અપશુકન ગણાતી અને શરદીની શરૂઆત કરતી "છીંક" પાછળનું મોટું વિજ્ઞાન | The big science behind "sneezing" which is considered ominous and starts a cold

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

કોરોનાની મહામારીમાં વિશ્વભરના લોકો પોતાની સેહદને લઇને ખુબ ગંભીર થઇ ગયા છે અને એટલા બધા જાગૃત પણ થઇ ગયા છે કે કોઈ આસપાસ છીંક ખાઈ તો પણ પોતાનું માસ્ક ચડાવી લે છે. સામાન્ય રીતે શરદીની શરૂઆત છીંકથી થતી હોઈ છે અને વારંવાર છીંક આવવાના કારણે ગળું બળવા લાગે છે તેમજ નાકમાં મીઠી ખંજવાળ અને પાણી વહેવાનું શરુ થઇ જાય છે. કોરોના હોઈ કે શરદી-તાવ વાળા વાયરલ રોગ, છીંક સામાન્ય લક્ષણ જ છે. દુનિયાનો કોઈપણ વ્યક્તિ આ છીંકથી વંચિત નહિ હોઈ એ પાકું છે ત્યારે શું તમે જાણો છો કે આ છીંક આવવાનું કારણ શું છે? અને આ નાનકડી લાગતી છીંકનો પણ અજાણ્યો ઇતિહાસ, માન્યતા અને લાક્ષણિકતાની ચર્ચા જોઈએ આજના લેખમાં.

છીંક શું છે અને એ શા માટે આવે છે?

છીંક આપણા શરીરની એવી ઓટોમેટિક પ્રક્રિયા છે જેમાં એક પ્રચંડ ઝડપથી ફેફસાની હવા નાક અથવા મોઢા દ્વારા બહાર નીકળે છે. આ હવા નાકની નાની નળીઓ અને નાના કાણાઓથી 150 કી.મી. પ્રતિ કલાક કે તેનાથી પણ વધુ ઝડપે નીકળતી હોવાથી મોટો અવાજ પણ આવે છે જેનાથી આજુબાજુના લોકો પણ પરેશાન થઇ જાય છે અને દૂર ખસી જાય છે. એક રિસર્ચ મુજબ એક વખત આવેલી છીંકમાં 40,000 થી વધુ બૂંદો હોઈ છે જે આસપાસના વાતાવરણમાં આપણા દ્વારા ઠાલવામાં આવે છે. 

સામાન્ય રીતે છીંક ત્યારે આવે છે જયારે નાકની અંદરની દીવાલ પર કોઈ બહારની વસ્તુ ખુજલી કરતી ગઈ હોઈ અને એ પરિસ્થિતિમાં નાક આ સંદેશો મગજ સુધી પહોંચાડતા દિમાગ શરીરની ઘણી માંશ પેશીને આદેશ કરે છે કે એ બહારની વસ્તુને બહાર કાઢવામાં આવે. છીંકની સંપૂર્ણ ક્રિયામાં છાતીના સ્નાયુઓ, ડાયાફ્રેમ, પેટનો ભાગ, વોકલ કોર્ડ, આંખો અને તમારા ગળાના પાછળના સ્નાયુઓનો સૌથી મોટો રોલ હોઈ છે. જયારે આપણને શરદીની શરૂઆત થાય છે ત્યારે નાકની દીવાલ પર વાયરલ એટેકના કારણે થોડી સુજન થઇ ગઈ હોઈ છે જેને કારણે મીઠી ખંજવાળ આવવા લાગે છે જેને નાક બહારનો સભ્ય ગણતા મગજ દ્વારા બહાર કાઢવાનો સિગ્નલ આપતો રહે છે. છીંક વિશેની સૌથી મઝેદાર વાત એ છે કે તે આપણે સુતા હોઈએ ત્યારે ક્યારેય આવતી નથી કેમકે ત્યારે નાકના ચેતાતંતુઓ પણ સુતા હોઈ છે અને તે મગજને છીંક લાવવાના કોઈપણ સિગ્નલ મોકલાવી શકતા નથી.

છીંક આવવાની અન્ય શક્યતાઓ પણ હોઈ છે જેમ કે ઘણા લોકોને અચાનક તડકામાં આવતા છીંક આવે છે તો ઘણા લોકોને અચાનક ઠંડુ કે ગરમ વાતાવરણને કારણે પણ છીંક આવવા લાગે છે. ઘણા લોકોને ભરેલું પેટ થવાથી તો ઘણા લોકોને વિવિધ એલર્જીને કારણે પણ છીંક આવે છે પરંતુ સામાન્ય રીતે દરેક લોકોને આવનારી છીંક એ વાયરલ એટેક અને ધૂળના નાના કણો નાક વાટે જવાથી જ આ છીંકની પ્રક્રિયા થતી હોઈ છે.

છીંકની લાક્ષણિકતાઓ

સામાન્ય રીતે છીંક દ્વારા આપણા શરીરની અંદર રહેલું પાણી, લાળ, પાતળો કે જાડો કફ, વાયરલ કીટાણુઓ 2-3 ફૂટ સુધી હવામાં 40,000 થી વધુ ડ્રોપલેટમાં ફેલાઈ શકે છે જેને નીચેના પિક્ચરમાં પણ જોઈ શકાય છે. કોરોના મહામારીના સમયમાં આ છીંકથી વાયરસને ફેલાતો રોકવા માસ્કનો ઉપયોગ તથા કેવી રીતે છીંક ખાવી તે શીખવવામાં આવતું હતું તેનું કારણ પણ એજ છે કે ઘણી વખત વધુ જોરથી આવેલી છીંક માત્ર 2-3 ફૂટ નહિ પરંતુ 20 ફૂટ સુધી ફેલાઈ શકે છે. છીંક સમયે નીકળેલા ડ્રોપલેટની સાઈઝ 5 માઇક્રોન જેટલી હોઈ છે જેથી તે હવામાં ભળી આસપાસના વ્યક્તિના શ્વાછોશ્વાસમાં પણ જઈ શકે છે. 

છીંકને લાગતો અજીબોગરીબ ઇતિહાસ અને માન્યતાઓ

ભારતમાં અને અનેક દેશોમાં અપશુકનિયાળ ગણાતી છીંકનો પણ એક વિચિત્ર ઇતિહાસ છે. પ્રાચીન ગ્રીસમાં, છીંક એ દેવતાઓ તરફથી ભવિષ્યવાણીના સંકેતો હોવાનું માનવામાં આવતું હતું. 2500 વર્ષ પહેલા એક યુદ્ધના સમયે સિપાહીઓને લડાઈ પહેલા અપાતા ભાષણના અંતમાં તેના સેનાપતિને છીંક આવી હતી અને સૈનિકોને આ ભગવાન દ્વારા શુભસંકેત અપાયા હોવાનું મનાયું હતું. આજે પણ યુરોપના ઘણા ભાગોમાં છીંક આવવાને શુભ સંકેત તરીકે જ જોવામાં આવે છે. પૂર્વીય એશિયાના અમુક ભાગોમાં, ખાસ કરીને ચાઈનીઝ સંસ્કૃતિ, કોરિયન સંસ્કૃતિ, જાપાનીઝ સંસ્કૃતિ અને વિયેતનામીસ સંસ્કૃતિમાં, કોઈ સ્પષ્ટ કારણ વગરની છીંક સામાન્ય રીતે એ સંકેત તરીકે માનવામાં આવતી હતી કે તે જ ક્ષણે કોઈ વ્યક્તિ છીંકનાર વિશે વાત કરી રહ્યું હતું. પૂર્વીય એશિયાના અમુક ભાગોમાં, ખાસ કરીને ચાઈનીઝ સંસ્કૃતિ, કોરિયન સંસ્કૃતિ, જાપાનીઝ સંસ્કૃતિ અને વિયેતનામીસ સંસ્કૃતિમાં, કોઈ સ્પષ્ટ કારણ વગરની છીંક સામાન્ય રીતે એ સંકેત તરીકે માનવામાં આવતી હતી કે તે જ ક્ષણે કોઈ વ્યક્તિ છીંકનાર વિશે વાત કરી રહ્યું હતું જેમ આપણા દેશમાં હિચકી આવવાને માનવામાં આવે છે. 

આપણા દેશમાં તથા અન્ય ઘણા એશિયાયી દેશોમાં કોઈ સારા કામની શરૂઆતમાં છીંક આવવાને અશુભ માનવામાં આવે છે અને આવું થવા પર એ કામને થોડા સમય માટે અટકાવી દેવામાં પણ આવે છે. ભારતમાં તથા ઘણા મુસ્લિમ દેશોમાં છીંક આવ્યા બાદ લોકો પોટ-પોતાના ભગવાનનું નામ લઇ યાદ કરવાનો પણ રિવાઝ હોઈ છે.

છીંકને આવતા કેવી રીતે અટકાવી શકાય?

છીંક એ શરીરની ઓટોમેટિક પ્રોસેસ છે જેને અટકાવું થોડું મુશ્કેલ તો છે પણ અશક્ય નહિ. છીંકને ઘણી રીતે અટકાવી શકાય છે જેમકે તમને જો તમારી એલર્જી ખબર હોઈ જેમકે (ઊડતી ધૂળ, રજકણો, મસાલા, સિમેન્ટ, કોલસાની રજ, લાકડાની રજ, કલર કે કેમિકલ, પરફ્યુમ, અમુક ધાતુઓની વાસ, વિવિધ પોલેન, પ્રાણીઓના વાળ કે ફર) તેનાથી દૂર રહેવું અથવા જોતા સાથે જ માસ્ક પહેરી લેવું જોઈએ.

છીંક આવવાની લાગતાંની સાથે જો વ્યક્તિ પોતાની જીભ તાળવે ફેરવવા લાગે તો ઘણી વખત છીંક અટકી જાય છે તેમજ નાકને આંગળીથી ચીપટી ભરી બંધ કરી દો અથવા ગળાને ડોકું દબાવી બંધ કરી દેવાથી છીંક આવતી અટકી જતી હોઈ છે. સામાન્ય રીતે એક છીંક ખાધા બાદ શ્વાસ થોડો સમય રોકી રાખો કે નાકની જગ્યાએ મોઢેથી શ્વાસ લેવાથી પણ વારંવાર છીંક આવતી અટકે છે.

ઘણી વખત અજીબોગરીબ શબ્દો બોલવાથી પણ છીંક અટકી જાય છે જેમ કે "પિકલ્સ"

ઘણા લોકોને ખોરાકના મોટા ટુકડા લેતાની સાથે જ છીંક આવતી હોઈ એમણે નાના ટુકડા સાથે ખાવાની શરૂઆત કરવી જોઈએ.

ઘણા લોકોને સૂર્યપ્રકાશમાં આવતાની સાથે જ છીંક આવતી હોઈ તો તેને સીધા સૂર્ય કિરણોમાં નીકળતી વખતે ધ્યાન રાખવું જોઈએ.

મોં બંધ રાખીને છીંક ખાવાથી નાકમાંથી લાળ બહાર નીકળી જાય છે પરંતુ તેની ભલામણ કરવામાં આવતી નથી કારણ કે તે માથામાં ખૂબ જ વધારે દબાણ બનાવે છે અને તે સંભવિત રીતે હાનિકારક છે, છીંકને સંપૂર્ણપણે અવરોધિત કરવી તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

છીંકવાની સલામત રીત

જ્યારે તમે ખાંસી અથવા છીંક કરો ત્યારે તમારા મોં અને નાકને ટિશ્યુ કે રૂમાલથી ઢાંકો. યાદ રાખો એ ટીસ્યુ કે રૂમાલને એકજ વખત વાપરો અથવા બીજાના સંપર્કમાં ન આવે એનું ધ્યાન રાખો. જો રૂમાલ કે ટીસ્યુ પાસે ના હોઈ તો કોણીને મોં તરફ વાળી, મોં નીચું કરી છીંક ખાઓ જેથી તમારા હાથ પર કીટાણુ કે વાયરસના ચોંટે અને આગળ ફેલાતા અટકી શકે.

 

 

 

Video Source: What IF Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

બસ અને ટ્રક નિર્માતા કંપની "અશોક લેલેન્ડ" કે જે ગણાય છે ભારતના રસ્તાનો રાજા | Ashok Leyland, a bus and truck manufacturer, is considered the king of India's roads

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

બસ અને ટ્રક કે જે હેવી મોટર વેહિકલ ગણાતા હોઈ છે જે દેશ વિદેશમાં દરેક સ્થળો અને જગ્યાઓ માટે ટ્રાન્સપોર્ટેશનનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. આજે આપણા ઘરમાં આવતી કોઈ પણ વસ્તુ તેની મેન્યુફેક્ચરિંગ કંપનીથી આપણા ઘર સુધી પહોંચતા કેટલી બધી રીતે ટ્રાવેલ કરીને આવતી હોઈ છે પરંતુ મોટા પ્રમાણમાં જયારે તે કંપનીથી આપણા રાજ્ય અને આપણા શહેર સુધી તો મોટા ટ્રક દ્વારા જ પહોંચાડવામાં આવતી હોઈ છે. ભારતના રસ્તાઓ પર દેખાતા આ ટ્રકોમાં 35% થી વધુ ટ્રક માત્ર એકજ કંપનીના દ્રશ્યમાન થાય છે એ છે "અશોક લેલન્ડ"

કંપનીની શરૂઆત અને તેનો ઇતિહાસ

ભારતમાં જ બનતા અને ભારતીય કંપની દ્વારા જ બનાવામાં આવતા ટ્રકો, બસો, કન્સ્ટ્રક્શન ઇકવીપમેન્ટ્સ એન્ડ ઓટોમોબાઇલ્સ તેમજ અન્ય ઘણા સ્પેશિયલ કોમર્શિયલ વાહનો માટે આજે અશોક લેલન્ડ ભારતની ટાટા બાદ બીજી સૌથી મોટી કંપની છે. આ કંપનીની શરૂઆત 7 સપ્ટેમ્બર 1948 ના રોજ પંજાબના એક ફ્રીડમ ફાઈટર રઘુનંદન સરન દ્વારા થઇ હતી. તેમના પુત્રના નામથી તેમણે અશોક મોટર્સની સ્થાપના કરી હતી અને કંપની તેના શરૂઆતી સમયમાં ગાડીઓનું ઉત્પાદન કરતી હતી. ભારતમાં ઓટોમોબાઇલ બિઝનેસ હજુ પાપા પગલી કરતો હતો તેવામાં રઘુનંદન સરન દ્વારા ચેન્નાઇમાં તેમનો ઔદ્યોગિક એકમ સ્થાપ્યો હતો જેમાં ત્યાંની રાજ્ય સરકારનો ઘણો ટેકો તેમને મળ્યો હતો. ઇંગ્લેન્ડથી ઓસ્ટિન કમ્પનીના પાર્ટ્સ ઈમ્પોર્ટ કરી તેઓએ ગાડી એસેમ્બલ કરી વેચવાનું શરુ કર્યું હતું પરંતુ આઝાદ ભારતના નવનિર્માણ માટે ટ્રાન્સપોર્ટેશનની મોટી જરૂરતને સમજતા ટ્રક અને બસનું મેન્યુફેક્ચરિંગ કરવાનું બીડું રઘુનંદજીએ ઉઠાવી લીધું હતું. તેમને ફોરેનની કમ્પની લેલેન્ડ સાથે હાથ મિલાવી ભારતમાં પણ સ્વદેશી મોટા વાહનો બનાવવાની ઈચ્છા હતી પરંતુ એક હવાઈ દુર્ઘટનામાં તેમનું મોત નિપજતા તેમનું સ્વપ્ન તેમની કમ્પનીના બીજા શેર હોલ્ડરો અને રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.

ભારતમાં અશોક લેલેન્ડ કંપનીનો વ્યાપ

છેલ્લા 60-70 વર્ષોમાં અશોક લેલેન્ડ કમ્પની દ્વારા કરોડોની સંખ્યામાં ટ્રક, બસ, કન્સ્ટ્રક્શન ટ્રાન્સપોર્ટેશન વાહનો તથા સ્પેશિયલ પર્પઝ વાહનો બનાવવામાં આવ્યા છે જે ગત વર્ષોમાં ભારતની સૌથી મોટી અને સૌથી વધુ કોમર્શિયલ વાહનો બનાવતી કંપની તરીકે પ્રસ્થાપિત હતી અને હજુ પણ ભારતની બીજી સૌથી મોટી તથા વિશ્વની 3 સૌથી મોટી ટ્રક બનાવતી કંપની છે અને 10મી સૌથી મોટી બસ બનાવતી કંપની છે. ભારત સરકાર તથા અનેકો રાજ્ય સરકાર તેમના અંગત રાજકીય ટ્રાન્સપોર્ટેશન વિભાગમાં હજારોની સંખ્યામાં બસો ચલાવે છે તેમજ ભારતીય સેના ઘણા હેવી ટ્રક્સ અને સ્પેશિયલ ટ્રક્સ અશોક લેલેન્ડના જ વાપરે છે. 

અશોક લેલેન્ડ કંપનીની ખાસિયતો અને વિદેશમાં વેપાર

અશોક મોટર્સ 1955 બાદ જયારે વિદેશી કંપની લેલેન્ડ સાથે જોડાઈ ત્યારબાદથી માત્ર કોમર્શિયલ વાહનો પર જ આ કંપની દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેમજ વિવિધ ટેક્નોલોજીમાં પણ આ કંપની દ્વારા જરૂરી સુધારાઓ અને મોડિફિકેશન આપવામાં આવતું રહ્યું છે. એન્જીનની સારી ક્ષમતા, ટકાઉપણું તેમજ વિવિધ પાર્ટ્સની આસાન સપ્લાઈને કારણે અશોક લેલેન્ડ આજે દુનિયાભરમાં ખુબ પ્રચલિત થઇ ગયું છે. ભારત સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં તેનું સૌથી મોટું વેચાણ કરે છે તેમજ મધ્ય એશિયાયી દેશમાં પણ વર્ષે ચારથી પાંચ હજાર જેટલા યુનિટ્સનું વેચાણ કરે છે. યુએઈમાં કમ્પની તેના બસ એસેમ્બલી વિભાગો ધરાવે છે અને ત્યાં અનેક બસ મોડલ્સ પણ વેંચી રહી છે. 

અશોક લેલેન્ડ કંપનીની વિશાળ રેન્જ

અશોક લેલેન્ડ સમયની સાથે ચાલતા ઘણી પ્રકારના ટ્રાન્સપોર્ટેશન વેહીકલ્સ બનાવી રહી છે અને માર્કેટમાં ખુબ સફળતાથી વેચી પણ રહી છે. બસ સિંગમેન્ટમાં પ્રાઇવેટ બસ, સ્કૂલ બસ, સ્પેશિયલ બસ, CNG બસ તથા ઇલેક્ટ્રિકલ બસના ઉત્પાદનમાં અશોક લેલેન્ડ આજે પણ દેશમાં મોખરે છે. એક સમયે મેટ્રો શહેરોમાં ચાલતી ડબલ ડેકર બસોની શરૂઆત પણ અશોક લેલેન્ડ કંપની દ્વારા જ કરવામાં આવી હતી. ખુબ જાણવા જેવી બાબત તો એ છે કે બસમાં પાવર સ્ટેરીંગ લાવનારી પ્રથમ કંપની પણ અશોક લેલેન્ડ જ હતી અને આજે મોડ્યુલર ટ્રક્સની રેન્જમાં આ કંપની ખુબ સારું સેલિંગ પણ કરી રહી છે.


 Video Source: Live Hindi (YouTube Channel)

 

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

દુનિયાની મોટી-મોટી કંપનીઓના સૌથી ઊંચા પદ પર ભારતીયોનો દબદબો કાયમ રાખતા "પરાગ અગ્રવાલ" | "Parag Agarwal" maintains Indian dominance in the highest positions of the world's largest companies

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

29 નવેમ્બર 2021 ના રોજ વિશ્વની એક ખ્યાતનામ કંપની Twitter ના C.E.O. જેક ડોરસે એ પોતાના પદથી રિઝાઈન આપ્યું અને જાહેરાત કરી કે પરાગ અગ્રવાલ હવેથી આપસૌના નવા સી.ઈ.ઓ. હશે જે જાહેરાતે વિશ્વભરમાં એક ચર્ચાનું વાતાવરણ ઉભું કર્યું અને થાય શા માટે નહિ? કેમકે Twitter એ સોશિયલ મીડિયાનું એક ખુબ પ્રચલિત માધ્યમ છે જેને લોકો માઇક્રોબ્લોગિંગ ટૂલ તરીકે પણ ઓળખે છે જેમાં કોઈપણ વ્યક્તિ પોતાના કોઈપણ મંતવ્યો, વિચારો, પોતાના નિર્ણયો અને વાત રજુ કરી શકે છે જેમાં આજકાલ દેશ-વિદેશના પોલિટિશ્યનો અને વિવિધ ફિલ્મી તથા ખેલ-કૂદના સિતારોતો પોતાની વાતને ઓફિશિયલ વાચા પણ આ ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી જ આપે છે. આજે આપણા દેશના વડાપ્રધાન હોઈ કે વિશ્વભરના કોઈપણ પ્રચલિત શખ્સહિયત, પોતાની ખુશી વ્યક્ત કરવાની વાત હોઈ કે દુઃખ દર્શાવાની વાત હોઈ, તેઓ તેને પોતાના ટ્વીટર હેન્ડલથી જ મેસેજ છોડી કરોડો લોકો સુધી પહોંચાડે છે.

Twitter વેબસાઈટનો ઇતિહાસ અને લેખા-જોખા

Twitter માર્ચ 2006 માં જેક ડોર્સી, નોહ ગ્લાસ, બિઝ સ્ટોન અને ઇવાન વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. Twitter નો સિમ્બોલ બ્લુ રંગના પક્ષી કે જે કલરવ કરવા માગતું હોઈ તેવો છે અને તેમાં છોડતા મેસેજો પણ પક્ષીના અવાજ "Twitt" (ટ્વીટ)ના નામથી જ ઓળખાય છે. શરૂઆતના વર્ષોમાં જે વેબસાઈટ માત્ર એક મેસેજના રૂપમાં Social Networking પૂરતી સીમિત હતી તે આજે મેસેજની સાથે ઓડિયો, વિડિઓ, ફોટોસ અને મોટા લખાણને પણ આસાનીથી ટેલિકાસ્ટ કરી શકે છે. 2006 થી 2010 સુધી દિવસની માત્ર 60,000 જ ટ્વિટ સંપૂર્ણ વિશ્વભરમાં થતી હતી તે આજે દવસભરની અબજો ટ્વીટ્સનું રૂપ લઇ ચુકી છે. આજે 40 કરોડથી પણ વધુ સક્રિય વપરાશકર્તાઓ કરોડોની સંખ્યામાં ટ્વીટ અને રીટ્વીટ દ્વારા દુનિયા હચમચાવી દે છે. 2013 માં Twitter ને દુનિયાની 10 સૌથી વધુ વિઝિટ થતી વેબસાઇટોમાં સ્થાન મળ્યું હતું જે આજે Google, YouTube અને Facebook બાદ ચોથા ક્રમ પર છે. 15 વર્ષો પહેલા માત્ર ચાર મિત્રોએ શરુ કરેલી આ કંપની આજે 5500 થી વધુ કર્મચારી અને દેશ-વિદેશમાં 25થી વધુ ઓફિસો ધરાવે છે જેની સંપૂર્ણ મિલકત 14 બિલિયન ડોલર્સ કરતા પણ વધુ છે. 

કંપનીના માલિક Jack Dorsey દ્વારા એક ભારતીયને અપાયું સર્વોચ્ચ પદ

21 માર્ચ 2006 ના રોજ ચાર મિત્રો દ્વારા અમેરિકામાં એક Microblogging વેબસાઈટ શરુ કરવામાં આવી હતી જેમાંના એક Jack Dorsey પણ છે. Jack Dorsey, Noah Glass, Biz Stone અને Evan Williams વિવિધ રીતે આ કંપની સાથે સંકળાયેલા રહી કંપનીને ઊંચી ટોંચે પહોંચાડવાનું કામ કર્યું છે જેમાં Jack Dorsey દ્વારા કંપનીના શરૂઆતી વર્ષમાં સી.ઈ.ઓ.નું પદ 2006-2008 દરમિયાન સાંભળ્યું હતું ત્યારબાદ Evan Williams 2008-2010, Dick Costolo 2010-2015, ફરીથી Jack Dorsey 2015-2021 અને હવે Parag Agrawal ને સોંપવામાં આવ્યું છે. 

પરાગ અગ્રવાલ

પરાગ અગ્રવાલનો જન્મ 21 મેં 1984 ના રોજ રાજસ્થાનના અજમેરમાં થયો હતો. નાનપણથી જ ભણવામાં હોંશિયાર એવા પરાગે પોતાના એજ્યુકેશનની શરૂઆત એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલ નમ્બર 4 થી કરી હતી. પરાગના પિતા એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટમાં સિનિયર ઓફિસર હતા તેમજ માતા એક શિક્ષિકા હતા. પરાગ અગ્રવાલે 2001 માં તુર્કી ખાતે યોજાયેલી International Physics Olympiad માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને એ પહેલા જ 2000 ની સાલમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી તરીકે JEEની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 77 (AIR) પણ પ્રાપ્ત કર્યો હતો. ખુબ સારો રેન્ક હોવાથી પરાગને I.I.T. મુંબઈ (Indian Institute of Technology, Mumbai) માં Computer Science and Engineering માં એડમિશન મળ્યું હતું. પરાગે પોતાનો Ph.D. નો અભ્યાસ અમેરિકાની Stanford યુનિવર્સીટી (સ્ટેનફોર્ડ) થી પૂર્ણ કરેલો હતો.

પરાગ અગ્રવાલની કારકિર્દી

પરાગ અગ્રવાલ જેટલા ભણવામાં હોશિયાર હતા તેટલા જ હોશિયાર તેમના કામમાં પણ હતા. 2011 માં સોફ્ટવેર એન્જીન્યર તરીકે ટ્વીટર જોઈન્ટ કર્યા પહેલા પરાગ Microsoft Research અને Yahoo! Research ખાતે પણ સારી એવી પોસ્ટ પર હતા. 2011 થી 2017 દરમિયાન Twitter એ પ્રગતિની ખુબ મોટી ઉડાન ભરી હતી જેમાં મોટો શ્રેય પરાગને મનાતો હોઈ તેમ 2017 માં પરાગ અગ્રવાલને ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે બઢતી આપવામાં આવી હતી. પરાગના કાર્ય અને તેની કુશળતા એટલી વધુ હતી કે 29 નવેમ્બર, 2021 ના રોજ ખુબ નાની ઉંમરમાં એક મોટી કંપનીના સી.ઈ.ઓ. તરીકેની જવાબદારી આ ભારતીય યુવાનને સોંપવામાં આવી છે. આ પ્રથમ વખત નથી બન્યું કે દુનિયાની મોટી-મોટી મલ્ટી નેશનલ કંપનીઓ પોતાના કંપનીના સર્વોચ્ચ પદની જવાબદારી હોશિયાર અને બાહોશ ભારતીયને સોંપી હશે પરંતુ આજે ફરીથી ઇતિહાસ દોહરાવામાં આવ્યો છે અને ફરીથી આપણા દેશના ગૌરવ સમાન ભારતીયએ આપણું નામ રોશન કર્યું છે.

શા માટે ભારતીયોને જ મોટી કંપનીઓ પોતાના CEO બનાવે છે?

માઈક્રોસોફ્ટથી લઈને પેપ્સી અને ગૂગલ તથા ખરીદી માટે વિશ્વ આખું વાપરે છે તેવા માસ્ટર-કાર્ડ્સ કંપનીઓના સી.ઈ.ઓ. અને તે કંપનીમાં કામ કરતા હજારો હોશિયાર ભારતીયોએ આજે દુનિયાભરમાં આપણું નામ ખુબ રોશન કર્યું છે. ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 30%માં તેમના CEO તરીકે ભારતીયો છે. એક અભ્યાસ મુજબ, સિલિકોન વેલી (યુ.એસ.એ.)ના તમામ એન્જિનિયરોમાંથી ત્રીજા ભાગના એન્જિનિયરો ભારતના છે અને વિશ્વની હાઇ ટેક કંપનીના 10% CEO તમામ ભારતીયો છે. જે બાબત તેમને ટોચની સૌથી મોટી મલ્ટી નેશનલ કંપનીઓના શ્રેષ્ઠ CEO બનાવે છે તે તેમની ઉત્કૃષ્ટ સંચાર અને વ્યવસ્થાપક કુશળતા, અનુકૂલનક્ષમતા અને મહેનતુ સ્વભાવ. આપણા ભારતીયોના વ્યાવસાયિક કૌશલ્યો અને નમ્ર સ્વભાવનું આ અદ્ભુત સંયોજન તેમને આવા પ્રખ્યાત હોદ્દા હાંસલ કરવામાં અને જાળવી રાખવામાં મદદ કરે છે.

પરાગ પહેલા પણ હોશિયાર ભારતીયોએ આપણા દેશનું નામ રોશન કર્યું છે.

પરાગ અગ્રવાલ 12માં એવા વ્યક્તિ છે જે વિશ્વની મોટી ટેક્નોલોજિકલ કંપનીઓના સી.ઈ.ઓ પદ પર બિરાજમાન થયેલા છે એ સિવાય પણ જો દરેક ફિલ્ડની મોટી મલ્ટી નેશનલ કંપનીઓની વાત કરીએ ત્યારે દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જીન કંપની Google ના CEO પણ એક ભારતીય છે. Sundar Pichai, CEO of Google 10 ઓગસ્ટ 2015 થી Google કંપનીના CEO છે અને મોટા ધંધામાં પણ ન કમાઈ શકાય તેટલી 20 લાખ ડોલર્સ જેટલી સેલેરી તેઓને મળે છે. ત્યારરબાદ Satya Nadella, CEO of Microsoft જેઓ પણ એક મોટી સોફ્ટવેર કંપનીના ઉચ્ચ અધિકારી છે. પેપ્સી કંપનીના સી.ઈ.ઓ. ઇન્દિરા નૂયી, Deutsche Bank ના અંશુ જૈન, Adobe Systems ના CEO શાન્તાનું નારાયણ, Diageo ના CEO ઈવાન મેનેઝીસ, Global Foundries ના સીઈઓ સંજય ઝા, MasterCard ના પ્રેસિડેન્ટ અને સીઈઓ અજયપાલ સિંહ બગ્ગા, Harman International Industries ના સીઈઓ દિનેશ પાલીવાલ, Nokia કંપનીના સીઈઓ રાજીવ સુરી અને એ સિવાય પણ સેકડો ભારતીયો આજે અનેકો કમ્પનીમાં સીઈઓ અને તેના જેવી બીજી મોટી પોસ્ટ પર બિરાજમાન છે.  

  

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice