શું થઇ શકે જો દુનિયાનો હરએક વ્યકતિ વર્ષમાં પોતાના જન્મદિવસે એક ઝાડ વાવે તો? | What if everyone in the world planted a tree on their birthday every year?

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આપણે પૃથ્વી પર રહીએ છીએ જ્યાં વાતાવરણ છે, હવામાં ઓક્સિજન છે, પીવા માટે પાણી છે અને ખોરાક ઉગાડવા માટે ફળદ્રુપ જમીન પણ છે. માનવી નહિ પરંતુ આ પૃથ્વી પરના દરેક જીવને લગભગ હવા, પાણી અને ખોરાકની જરૂર પડે જ છે અને તેની આ જરૂરત પૃથ્વીનું વાતાવરણ પૂરું પાડે છે પરંતુ હકીકતમાં આ પૃથ્વીના વાતાવરણમાં એક કડી એવી પણ છે જેના વગર પૃથ્વી આ વાતાવરણને સસ્ટેનેબલ બનાવી શકી ના હોત.

હા, ચોક્કસથી આપણે વાત કરીએ છીએ વૃક્ષ, ઝાડ કે અંગ્રેજીમાં કહીએ તો ટ્રી જે આજે તો સામાન્ય રીતે આપણી આસપાસ જોવા તો મળે છે પરંતુ દિવસે ને દિવસે આપણે પ્રગતિ અને વિકાસ માટે આ વૃક્ષોનું બલિદાન આપીએ છીએ જેથી કદાચ બની શકે કે આજની આગલી પેઢીઓ આ વૃક્ષો જોવા પણ કોઈ સંગ્રહાલયમાં જાય. ખરેખર અત્યારે જે વાત માત્ર હસવા જેવી લાગે છે એ ખરેખર હકીકત બની રહી છે કેમકે માનવીના કાળા કહેરને કારણે કુદરતી સંપદાનો વિનાશ થઇ રહ્યો છે અને બીજા પ્રાણીઓ, જીવ જંતુઓ, પક્ષીઓ દિવસે ને દિવસે વિલુપ્ત પણ થઇ રહ્યા છે. 

વૃક્ષો આ વાતાવરણમાં ઓક્સિજન પેદા કરે છે એ સિવાય પણ વૃક્ષો કુદરતી આપદાઓ અને અતિ ઠંડી-ગરમીથી આપણું રક્ષણ પણ કરે છે. વૃક્ષ રણ વિસ્તારને આગળ વધતું અટકાવે છે તો વરસાદ લાવવામાં પણ મદદ કરે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી ગેસને પોતાનામાં સમાવી પ્રદુષણ અટકાવે છે ત્યારે શહેરોમાં થતા ધ્વનિ પ્રદુષણને પણ ઓછું કરે છે. વૃક્ષો માનવીનું સ્ટ્રેસ લેવલ ઘટાડવા તેમજ તમારા ઘર, વિસ્તાર કે શહેરની શોભા પણ વધારે છે ત્યારે શું આ વૃક્ષ આપણા જીવનમાં એટલું બધું મફતમાં આપતા હોવા છતાં આપણે ડેવલોપમેન્ટના નામ પર વૃક્ષોને કેમ કાપતા જઈએ છીએ?

આજે દુનિયામાં 60,000 પ્રજાતિના કુલ 3 ટ્રિલિયન જેટલા વૃક્ષો છે જેને આપણા પૂર્વજો, બાપ-દાદાઓએ આપણા સારા ભવિષ્ય માટે વાવેલા છે. વૃક્ષો આ પૃથ્વી પર કરોડો વર્ષોથી છે અને તેણે પૃથ્વી પરના કેટલાય મહા પ્રલય જોયા પણ હશે અને એના ભોગ પણ બન્યા હશે અને એટલે જ કદાચ આપણે પેટ્રોલિયમ તથા કોલસા જેવા ઉર્જાના સ્ત્રોતો વાપરી શકીએ છીએ. પરંતુ આ વૃક્ષો જીવતા આપે છે તેની કિંમત સમજ્યા વિના તેને કાપી તેનું લાકડું વિવિધ ઉપયોગોમાં લઇ કિંમત ઉભી કરીએ છીએ. આજે લગભગ દરેક મિનિટમાં 27 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલા ભાગમાં વાવેલા વૃક્ષો આપણે કાપી રહ્યા છીએ જે ભવિષ્યમાં વધુ માંગને આધારિત વધી પણ શકે છે તો એક વિચાર જરૂર આવે કે આ અટકવું તો મુશ્કેલ છે પરંતુ શું થાય જો આપણે આપણા દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવીએ? શું આપણે આ કરવાથી પૃથ્વીને અને વાતાવરણને બચાવી શકીએ? શું આ વાતાવરણમાં સુધાર લાવી શકીએ?

પૃથ્વી પર 770 કરોડથી વધુ માનવીઓ વસવાટ કરે છે અને દરવર્ષે 13 કરોડ માનવી જન્મ લે છે એટલે કહી શકીએ કે દર એક મિનિટ 250 લોકો જન્મે છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે દરરોજ આ હિસાબથી ત્રણ લાખ પચાસ હજાર લોકો દરરોજ પોતાનો જન્મદિવસ પણ માનવતા હશે. તો એક ઉમદા વિચાર તરીકે સંપૂર્ણ માનવ પ્રજાતિ જો નક્કી કરે કે આપણે દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવવું છે તો દરરોજ 3,50,000 વૃક્ષનું વાવેતર થાય અને કદાચ આપણી પૃથ્વી છે એના કરતા પણ નજીકના સમયમાં લીલી થઇ જાય પરંતુ એક રિસર્ચ પ્રમાણે 2010 થી આજ સુધીમાં થયેલ હવાના પ્રદુષણ કે કાર્બનના ઉત્સર્જનને ઓછું કરવામાં માટે 3 ટ્રિલિયન નહિ પરંતુ 10.5 ટ્રિલિયન જેટલા વૃક્ષો જોઈએ તો એ મુજબ તો કદાચ દર એક જન્મદિવસે પણ એક વૃક્ષ વાવવું પૂરતું નથી પરંતુ હા, એક સારો પ્રયાસ તો છે બહેતર ભવિષ્ય માટેનો.

આવનારા 100 વર્ષોમાં પૃથ્વીની જનસંખ્યા 1100 કરોડથી વધુ થઇ શકે છે ત્યારે આ વૃક્ષોનું વાવેતર પણ વધી શકે છે તો કદાચ શું એવું પણ બને કે આ વૃક્ષો વાવવાની જગ્યા ખૂટી પડે? જવાબ છે નહિ. એ સમયે કદાચ વિશ્વની 70% થી વધુ આબાદી શહેરોમાં ગીચતા સાથે જીવતી હશે જેથી પૃથ્વીના વિશાળ ભૂમિભાગમાં ઘણી જગ્યા હશે જે આપણા જન્મદિવસ પર એક વૃક્ષનું વાવેતર કરવા માટે કાફી હશે. આપણે આપણા અને આપણી આગલી પેઢીના સારા ભવિષ્ય માટે વૃક્ષો વાવવાનો સંકલ્પ ઉઠાવવો જ જોઈએ અને આપણી આગલી પેઢીને પણ શીખવાડવો જોઈએ જેથી આ માનવ સભ્યતા અકુદરતી રીતે મહાવિનાશ ના નોતરી બેસે.


Video Source: 
क्या हो अगर - What If Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice