ ટન જેટલા પથ્થરોનો એક ત્રીજો લેયર બનાવવામાં આવ્યો જે આ આયલેન્ડને જમીની મજબૂતી આપવા માટે હતો. દરિયામાં ભરેલી આ ભરતી દ્વારા દુનિયાને ફરતી 2.33 મીટરની ત્રણ દીવાલ બનાવી શકાય તેટલા પથ્થરો અને રેતી નાખવામાં આવી છે. આ ટાપુનું જયારે નિર્માણ કામ ચાલી રહ્યું હતું ત્યારે આ દ્વીપની ડિઝાઇન બરાબર રૂપ લઇ રહી છે તે જોવા એંજિન્યરોને સેટેલાઇટ ઇમેજની મદદ લેવી પડતી હતી અને એક ખાસ ટીમ છેલ્લે સુધી આ રીતે પ્રોજકશન અને સુપરવિઝન કરતી રહેતી હતી. આ સુપરવિઝન માત્ર ઉપરથી જ નહિ પરંતુ દરિયાની અંદર 100થી વધુ ગોતાખોરોની ટીમ આઇલેન્ડના બેઝ સુધી ધ્યાન રાખતી હતી કદાચ કોઈ પથ્થર કે લૂપ હોલ આઇલેન્ડને નુકશાન કરી રહ્યો હોઈ તો પહેલાથી જ ધ્યાન રાખી શકાય. 2001 થી 2004 સુધીમાં આ માનવનિર્મિત ટાપુનું નિર્માણ થઇ ચૂક્યું હતું અને 2004થી આ જમીનના પ્લોટ વિશ્વની બહેતરીન હોટલ, મોલ્સ, રિસોર્ટ, ફ્લેટ્સ અને વિલ્લા બનવા માટે તૈયાર હતા. ટાપુ પર 2006 માં બિલ્ડીંગ નિર્માણનું કામ શરુ કરી દેવામાં આવ્યું હતું અને આજે આ ટાપુ એક એવા ખુબસુરત માનવનિર્મિત જગ્યાનું રૂપ લઇ ચુક્યો છે જેને આપણે આજનું સ્વર્ગ પણ કહી શકાય.
આ ટાપુ સંપૂર્ણ રીતે જોવા લોકો હેલીકૉપટર, જેટ પ્લેનોનો ઉપયોગ કરે છે જોકે હમણાં જ એક ઊંચી ઇમારતનું કામ પણ પૂર્ણ થઇ ચૂક્યું છે જે આ આઇલેન્ડને તેની છત પરથી પણ દેખાડી શકે. આ ટાપુ પર અંડરવોટર હોટલ્સ, રેસ્ટોરંટથી લઇ 7 સ્ટાર લક્ઝરીયસ વિલા પણ આવેલા છે. મેટ્રોપોલિટન રીઅલ એસ્ટેટની વેબસાઈટમાં આપેલ આજના વેચવાના ભાવ મુજબ પાલ્મ જુમેરાહ ટાપુ પર 1 બેડરૂમ એપાર્ટમેન્ટનો ભાવ ભારતીય કરન્સીમાં 5.5 કરોડ જેટલો થાય છે ત્યારે 6-7 રૂમના વિલ્લાઓની કિંમત 116 કરોડથી વધુ થઇ શકે છે.
દુબઇ દ્વારા કુદરતની સામે જે બાથ ભીડવામાં આવી છે તે કદાચ ભવિષ્યમાં નડી પણ શકે છે કેમકે ઇતિહાસ સાક્ષી છે કે પાણી, અગ્નિ અને હવા જયારે બગડે ત્યારે એ કોઈનું ના સાંભળે. કુદરતી આફતો કે ગ્લોબલ વોર્મિંગને કારણે જળસ્તર વધવાની ગતિ ખુબ તેજ છે ત્યારે નાસા દ્વારા પણ આ 20 વર્ષ જૂનો આઇલેન્ડ 5 મી.મી. પ્રતિ વર્ષ ડૂબી રહ્યો છે તેવું શોધવામાં આવેલ છે. દુબઇ આજે ટેક્નોલોજી અને ગજબની એન્જીનયરીંગને કારણે કૃત્રિમ વરસાદ, ખારા પાણીથી મીઠું પાણી અને દરિયામાં ભરતી દ્વારા જમીન વિકસાવા જેવા કાર્યો ખુબ આસાનીથી કરી રહ્યું છે ત્યારે એ ભવિષ્ય્માં પણ કોઈપણ પરિસ્થિતિને અટકાવવા પણ નવા રસ્તાઓ શોધી લેશે તેવું લાગે છે. આપને શું લાગે છે કે દુબઇનો આ માનવનિર્મિત આઇલેન્ડ ભવિષ્યમાં ટકી શકશે અને શું એ પ્રેરણાદાયી છે ભારતને પણ આવી રીતે જ વિકસાવા માટે?
Video Source: Earth Adventure in Hindi (YouTube Channel)
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment