પેન્સિલનો ઇતિહાસ | History of Pencil

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

ઐતહાસિક પિક્ચરોમાં આપણે જોયું હશે કે લોકો પહેલા લખવા માટે મોરપીંછનો અથવા બીજી કોઈ ધારદાર વસ્તુનો ઉપયોગ કરતા અને વારંવાર શાહીમાં બોળી તેને લખાણ માટે વપરાતું. પ્રાચીન સમયમાં કાળા કોલસા જેવા ખડકો કે બીજા વનસ્પતિના રંગોનો ઉપયોગ કરી આપણા પૂર્વજો પોતાના સમયની અથવા તેમના ઇતિહાસની નોંધ ભવિષ્યની પેઢી માટે કરતા હતા. એ સમયમાં પથ્થરમાં કોતરણી કામ કરી શિલાલેખો લખવાનું પણ એક ચલણ હતું જે આજે પણ ભારતભરમાં મહાન રાજા અશોકની યાદ આપાવે છે. 

છેલ્લા 500 વર્ષમાં એક એવી નિર્દોષ, નમ્ર અને સરળ શોધ થઇ જેને માનવીના અક્ષરજ્ઞાનને નવી પરિભાષામાં અંકિત કરી દીધી. આ શોધ હતી પેન્સિલની. આજે જેવી પેન્સિલ આપણે સૌ વાપરી રહ્યા છીએ એવી લાકડાના રંગીન આવરણની વચ્ચે ગ્રેફાઇટ રાખેલી પેન્સિલ તો કદાચ હજુ 100 વર્ષથી આપણી વચ્ચે આવી છે પરંતુ સૌ પહેલા પેન્સિલનો ઉદય તો 1564માં ઈંગ્લેન્ડમાં થયો હતો. આ સમય પહેલા સીસાના ઉપયોગથી વિવિધ વસ્તુઓ પર કાળા નિશાન કરવામાં આવતા હતા. 1564માં ગ્રેફાઇટની શોધ થઇ જે સીસા કરતા પણ સારી રીતે પોતાના કાળા નિશાન વસ્તુ પર છોડતી હતી. ગ્રેફાઇટ નરમ પરંતુ બરડ પદાર્થ હોવાથી માત્ર કોઈ વ્યવસ્થિત કડક આવરણમાં લપેટી તેનો ઉપયોગ લખવામાં માટે થઇ શકે એ સમજતા માનવીને વાર ન લાગી અને ઉત્પન્ન થઇ પ્રાચીન પેન્સિલ.

જર્મનીના નુરેમબર્ગ શહેરમાં વિશ્વની સૌથી પહેલા પેન્સિલને જથ્થાબંધ કે ફેક્ટરીમાં બનાવવાની શરૂઆત થઇ હતી. આજે પણ પેન્સિલની બનાવટમાં વિશ્વભરમાં પ્રખ્યાત છે એવી Faber-Castell (ફેબર કેસ્ટલ) દ્વારા પેન્સિલને 1761 માં એક નવા જ રૂપમાં ડિઝાઇન કરવામાં આવી જેની ડિઝાઇન અને દેખાવ આજની પેન્સિલની ખુબ નજીક છે. એટલે જ કદાચ આજે પેન્સિલ કંપનીની શરૂઆત કરનાર કંપની તરીકે ફેબર કેસ્ટલને જ ઇતિહાસ માન્યતા આપે છે. આ કંપની ખુબ ટૂંકા સમયમાં વિશ્વભરમાં તેની પેન્સિલ માટે ખુબ પ્રચલિત થઇ. 19મી સદીની શરૂઆતમાં બીજી ઘણી કંપનીઓ માર્કેટમાં આવી જેને પેન્સિલની માંગ અને ઉધોગને સમજતા વિશ્વભરમાં પોતાનો માલ આપવાની શરૂઆત કરી. લાયરા, સ્ટેંડલર જેવી બીજી કંપનીઓ તેની રંગબેરંગી અને પોતાના નામ છાપેલી પેન્સિલોનું પ્રોડક્શન 19મી સદીની શરૂઆતથી કરવા લાગી હતી.

ગ્રેફાઇટના ક્લે સાથે વિવિધ સંયોજનથી બનતા ગ્રેડ અને તેના પ્રકાર

18 મી સદીમાં ફ્રેન્ચ વૈજ્ઞાનિક Nicholas Jacques Conté (નિકોલસ જેક્સ) દ્વારા ગ્રેફાઇટની એક એવી પેટેન્ટ તૈયાર કરી જેને પેન્સિલ ઉદ્યોગમાં એક અલગ જ ક્રાંતિ ઉમેરી દીધી. તેમને ગ્રેફાઈટમાં ક્લેનું(માટી) સંયોજન કરી, ભઠ્ઠીમાં ગરમ કરી પકાવવાથી આજના આકાર અને રૂપની પેન્સિલ તૈયાર કરી હતી. નિકોલસની શોધ આજની વિવિધ સ્કેલની પેન્સિલ માટે જવાબદાર છે કેમ કે આજે આપણે વિવિધ પ્રકારના જે ગ્રેડની પેન્સિલો વાપરીએ છીએ એ ક્લેના સંયોજનને આભારી છે.

આપણે સામાન્ય રીતે તો એકજ પ્રકારની પેન્સિલનો ઉપયોગ કર્યો હોઈ શકે અથવા પેન્સિલ એટલે આપણે એમ માનતા હોઈએ છીએ કે પેન્સિલ તો પેન્સિલ હોઈ એમાં ગ્રેડ એટલે શું અને તે ક્યાં વપરાતા હશે? કોઈ દુકાનમાં જઈ આપણે પેન્સિલ માંગીએ તો દુકાનદાર તમને સામાન્ય રીતે HB પેન્સિલ જ આપશે કેમકે સામાન્ય કામો કે માત્ર લખવા માટે HB એટલે આછી કે ઘાટી નહિ પરંતુ રેગ્યુલર જે ગ્રેફાઇટ હોઈ એજ રૂપમાં HB ગ્રેડ રાખવામાં આવેલો હોઈ છે.

આજે આપણે 9H થી લઇ 9B સુધીના ગ્રેડની પેન્સિલ વાપરીએ છીએ જેમાં ગ્રેડ પ્રમાણેના વિવિધ ઉપયોગ આપણે પ્રમાણિત કરેલા છે. આંકડાની પાછળ લાગતા અંગ્રેજી મૂળાક્ષરો H અને B નો ચોક્કસ મતલબ હોઈ છે. H એટલે હાર્ડ અને B એટલે બ્લેકનેસ. 9H એટલે સૌથી હાર્ડ.

ગ્રેફાઇટની વિવિધ સ્કેલિંગ કે ગ્રેડિંગનો ઉપયોગ

જયારે આપણે 1H થી લઇ 9H સુધીના ગ્રેડ વાપરતા જઈએ તેમ એ પેન્સિલની લીડ વધુ કડક થતી જાય છે અને તે આછી થતી જાય છે. તેથી 9H પેન્સિલમાં સૌથી કડક અને સૌથી આછો ગ્રેડ છે. એજ રીતે B એટલે કે બ્લેકનેસ અને જેમ 1B થી લઇ 9B સુધી જઈએ તેમ પેન્સિલની લીડ પોચી અને કાળી થતી જાય છે અને 9B એટલે પેન્સિલનો સૌથી પોચો તથા ઘાટો ગ્રેડ થાય. સામાન્ય રીતે આછા ગ્રેડની પેન્સિલો, કોઈપણ ડ્રોઈંગને કરતા પહેલા તેના ડેવલોપમેન્ટ તરીકે વપરાય છે તેમજ આઉટલાઈન સ્કેચિંગ તરીકે વપરાય છે. જયારે B ગ્રેડની પેન્સિલો શેડિંગ આપવા, ટોનિંગ કરવા કે તમારા સ્કેચની બોર્ડરલાઇન ડાર્ક કરવા માટે ઉપયોગ થાય છે. F પ્રકારની પણ એક પેન્સિલનો ગ્રેડ હોઈ છે જે HB થી પહેલાનો ગ્રેડ ગણાય છે અને તે લખાણ માટે ઉપયોગ થાય છે. F નો મતલબ થાય છે ફાઈન પોઇન્ટ એટલે કે તમે ધારદાર અણીનો આકાર આપી શકાય તેવા ગ્રેડનું ગ્રેફાઇટ આ ગ્રેડમાં હોઈ છે. 

Image Courtesy: https://www.thedrawingsource.com/drawing-pencils.html

પેન્સિલની બનાવટમાં કઈ પ્રકારના લાકડાનો ઉપયોગ થાય છે?

પેન્સિલની બનાવટમાં ગ્રેફાઇટ મટિરિયલની સાથોસાથ સિડાર નામના લાકડાનો જ ઉપયોગ થાય છે કેમકે આ લાકડું પકડવા તથા છોલવા માટે ખુબ સરળ હોઈ છે. આ લાકડાની પતલી પટ્ટીઓ બનાવવા તેમજ વિવિધ આકારમાં આસાનીથી કાપવામાં કોઈ મુશ્કેલી થતી નથી. સિડાર લાકડુ આપતા વૃક્ષો મૉટે ભાગે પહાડી જંગલોમાં જ ઉગતા હોઈ છે જેથી ભારતમાં પણ હિમાલયના જંગલો જ આ વૃક્ષોના સૌથી મોટા ઉત્પત્તિ સ્થાન તરીકે છે. વિશ્વભરમાં સિડાર લાકડા માટે 13 પ્રકારના વૃક્ષોની પ્રજાતિ કામ આવે છે જેને વિવિધ પેન્સિલ બનાવતી કંપનીઓ પોતાની જ જગ્યામાં ઉગાડવાની વ્યવસ્થા કરતા હોઈ છે જેથી પર્યાવરણને તથા જંગલોને નુકશાન ન થાય.

ચારકોલ પેન્સિલ

છેલ્લા 15 વર્ષમાં પેન્સિલ ઉદ્યોગમાં એક નવી વસ્તુ જોડણી છે જેને સ્કેચ આર્ટિસ્ટ ચારકોલ પેન્સિલથી ઓળખે છે. આ પેન્સિલની શોધ 2007 માં Derwent Cumberland Pencil Company, England (ડાર્વેન્ટ કામ્બરલેન્ટ પેન્સિલ કંપની) દ્વારા થઇ હતી. 24 પેન્સિલનો સેટ તમારા બ્લેક એન્ડ વાઈટ સ્કેચને કલરફૂલ ઇમેજ જેવી ફીલિંગ કરાવી શકે છે. ઘણા સ્કેચ આર્ટિસ્ટ આજકાલ આ પેન્સિલોનો ખુબ ઉપયોગ કરી રહ્યા છે અને આ પેન્સિલ ગ્રેફાઇટ પેન્સિલની સરખામણીમાં ખુબ રિલાયેબલ પણ સાબિત થઇ રહી છે.  

પેન્સિલને લગતી અન્ય જાણવા જેવી વસ્તુ

દુનિયાનું સૌથી સારી ગુણવતાયુક્ત ગ્રેફાઇટ ચીનના સાઇબિરિયા પ્રાંતથી મળે છે. દુનિયાનો સૌથી વધુ ગ્રેફાઇટનો ભંડાર ચાઈનામાં જ ઉપલબ્ધ છે.  સન 1856 માં સૌપ્રથમ વખત ફેબર કેસ્ટલને સાઈબિરીયન ચાઇનીસ પેન્સિલ માટે ખનીજ ખોદકામ અને વેચાણ માટે મંજૂરી મળી હતી. આજે પણ પીળા કલરની પેન્સિલ જે બજારમાં ઉપલબ્ધ હોઈ છે તે જણાવે છે કે આ દુનિયાના સૌથી શ્રેષ્ઠ ગ્રેફાઇટથી બનેલી સાઇબેરીયન ચાઇનીસ પેન્સિલ છે. આજે માત્ર ફેબર કેસ્ટલ જ નહિ પરંતુ વિવિધ કંપનીઓ જયારે ચાઇનીસ ગ્રેફાઇટનો ઉપયોગ કરી પેન્સિલ બનાવે છે ત્યારે તે તેની કંપનીના નામથી પીળા રંગની જ પેન્સિલ બનાવે છે. સન 1858 માં દુનિયાની પ્રથમ પેન્સિલમાં રબ્બર જોડેલી પેન્સિલની બનાવટ આવી હતી જે ફિલાડેલ્ફિયાના હાયમેન લિપમૅન દ્વારા બનાવામાં આવી હતી. 

 

Image Courtesy: Google Images

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" એક સમયની મેગેઝીન વાર્તા | "Tarak Mehta Ka Ulta Chashma" one time magazine story

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

સામાન્ય રીતે ટીવી અને તેને જોવાની વસ્તુઓમાં દરેક વ્યક્તિની ભિન્ન ચોઈસ હોઈ છે. કોને શું જોવું ગમે તે તેમની ઊંમર, જાતિ, વ્યવસાય, શોખ અને ઈચ્છા પર આધારિત હોઈ શકે છે. નાના બાળકથી લઇ વૃદ્ધ સુધી દરેક વ્યક્તિને એકજ વસ્તુ જોવી ગમે તેવું ભાગ્યે જોવા મળે છે અને એવો ચમત્કાર આપણા ભારતમાં એક ધારાવાહિક દ્વારા બન્યો જેને આપણે છેલ્લા 13 વર્ષથી "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના સ્વરૂપે સોની સબ ચેનલ પર જોઈએ જ છીએ. 28 જુલાઈ 2008 નો એ દિવસ કે જયારે સોની સબ ચેનલ પર, સામાન્ય રીતે કોઈપણ ધારાવાહિકની શરૂઆત થાય તેવી રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પણ શરૂઆત થઇ હતી અને આજે સાડા તેર વર્ષ વીતી ચુક્યા છે અને અંદાજિત 3346 એપિસોડ ટેલિકાસ્ટ પણ થઇ ચુક્યા છે અને આ ધારાવાહિકનો જાદુ હજુ પણ નિરંતર છે. 

તારક મહેતા... સિરિયલના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી વિષે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી કે જેઓ એક ગુજરાતી છે. મોદી સરનેમ જોઈ દરેકને જાણવાની ઈચ્છા તો થાય જ કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના કોઈ ઓળખીતા કે એકજ જ્ઞાતિના તો નથી ને આ અસિતભાઈ? ખરેખર તો અસિત મોદી પણ નરેન્દ્ર મોદીજીના વતન વડનગરના જ છે અને તેમની જ જ્ઞાતિના છે પરંતુ તેમના કોઈ નજીકના સગા સબંધી નથી પરંતુ નરેન્દ્ર મોદીજી અસિત મોદીની સિરિયલના મોટા ફેન છે. અસિતજી એક એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર અને નીલા ટેલિફિલ્મ્સના ફાઉન્ડર છે. તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય બીજી 7 સિરિયલ સોની ચેનલ પર પ્રકાશિત કરી છે. અસીતજીની શરૂઆત એક રંગમંચ કલાકાર તરીકે થઇ હતી. ત્યારબાદ તેમણે ગુજરાતી સિરિયલો તથા મરાઠી સિરિયલોમાં આસિસ્ટન્ટ તરીકે ખુબ કામ કર્યું. 1995 માં તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરી તે પહેલા તેમણે ફિલ્મ લાઈનમાં ખાસું નામ કરી લીધું હતું. 

અસિતજી ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ બનાવવાનો આઈડિયા ક્યાં થી આવ્યો?

ગુજરાતની એક ખુબ પ્રચલિત સાપ્તાહિક "ચિત્રલેખા" પર હાસ્યલેખક સ્વ. તારક મહેતા પોતાની એક કોલમ લખતા જે ખુબ પ્રચલિત થઇ હતી. તારક જનુભાઈ મહેતાએ સમાજમાં બનતી વિવિધ ઘટનાઓને એક અલગ જ નજરથી જોઈ, તેમાં હાસ્યરસ ઉમેરી અનોખી છટ્ટા દ્વારા પોતાની કોલમ "દુનિયાને ઊંધા ચશ્મા" રજુ કરી હતી. આ કોલમ સમાજ માટે હાસ્યની સાથોસાથ સામાજિક સંદેશ પણ પૂરો પાડતી હતી જેથી ગંભીર પ્રશ્નો મુદ્દે પણ સહેલાયથી સમાજમાં જાગૃતતા લાવી શકાય. આ કોલમે અસિત કુમાર મોદીને ખુબ પ્રેરિત કર્યા અને તેમને ઈચ્છા થઇ કે આ કોલમને આપણે ટી.વી.ના પરદા પર લઇ જઈએ ત્યારે તેમના લેખકને શ્રેય આપતા હોઈ એમ તેમની સિરિયલનું નામ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રાખવામાં આવ્યું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શા માટે લોકોની પસંદગી બની?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને સૌથી લાંબી ભારતીય ધારાવાહિક તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે જેનું કારણ છે કે આ સિરિયલ છેલ્લા 13-14 વર્ષથી અને અંદાજિત 3400 એપિસોડથી લોકોને ખુબ મઝેદાર મનોરંજન પૂરું પાડી રહ્યું છે. આજે આ સિરિયલમાં આવતા દરેક કિરદાર સંપૂર્ણ ભારતમાં પોતાના અસલી નામની જગ્યાએ સિરિયલના નામથી ઓળખાઈ રહ્યા છે જેમ કે જેઠાલાલ, બબીતાજી, દયા, ચંપક ચાચા, પોપટલાલ, ભીડે, માધવીભાભી, તારક મહેતા, અંજલીભાભી, અય્યર, રોશન સોઢી અને રોશન ભાભી, ડો. હાથી, કોમલ ભાભી, અબ્દુલ, ટપુ, ગોગી, ગોલી, સોનુ, રીટા રિપોર્ટર, સુંદર મામા, નટુ કાકા, બાઘા, બાવરી અને હજુ તો એવા ઘણા બધા કેરેક્ટરો કે જેમના નામ તમને અડધી રાતે કોઈ પૂછે તો પણ મોઢે બોલી શકો. 

આ સિરિયલ એક છત્ર નીચે સંપૂર્ણ ભારતનું પ્રદર્શન કરે છે. મુંબઈના ગોરેગાઉ ઇસ્ટમાં આવેલી પાવડર ગલીમાં એક સોસાયટી કોમ્પ્લેક્સ છે જેનું નામ "ગોકુલધામ કોપરેટીવ હાઉસિંગ સોસાયટી" છે. વિવિધતામાં એકતા અને સાચા ભારતની ઓળખ ખરેખર આ સિરિયલમાં જ જોવા મળે છે. આ સિરિયલના દરેક કિરદાર ભારતના વિવિધ પ્રાંતોથી છે તેમજ વિવિધ ધર્મોના પણ છે. સિરિયલનું મુખ્ય પાત્ર જો ગણવામાં આવે તો એ જેઠાલાલનું છે જેને દિલીપ જોશીએ પુરા ન્યાય સાથે નિભાવ્યું છે. જેઠાલાલ એક ગુજરાતી-કચ્છી જૈન ધંધાર્થી છે જે ગડા ઈલિક્ટ્રોનિક્સ નામની દુકાન ચલાવે છે. આ સિરિયલના મોટા ભાગના એપિસોડ જેઠાલાલની જિંદગીમાં આવતી વિવિધ મુસીબતો અને તેનું સોલ્યુશન જે રીતે સંપૂર્ણ સોસાયટી અને ખાસ કરીને તેમના ફાયર બ્રિગેડ મનાતા તારક મહેતા દ્વારા કરાય છે તે હાસ્યપ્રદ હોઈ છે. 

આ સિરિયલ તેમના પ્રેરણાના સ્ત્રોત "દુનિયાને ઊંધા ચશ્મા"ની જેમ હાસ્ય સાથે સામાજિક સંદેશનું ખુબ મોટું કામ કરી રહી છે. જયારે આ સિરિયલની શરૂઆત થઇ એ સમયે સિરિયલ માત્ર જેઠાલાલનો બબીતાજી પરનો એક તરફી પ્રેમ, તેમનો એકમાત્ર પુત્ર ટપુડાના સોસાયટીના તોફાનો, પત્ની દયાના ભોળપણથી થતી જેઠાલાલને મુશ્કેલીઓ અને બાપુજીનો જેઠાલાલ પ્રત્યે નાની નાની વાતમાં ગુસ્સો કરવા છતાં જેઠાલાલનો તેમના વડીલ પ્રત્યેનો આદરભાવ અને સંસ્કારનું પ્રદર્શન આ સિરિયલમાં જોવા મળ્યું હતું. ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ એકબીજા પર આવતી મુશ્કેલીનો સામનો કરતા તેમજ સાથે રહી ફરીથી સામાન્ય જીવન જીવતા દેખાડવામાં આવે છે. આ સિરિયલના હજારોની સંખ્યામાં એપિસોડ તમે અને હું જોઈ ચુક્યા છીએ ત્યારે શરૂઆતી એપિસોડ જોઈએ ત્યારે એવું લાગે કે જાણે આપણે આપણું બાળપણ યાદ કરતા હોઈએ. જાણે આ સિરિયલના દરેક એપિસોડ આપણી પોતાની જ કહાની યાદ કરાવતા હોઈ, તેવી ફીલિંગ માત્ર આ સિરિયલ જ આપવી શકે છે. 

તારક મહેતા... સિરિયલ દ્વારા સમાજ પર પડેલી અસરો

એક દશકથી પણ વધુ ચાલેલી આ ધારાવાહિકે સમાજ પર ખુબ ઊંડી છાપ છોડી છે. આ સીરિયલમાં ભારતના દરેક ધર્મ અને પ્રદેશના તહેવારોને ખુબ આનંદથી માણતા ગોકુલધામવાસીઓને દેખાડવામાં આવ્યા છે. આ સાથે સમાજમાં અવારનવાર બનતા પ્રશ્નો, મુશ્કેલીઓ, પરેશાનીઓ, તકલીફોને સિરિયલના દરેક પાત્રો સાથે જોડી તેનો ઉકેલ સાથે રહી કેવી રીતે નીકળી શકે છે તે દર્શાવામાં આવે છે. એકવખતનું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું ગીત ખુબ સમજવા જેવું હતું.

प्रॉब्लम है ?? अंदर सॉल्यूशन है...

तारक मेहता का उल्टा चश्मा,

तारक मेहता का उल्टा चश्मा...

तारक भाई.. तारक भाई..

बच्चे खेलते हैं क्रिकेट

रोज़ खिडकियो के कांच टूट जाते हैं

आज फोडे एसी प्लेयर रिकॉर्ड तोड़ जाते हैं

खेलो बच्चो...

तारक मेहता का उल्टा चश्मा

तारक मेहता का उल्टा चश्मा।।।।

काम दिन रात कराती मेरी सास

मुझे रोज़ सताती है

ठीक से साफ कर..

क्या दिल मैं प्रेम हो तो सास

माँ बन जाति है

अच्छा बहू? सासु माँ!

प्रॉब्लम तो है सब के साथ

बस नजरिए की है बात

આ ગીતની સૌથી સમજવા જેવી કળી, જેનો અર્થ થાય છે કે....પ્રોબ્લેમ આ સમાજમાં રહેતા દરેક લોકો પાસે છે જ, પરંતુ આ પ્રોબ્લેમને કઈ રીતે આપણે જોઈએ છીએ એ ખુબ જરૂરી છે.

સિરિયલની લોકપ્રિયતા

એક સમય ભારતમાં એવો પણ હતો કે સંપૂર્ણ પરિવાર એક સાથે રાતે 8.30 એ ગોઠવાઈ જતા. પરિવારના બાળકોથી લઇ, મમ્મી-પાપા, કાકા-કાકી, દાદા-દાદી બધા માટે એક પૂર્ણ પારિવારિક મનોરંજન આ સિરિયલ પૂરું પાડે છે. બેશક આજે આ સિરિયલની TRP (ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ) પહેલા જેવી નથી રહી અને સિરિયલના ઘણા સારા અને મુખ્ય ગણી શકાય તેવા કેરેક્ટર આ સિરિયલમાં હાલ નથી રહ્યા. ડૉ. હાથી અને નટુકાકા જેવા ખુબ રસપ્રદ કેરેક્ટર આ સિરિયલમાં હતા ત્યારે જ બીમારીથી તેમનો સ્વર્ગવાસ થયો હતો. ખુબ લાંબા સમયથી ચાલતી સિરિયલમાં કિરદાર નિભાવતા કલાકારો સામાન્ય રીતે ફેરબદલી તો થતા જ હોઈ પરંતુ આ સિરિયલની ખાસિયત રહી છે કે ઘણા પરિવર્તન બાદ પણ આજસુધી આ સિરિયલનો ઉદેશ પરિવર્તન નથી થયો. આ સિરિયલની લાંબી મુસાફરીમાં તેમના એક્ટરોને સારી એક્ટિંગ માટે ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે ત્યારે અસિત મોદી તથા સાથી ટીમને પણ પ્રોડક્શન, ડિરેક્શન, સ્ટોરી માટે વિવિધ એવોર્ડ્સ મળેલા છે. એક સમયે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ક્લીન ઇન્ડિયા કેમ્પેઇનને પ્રોમોટ કરવા 9 ખાસ ટીમની પસંદગી કરવામાં આવી હતી જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સંપૂર્ણ ટીમ તેમાંની એક હતી. 2016 થી 2018 દરમિયાન આ સિરિયલ તેના સર્વોચ્ચ સ્થાન પર હતી જયારે તેની TRP અવ્વલ નંબર પર રહી છે.

Image Courtesy: Google Images

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

ભારતના વોરેન બફેટ એટલે "રાકેશ ઝુનઝુનવાલા" | India's Warren Buffett means "Rakesh Jhunjhunwala"

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

માત્ર 5000 રૂપિયાથી પોતાની કારકિર્દી શરૂ કરનાર એક ભારતીય યુવક અંદાજે 4 દશકમાં આજે 45 હજાર કરોડ રૂપિયાનો માલિક બની જાય એ વાત કદાચ ગળે ઉતરી શકે નહિ પરંતુ એને હકીકત બનાવનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ ભારતીય શેર બજારના બિગબુલ ગણાતા અને શેર બજારથી કરોડો રૂપિયા સેકંડોમાં કમાતા રાકેશ ઝુનઝુનવાલા છે. વિશ્વભરમાં અમીર વ્યક્તિઓની ગણનામાં વોરેન બફેટનું નામ ખુબ ચર્ચિત છે. વોરેન બફેટ થોડા વર્ષો પહેલા સુધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા અને આજે પણ તેઓ  દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિમાં શામેલ છે. વોરેન બફેટના બિલિયનર બનવા પાછળનો સૌથી મોટો સ્ત્રોત શેર બજાર જ રહ્યો છે. માર્કેટથી કમાયેલી મૂડીને પોતાના વિવિધ ધંધાઓમાં રોકી આજે તેઓ આ મુકામ પર પહોંચી ગયા છે. એજ રીતે રાકેશ ઝુનઝુનવાલા પણ ભારતીય બજારમાં પોતાની સૂઝ-બુઝ અને ધીરજથી હજારો કરોડ છાપ્યા છે એટલે જ તેમને ભારતીય વોરેન બફેટની ઉપાધિ પણ અપાય છે.

રાકેશ ઝુનઝુનવાલા

5 જુલાઈ 1960 ના રોજ મુંબઈના એક મારવાડી પરિવારમાં જન્મેલા રાકેશ નાનપણથી જ હિસાબી બાબતો, આંકડાઓમાં અને વ્યવહારમાં ખુબ હોશિયાર હતા. રાકેશના પિતાશ્રી એક ઈન્ક્મટેક્સ ઓફિસર હતા જેથી આંકડાની રમતો પહેલાથી જ તેમના લોહીમાં હતી. તેમના પિતાજીને શેરબઝારમાં ખુબ રસ પડતો અને તેમના મિત્રો સાથે પણ આ વિષે ઘણી ચર્ચાઓ કરતા ત્યારે નાનકડા 9 વર્ષના રાકેશ પણ આ વાતોને ખુબ રસપૂર્વક સાંભળતા. તેમને નાનપણથી જ શેર બજાર અને સ્ટોક્સના ચડાવ-ઉતારમાં રમત-ગમત જેવો આનંદ મળતો હતો અને તેમણે એજ ઉમરથી પોતાની કારકિર્દી સ્ટોક માર્કેટમાં બનાવવાનો નિર્ણય કરી લીધો હતો. રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની કારકિર્દી અંગે પોતાના મનની વાત અને પિતાની વાત, બન્નેને ન્યાય આપ્યો છે. તેમના પિતાની ઈચ્છાથી તેઓ સી.એ. પણ બન્યા અને નાનપણથી ઈચ્છા હતી એ પ્રમાણે આજે શેરબજારના બિગબુલ પણ બન્યા છે.

રાકેશ ઝુનઝુનવાલાની કારકિર્દીની શરૂઆત

રાકેશ ઝુનઝુનવાલાને જયારે શેરબજારમાં પૈસા રોકી ધંધો કરવાની ઈચ્છા થઇ હતી ત્યારે તેના પિતાજીએ પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને કોઈપણ પાસેથી પૈસા ઉધાર લેવાની પણ મનાઈ કરી દીધી હતી. રાકેશ ઝુનઝુનવાલા આ વાતથી નિરાશ થયા વિના સી.એ. ની પ્રેક્ટિસ કરતા તેમના મોટા ભાઈ પાસે ગયા. તેમના ભાઈના 1-2 ક્લાઈન્ટને ઇન્વેસ્ટમેન્ટની જાણકારી અને પ્રોફિટની આશા દેખાડી તેમની પાસેથી પૈસા લઇ ટાટા ટી ના 5000 શેર 43 રૂપિયાના ભાવે ખરીધા હતા. આ વાત છે 1986 ની જયારે માત્ર ત્રણ મહિનાના ગાળામાં 43 રૂપિયાના શેર 143 રૂપિયાના થઇ ગયા અને તેમને આ શેર વેચવાથી ખુબ સારો એવો પ્રોફિટ પણ મળ્યો હતો. 1986 થી 1989 સુધીમાં રાકેશ ઝુનઝુનવાલાએ શેર બજારમાં 20 થી 25 લાખ જેટલો પ્રોફીટ કર્યો હતો.

રાકેશ ઝુનઝુનવાલાની બિગબુલ સફરના મહત્વના માઈલ સ્ટોન્સ

આજે રાકેશ ઝુનઝુનવાલા ભારતના 61 માં સૌથી અમીર વ્યક્તિ છે અને આ પૈસા તેમણે પોતાની સાહસ શક્તિ, બુદ્ધિ અને ધીરજને કારણે ઉભા કર્યા છે. રાકેશ ઝુનઝુનવાલા આજે જે પોઝિશન પર છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણા રીસ્ક ઉઠાવ્યા છે અને સાથોસાથ પોતાના પર વિશ્વાસ રાખી ધીરજની સાથે ફળ મીઠા કર્યા છે. આજે તેમની એ સફરના મુખ્ય વાંકિયા પર નજર કરીએ.

1. 1986 ના સમયમાં સેસા ગોઆ સ્ટોક્સ કે જે આજે વેદાન્તા લિમિટેડથી ઓળખાય છે. 1986 માં આ કંપનીએ ખુબ મોટી નુકશાની કરી રહી હતી અને એ સમયમાં લોખંડનો ભાવ તળીયા પર હતો. આ સમયમાં સેસા ગોઆથી લોકો પોતાના પૈસા ઉપાડી રહ્યા હતા ત્યારે રાકેશ ઝુનઝુનવાલાએ 25-26 રૂપિયાના ભાવથી 4 લાખ શેર ખરીધા હતા જે તેમની સંપૂર્ણ જમાપૂંજી સમાન હતી. આ એક બહુ મોટું રિસ્ક તેમણે લીધું હતું પરંતુ પોતે જાણતા હતા કે ભારતમાં લોખંડનો ભાવ પડી શકે પરંતુ તેની માંગ નહિ. આ વાત તેમની સાચી પડી અને આ કંપનીના ભાવ બીજા જ વર્ષે 20-25% ઉંચકતા તેમને ખુબ મોટો પ્રોફિટ હાથ લાગ્યો હતો.

2. 1989 માં જયારે વી.પી.સિંહની સરકાર હતી એ સમયે નેશનલ બજેટ વખતે શેરબજાર ખુબ ઠંડુ પડ્યું હતું અને લોકો એવું માનવા લાગ્યા હતા કે વી. પી. સિંહની સરકાર બજેટમાં બિઝનેસ લક્ષી નહિ બની શકે. આજ બીકને કારણે લોકો પોતાના પૈસા શેર બજારથી ઉપાડી રહ્યા હતા અને રાકેશ ઝુનઝુનવાલા તેમનાથી વિપરીત પોતાની સંપૂર્ણ જમાપૂંજી શેર બજારમાં રોકી રહ્યા હતા. તેમનું માનવું હતું કે વી. પી. સિંહ પોતે એક બિઝનેસમેન રહી ચુક્યા છે અને તે ધંધાર્થીઓને ધ્યાને રાખીને જ બજેટ બનાવશે. રાકેશજી આ વાતમાં પણ સાચા પડ્યા, વી. પી. સિંહનું બજેટ ધંધાર્થીઓ માટે ખુબ લાભકર્તા હતું અને જેના કારણે શેર બજારમાં મોટી તેજીની લહેર આવી અને રોકાણકારો સહિત રાકેશજીને માલામાલ કરી ગઈ.

3. તેની જિંદગીનો સૌથી મોટો પ્રોફીટ તેમણે 1992 માં કમાયો હતો જયારે સંપૂર્ણ ભારતના રોકાણકારોના પૈસા ટાઇટેનિકની જેમ અચાનક ડૂબ્યા હતા. આ સમય હતો હર્ષદ મહેતા સ્કેમનો જયારે તેમને તેમના ગુરુ રાધાકિશન દામાણીજીની શિખામણ કામ આવી હતી. દામાણીજીએ એ સમયે રાકેશને કહ્યું હતું કે માર્કેટની આવડી તેજી કોઈ સ્કેમને કારણે જ હોઈ શકે જેથી આ સમયમાં સાચી સમજદારી શોર્ટ સેલ કરી પ્રોફિટ મેળવવાની જ હોઈ શકે. આ વાત તેમને પણ સાચી લાગી અને શોર્ટ સેલિંગથી તેમણે અઢળક રૂપિયા બનાવ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલા પોતાની કઈ ફિલોસોફીને આધારે ઈન્વેસ્ટ કરે છે?

રાકેશ ઝુનઝુનવાલા પોતાના જીવનના કેટલાક નિયમોને પોતાની સફળતાનું રાઝ માને છે. તેઓ પોતાના આકરા નિર્ણયો વખતે તેમની ફિલોસોફીને વળગી રહે છે જેથી તેમનાથી ક્યારેય લાલચમાં ભૂલ ના થાય. જે લોકો શેરબજારમાં પોતાના પૈસા સીધા રોકે છે તેઓ આ વાત સમજતા જ હશે કે લાલચમાં કેટલા રૂપિયા શેરબઝારમાં ડૂબ્યા હશે તો કેટલીક વાર ધીરજથી ઘણા પૈસા કમાયા પણ હશે. રાકેશજી પોતાની ઘણી ફિલોસોફીને આધારે ઘણી ખોટથી બચી પણ શક્યા છે.

1. "હેવ પેશન્સ" - ધીરજ રાખો, કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોઈ છે. આ કહેવત રાકેશ ઝુનઝુનવાલાએ સાચી કરી દેખાડી છે. માર્કેટ જયારે પળે છે ત્યારે ઘણી સારી કંપનીઓના પણ શેરનો ભાવ ઘટતો હોઈ છે પરંતુ એ થોડા સમય પૂરતો માર્યાદિત હોઈ છે. કંપનીની સંપૂર્ણ ડીટેલ લઇ જયારે કોઈ શેર ખરીદવામાં આવે અને થોડી ધીરજ રાખી શેરને પડતીના સમયમાં પણ હોલ્ડ કરવામાં આવે તો ભવિષ્યમાં ખુબ સારો નફો કમાઈ શકાય છે. રાકેશ ઝુનઝુનવાલાની ધીરજનો એક દ્રષ્ટાંત જોઈએ અને સમજીએ કે કેવી રીતે તેમણે લાખોમાંથી કરોડો કેવી રીતે કર્યા? 2002-2003 માં ટાઇટન કંપનીના શેર કે જે માત્ર 5 રૂપિયામાં ખરીધા બાદ એ શેર થોડા સમયમાં 80 રૂપિયા સુધી ગયા હતા અને પાછા એ જ શેરના ભાવ 30 રૂપિયા થઇ ગયા હતા. સામાન્ય રીતે આ પરિસ્થિતિમાં લોકો આ શેરનો ભાવ વધુ પડી જશે એવી બીકે શેરને 25 રૂપિયા મુનાફો લઇ વેંચી નાખે ત્યારે રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરને રાખી મુક્યો અને આજની તારીખે તેનો ભાવ 2575 રૂપિયા પહોંચી ગયો છે. ગત વર્ષે, એક દિવસે માત્ર 1 કલાકમાં ટાઇટનના ભાવ વધવાને કારણે રાકેશજીને 900 કરોડનો પ્રોફીટ થયો હતો. એક સમયમાં ટાઇટન કંપનીમાં તેમનું એક નાનકડું રોકાણ, આજે દસ હજાર કરોડથી પણ વધુનું થઇ ગયું છે. ટાઇટન કંપનીના શેર આજે તેમની સંપૂર્ણ મિલકતના 20% જેટલો હિસ્સો ધરાવે છે.

2. ખુબજ મહત્વની ફિલોસોફી અને તેમના દ્વારા અવારનવાર કહેવામાં આવતી ફિલોસોફી એ છે કે "નેવર ફોલો ટિપ્સ". આ એક એવી ફિલોસોફી છે જેના પર તો આજના દરેક નવા શેરબઝારી ભાઈઓ-બહેનો નિર્ભર હોઈ છે. કોઈ કહે આ શેર લે કોઈ કહે આ શેર વેચ અને એમ-એમ કરતા પહેલા હજારો અને પછી લાખો રૂપિયા આપણે કંપની જાણકારી મેળવ્યા વિના નાખી દેતા હોઈએ છીએ. રાકેશ ઝુનઝુનવાલાના મતે જે શેર તમે લેવા માંગતા હોવ તેના વિષે પહેલા તો સંપૂર્ણ માહિતી મેળવો અને જો તમને લાગે કે આ કંપની ભવિષ્યમાં પ્રોફીટ કરશે તો જ શેરને ખરીદો. બજારમાં મળતી ટિપ્સ 99% ફેક હોઈ છે અને વિચાર્યા વિના કોઈપણ વ્યક્તિના પોર્ટફોલિયોની કંપનીમાં રોકાણના કારણે તમારા પૈસા ડૂબી પણ શકે છે. હા, બેશક કોઈ તમારા ફેમસ ઇન્વેસ્ટમેન્ટ ગુરૂની સલાહ મુજબ અને કંપની વિષે સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ તમને યોગ્ય લાગે ત્યારે શેરની ખરીદી કરી શકાય છે પરંતુ કોઈ ગ્રુપમાં આવેલી અથવા કોઈના નામથી આવેલી ટિપ્સને ભરોસાપાત્ર ગણી શકાય નહિ. મોટા વ્યક્તિઓ કે મોટા ઇન્વેસ્ટરોના નામથી ફરતા ન્યુઝ મોટેભાગે ખોટા જ હોઈ છે જે પર્ટિક્યુલર કંપનીના ફંડ રેઈઝ કરવા ફેલાવવામાં આવે છે.

રાકેશ ઝુનઝુનવાલાની આવક અન્ય ક્યા સ્ત્રોતોથી થાય છે?

રાકેશ ઝુનઝુનવાલાનો મુખ્ય આવકનો સ્ત્રોત માત્ર શેર બજાર નથી. તેમને પોતાની એક એસેટ મેનેજમેન્ટ કંપની છે જે તેમણે 2003 માં ખોલી હતી.  "RARE Enterprise" નામની પેઢી તેમણે તેમના અને તેમની પત્ની રેખાના નામના આગળના અક્ષરોથી ઇન્સ્પ્યાર થઇ બનાવી છે. તેઓ આ પેઢી દ્વારા પોતાના સ્ટોક્સને પણ મેનેજ કરે છે અને સાથો સાથ એજ્યુકેશન ફિલ્ડ, બાયો ટેક્નોલોજી, ડિજિટલ એટરટેઈમેન્ટ, હેલ્થ કેર અને હોસ્પિટાલિટી ઉધોગોમાં રોકાણ કરી અઢળક રૂપિયા કમાઈ રહ્યા છે. તેમણે ઘણી બૉલીવુડ ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે અને હાલમાં જ તેમની કંપની સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ સ્ટોક્સ એક્સચેન્જમાં પણ લિસ્ટ થઇ છે. હમણાં જ રાકેશ ઝુનઝુનવાલા મોદી સાહેબ સાથેની એક બેઠકમાં કરચલી વાળો શર્ટ પહેરવાને કારણે ખુબ ટ્રોલ થયા હતા. આ મિટિંગ તેમની એરલાઇન્સ કંપની અકાશા એરલાઇન્સના એપ્રુવલ માટે હતી જેમાં તેમને મંજૂરી પણ મળી ગઈ છે. ખુબ ટૂંકા સમયમાં આપણે ભારતના ઉડ્ડયન ઉધોગમાં પણ રાકેશ ઝુનઝુનવાલાને નવી બુલંદી સર કરતા જોઈ શકીશું.  


 
Image Courtesy: https://twitter.com/joydas/status/1445652218070265862

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice