by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે કોઈ ગર્ભશ્રીમંત વ્યક્તિ કે પરિવાર કોઈ કારણોસર રસ્તા પર આવી જાય અથવા એટલા ગરીબ બની જાય કે ઘરમાં ખાવાના પણ પૈસા ન રહે. આવી વાતો માત્ર કોઈ વ્યક્તિ કે પરિવાર પૂરતી નહિ પરંતુ એક દેશને પણ લાગુ પડે છે. આપણે આજે વાત કરવાના છીએ દક્ષિણ અમેરિકા ખંડના એક દેશ વેનેઝુએલા વિષે. વેનેઝુએલા દેશ પાસે વિશ્વનું સૌથી વધુ ક્રૂડ ઓઈલ છે અને તે એક સમયે આ કારણે જ અતિ ધનવાન દેશ હતો પરંતુ આજે આ દેશ તેમની ઘણી ખોટી નીતિઓ અને બીજા કારણોસર અતિ ગરીબ દેશોની યાદીમાં આવી ગયો છે.
વેનેઝુએલા દેશ દક્ષિણ અમેરિકાના ઉતરી ભાગનો સમુદ્ર તટીય પ્રદેશનો દેશ છે જ્યાં તેની સરહદમાં ઘણા ટાપુઓ પણ છે. વેનેઝુએલા દેશની વસ્તી અંદાજિત 2.80 કરોડ છે જયારે 9 લાખ વર્ગ કી.મી. કરતા પણ વધુ જમીન આ દેશ ધરાવે છે. આજના સમયમાં જેને પ્રવાહી સોનુ કહેવાય તેવા ક્રૂડ ઓઇલનો સૌથી મોટો રિઝર્વ દેશ છે ત્યારે પ્રશ્ન એ થાય કે આ દેશ કરતા પણ ઓછું ક્રૂડ ઓઇલ ધરાવતા ખાડી દેશો માત્ર ક્રૂડ ઓઇલના કારણે જ આટલા અમીર દેશો બની રહ્યા અને આજે ઓઇલ સિવાય બીજી ઘણીબધી રીતે તેઓ પૈસા પણ કમાઈ રહ્યા છે ત્યારે વેનેઝુએલા દેશથી એવી તો શું ભૂલ થઇ હશે કે આ દેશમાંથી લોકો આજુ-બાજુના બીજા દેશોમાં હિજરત કરી રહ્યા છે તેમજ ખાવા માટે પણ ફાંફા મારી રહ્યા છે?
વાત છે 1980ની જ્યાં સુધી વેનેઝુએલા દેશ એક ગર્ભશ્રીમંત દેશ હતો ત્યારે ક્રૂડના ઉત્પાદન દ્વારા દેશનો દરેક નાગરિક તેમજ સરકાર આર્થિક વર્ચસ્વમાં હતી અને તે દક્ષિણ અમેરિકાનો સૌથી અમીર દેશ પણ હતો. 1980 માં જયારે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચે જવા લાગ્યા ત્યારે આ દેશની જીડીપી ખુબ જલ્દીથી નીચે આવવા લાગી અને એ સમયે સરકાર દ્વારા પણ આ કટોકટીની સમસ્યાનો મૂળ શોધવા કે સુધારવા માટે નક્કોર પગલાં લેવાને બદલે વોટ બેન્ક ખાતીર લોકોને વધુ મુફ્ત સેવાઓ અને સબસીડી દેવાનું શરુ કર્યું જે તેમની જનતાને એક ખોટી આદત લગાવવા જેવું બન્યું. આ બાદની સરકાર વખતે એટલે કે 1995 આસપાસ ક્રૂડના ભાવ ફરીથી વધતા દેશની ઈકોનોમી ઊંચી તો આવી પરંતુ સરકારી નીતિઓમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યા. દેશ અને તેની સરકાર પણ તેમની કરેલી ભૂલોમાંથી કઈ શીખ્યા નહિ અને તેમણે દેશની ઈકોનોમી માત્ર ક્રૂડ ઓઇલને નિર્ભર જ રાખી. આ સાથે દેશના નાગરિકોને લલચાવા વિવિધ ચીજ વસ્તુઓ અને સેવાઓ ફ્રી આપવાની સ્કીમોમાં દેશનો ખુબ જાજો પૈસો વાપરી નાખ્યો અને એની સામે પૈસા કમાવવા માટે કોઈ બીજા સ્ત્રોત ઉભા ન કર્યા. ઉપરથી દેશની કંપનીઓ કે જે દવાઓ, કેમિકલ્સ, ખાવાની વસ્તુઓ અને અન્ય જરૂરી વસ્તુઓ બનાવતી તેમના માર્જિન કટ કરી તેઓ બિઝનેસ ના કરી શકે તેવા ભાવોના નિયંત્રણ હેઠળ લાવી દીધા જેથી આ કંપનીઓ બન્ધ થઇ ગઈ અને છેવટે આ બધીજ વસ્તુઓની માંગ પુરી કરવા વિદેશોથી આયાત કરવી પડતી.
આજસુધીની સરકાર અને તેમના મંત્રી મંડળે એટલું કર્જ દેશ માથે ચડાવી દીધું છે કે આજે દેશ સાવ પાયમાલ થઇ ગયો છે. એક સમયે જીડીપીમાં એકથી દસમા આવતો દેશ આજે 134 માં સ્થાન પર આવી ચુક્યો છે અને હજુ પણ દેશની ઈકોનોમી દિવસે અને દિવસે ખરાબ જ થઇ રહી છે. સરકાર દ્વારા સારા અને સાચા સમયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવા રિસોર્સ, વિકાસ નીતિઓ અને ધંધા રોજગાર પર ધ્યાન આપ્યું હોત તો આજે કદાચ આ દેશની હાલત આવી ન બની હોત. આજે કદાચ ભારતના 25 રૂપિયાનું મૂલ્ય તેમની કરન્સીમાં એક લાખથી વધુ થાય છે અને એ દેશનું ઈન્ફ્લેશન આજે એક લાખ કરતા પણ વધુ છે જે ભારતમાં માત્ર 6% જ છે.
ભારતમાં પણ વિવિધ પાર્ટીઓ દ્વારા મફત અનાજ, વીજળી, પાણી, સ્કીમો, સબસીડી અને અનામતની લોભામણી લાલચ વોટ બેન્ક માટે અપાય છે જે ખરેખર લોકોને ભીખ આપી પરાધીન બનાવવા જેવું જ એક કૃત્ય કહી શકાય. આજે દેશનો પૈસો સ્વાધીન, આત્મનિર્ભર અને ભવિષ્યના વિચાર સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રી-ડેવલોપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ જેવી જગ્યાએ વપરાય અને સાથે પાયાની જરૂરતો માત્ર મફત અપાય એ જરૂરી છે. આજે વિશ્વના ઘણા વિકસિત દેશો માત્ર મેડિકલ અને શિક્ષણ મફત આપે છે ત્યારે 30 થી 40% જેવો કર પણ જનતા પાસેથી લે છે. મફત આપવું કે લેવું સમસ્યાનો ઉકેલ નહિ પરંતુ ભવિષ્યમાં વધુ સમસ્યા ઉભો કરનારો નિર્ણય છે તે આપણે વેનેઝુએલા દેશના દ્રષ્ટાંત પરથી શીખવું જોઈએ.
Video Source: Interesting Top 10s in Hindi (YouTube Channel)
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment