by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
આજે આપણા ગુજરાતમાં જ નહિ પરંતુ ભારતના કોઈપણ ખૂણામાં
મહેમાન બનીને જશો એટલે તમારી મહેમાનગતીના સ્વરૂપે તમને ચા-પાણી માટે જ પૂછવામાં
આવશે. ચાની ચુસ્કી આપણા સૌના જીવનમાં એવી રંગાઈ ગઈ છે કે,
ભારતના કોઈપણ ઘરની અંદર તમે જશો ત્યારે વિસ્તાર મુજબ તમને ખાવા-પીવાની કે મિર્ચ
મસાલાની વિવિધતા જોવા મળી શકે છે પરંતુ ચાની ભૂક્કી તો આખા ભારતમાં એક સમાન જ જોઈ
શકાય છે અને તેનો સ્વાદ પણ એક સમાન જ હોઈ છે. એક સર્વે મુજબ ચા વિના 30%
ભારતવાસીઓની તો સવાર પણ નથી થતી અને દિવસમાં એકથી વધુ વખત ચા પીવાવાળા પણ 20% થી
ઉપર લોકો છે. એ મુજબ જોઈએ તો ચા એ ભારતનું રાષ્ટ્રીય પીણું
પણ કહી શકાય.
ભારત આજે વિશ્વનો સૌથી વધુ ચાનો ઉત્પાદન કરતો દેશ છે પરંતુ જોવાની વાત તો એ છે કે જે ઉત્પાદન આપણે કરીએ છીએ તેમાંથી 70% ચા તો આપણે પોતે જ વાપરી નાખીએ છીએ. આજે એક સ્ટાન્ડર્ડ કંપનીની ચાની કિંમત 400 રૂપિયા કે તેની આસપાસ હોઈ શકે છે ત્યારે ભારતની "મનોહરી ગોલ્ડ ટી", જે આસામના દિબ્રુગઢ વિસ્તારના મનોહરી ટી એસ્ટેટ ખાતે ઉગે છે તેની અંદાજિત કિંમત 75,000 રૂપિયા પ્રતિ કિલો છે. એજ રીતે દાર્જિલિંગની પણ ઘણી પ્રકારની ચા આજે 20,000 થી લઇ 50,000 ની કિંમત સુધી વેચાતી હોઈ છે. એક સામાન્ય માણસની ચા થી લઇ અબજોપતિ જ પી શકે તેવી ચા નો પણ એક અલાયદો ઇતિહાસ છે.
ચા 100-150 વર્ષ નહિ પરંતુ હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. ભારતમાં ચાનો ઇતિહાસ 2000 વર્ષથી પણ જૂનો છે. કહેવાય છે કે ભારતના કોઈ બૌદ્ધ ભિક્ષુકે પોતાની તપશ્ચર્યા વખતે અખંડતા જાળવી રાખવા જંગલથી કોઈ વનસ્પતિના પાન તોડી ચાવ્યા હતા અને ત્યારબાદ તેમને જયારે પણ ઊંઘ કે આળસ આવતી ત્યારે એજ પાંદડાનું સેવન કરી 7 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી અને ત્યારબાદ આવી વનસ્પતિના ઉકાળા આપણા પૂર્વજો વર્ષોથી આયુર્વેદિક ઉપચાર તરીકે અને દવા તરીકે કરતા આવ્યા છે. એક થિયરી મુજબ એવું પણ કહેવાય છે કે ચાનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. ચીનના એક એમ્પરર શેન નંગની પાસે એક ઉકળતા પાણીમાં કોઈ જંગલી વનસ્પતિના પાંદડા પડ્યા અને તેના દ્વારા આસપાસ એક મધુર સુગંધ આવી ત્યારથી એ વનસ્પતિને પીણાં તરીકે વાપરવા લાગ્યા. મઝેદાર વાતતો એ છે કે વિશ્વની સૌથી મોંઘી ચા પણ ચીનની જ છે. "દા હોંગ પાઓ ટી" કે જે ચીનના વુયી પર્વત પર ઉગે છે તેની એક કીટલીની કિંમત 7.3 લાખ રૂપિયા જેટલી છે. આજે જેને ચાની શોધ કરતો દેશ મનાય છે તેના કરતા પણ વધુ ચાનું ઉત્પાદન ભારત દેશમાં થાય છે.
ભારતમાં ચાનો ઇતિહાસ પણ ઘણો જૂનો હોઈ શકે છે પરંતુ ઐતિહાસિક પુરાવાને અભાવે આજે ભારતમાં ચા માટેનો શ્રેય બ્રટિશરોને જ આપવો રહ્યો. કહેવાય છે કે બ્રિટિશરો દ્વારા ચીનમાં ઘણી વખત ચા નો સ્વાદ લીધા બાદ તેમને આ સ્વાદ દાઢે ચોંટી ગયો હતો અને તેમના દ્વારા આ ચા ને ભારતમાં લાવવામાં આવી હતી. આ ચાને ઉગાડવા તથા પ્રોસેસ કરવા પણ તેમણે ઘણી જહેમત ઉઠાવી છે પરંતુ હકીકતથી ભારતના આસામી ક્ષેત્રમાં લોકો કોઈ જંગલી વનસ્પતિને ઉકાળી કાળા રંગનો કાવો પીતા હતા અને અંગ્રેજોને એ ધ્યાનમાં આવતા તેને એ વનસ્પતિનું બગીચામાં ઉછેર કરાવ્યું હતું. એ સાથે તેમણે ચીનથી બીજા ચીની ચાના બીજો મંગાવી આસામી જંગલી ચા સાથે મેળવી ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં મોટા પાયે ચા નો ઉછેર કરાવ્યો હતો તેમજ ચીનથી ચાને તૈયાર કરવાવાળા વ્યક્તિને બોલાવી ઉમદા ગુણવતાની ચા બનાવવાનું શરુ કર્યું હતું.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ટી બોર્ડ મુજબ, ભારતમાં જોવા મળતી ચાની જાતો દાર્જિલિંગ, આસામ, નીલગીરી, કાંગડા, મુન્નાર, દૂઅર્સ-તરાઈ, મસાલા ચા અને સિક્કિમ ચા છે. જો કે વિશ્વમાં 3000 થી વધુ પ્રકારની ચા મળતી અને પીવાતી હોઈ છે. આજે દુનિયામાં પાણી પછી સૌથી વધુ પીવાતું કોઈ પીણું હોઈ તો એ ચા છે જેમાંથી માત્ર ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જ છે જે દૂધની ચા પીવે છે બાકી સંપૂર્ણ વિશ્વમાં ચા ને એક ઉકાળાની જેમ પીવાય છે.
આજે ચા એક પીણું કરતા વધુ મેડિકેટિવ ઉપયોગી વસ્તુ બની ગઈ છે. સંપૂર્ણ વિશ્વ આજે ગ્રીન ટી અને તેના એક્સ્ટ્રેકને કેપ્સુલ ફોર્મમાં લેવા લાગ્યા છે જે દુનિયાની સૌથી સારી એન્ટી ઓક્સીડંટ સાબિત થઇ રહી છે. ઘણી બીમારીઓમાં આ દવા ખુબ કારગર હોવાથી ભારતીય પીણું આજે એક દવા પણ બની ગયું છે. એજ રીતે ઘણી બીજી ચાની વેરાયટી અને તેનાથી બનતા ઉકાળાનો ઉપયોગ અનેક બીમારીમાં થઇ શકે છે. જો કે ચા માટે ભારતીયોનો પ્રેમ લગાવનાર અંગ્રેજો આજે આપણી ચાને યુરોના ભાવે ખરીદી આપણી ઈકોનોમી વધારી રહ્યા છે ત્યારે સવાર બપોર અને સાંજે ફરજીયાત ચાની ચુસ્કી લેનાર વર્ગ ભારતમાં જ 70% વપરાશ પૂરો કરી રહ્યા છે. તો હવે મારો પણ ચા ની ચુસ્કી લેવાનો સમય થઇ ગયો છે એટલે એ ચા પીતા પીતા વિચારવાનું રહ્યું કે આ ચા ક્યા રાજ્યના બગીચાની હશે, દાર્જિલિંગની કે આસામની ??
Video Source: Historic Hindi (YouTube Channel)
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment