ડોલો 650 - "કોરોનાની મહામારીમાં દરેક વ્યક્તિના મોઢે ચડેલું નામ" | Dolo 650 - "Everyone's Favourite in the Corona epidemic"

 by Dr. Hardik Ramani (Gujarati Blog)

નમસ્કાર મિત્રો,

ડોલો 650 - "કોરોનાની મહામારીમાં દરેક વ્યક્તિના મોઢે ચડેલું નામ"

સામાન્ય રીતે જયારે વ્યક્તિ બીમાર થાય ત્યારે ડોક્ટર પાસે દવા કે સારવાર લેવા જઈએ છીએ. આ સારવારમાં કે ડોકટરના પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી દવાઓ તો જાણે ચાઇનીસ ભાષામાં લખ્યું હોઈ એવું લાગે અને કદાચ ડોકટરે કે મેડિકલવાળા ભાઈએ એ નામ બોલી પણ દીધું હોઈ તો પણ આપણી જીભ વળે જ નહિ એવા તો એ દવાના નામ હોઈ છે. એવામાં જાણે દરેક વ્યક્તિને ડોક્ટર બનવાની ઈચ્છા ભગવાને પુરી કરી દીધી હોઈ, તેવી એક દવા આ કોરોનાના સમયે ધ્યાનમાં આવી છે અને જાણે કોઈ પોતાની તકલીફ જણાવતા હોઈ અને એ તકલીફ બોલવાનું પૂરું ના થયું હોઈ ત્યાં આપણા મોઢામાંથી ફટ દઈને એ નામ નીકળી જાય "ડોલો". આ દવાનું નામ પણ આપડે એટલી ચોક્કસતાથી આપીએ જાણે આ દવાની કોઈને ખબર જ નથી અને આપણે જ ડોક્ટર છીએ.

આપણે જાણીએ જ છીએ કે કોરોનાની મહામારીમાં માનવજાતિના શું હાલ થઇ ગયા છે? લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કરોડો લોકો આ બીમારીની જપેટમાં આવ્યા છે. આ રોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિ પર એવો વાર કરે છે કે શરીરની સંપૂર્ણ ડિફેન્સિવ સિસ્ટમ ઘૂંટણ પર આવી જાય છે. શરૂઆતી સમયમાં જયારે આપણું શરીર આ વાયરસ સામે લડવાની શરૂઆત કરે ત્યારે જો નાનકડો પણ બાહ્ય સપોર્ટ આપણા શરીરને મળી જાય તો મોટાભાગના કિસ્સામાં તો આપણું શરીર જ કોરોના કે તેના જેવા સેકડો વાયરસને હરાવી દે. બસ, આવો જ કંઈક સપોર્ટ આપણા સૌની આ મનગમતી ડોલો કરી દેખાડે છે. આજે આપણે આ ડોલો નામના કોરોના હીરો વિષે જાણવાના છીએ જેમાં આ ડોલો શું છે? તે ક્યાં કમ્પોઝિશનથી બની છે? કોણ બનાવે છે? તે તેના જેવી બીજી દવાઓથી અલગ કેવી રીતે છે? અને ક્યાં કારણોથી આ ડોલો કોરોના જેવી ભયંકર બીમારી સામે આપણું રક્ષણ કરતી રહી છે? તેમજ એ પણ જાણીશું કે આ દવાના વિવિધ ઉપયોગો અને તેનો વારંવાર ઉપયોગથી શું નુકશાન થઇ શકે છે?

ડોલો 650 (Dolo-650) શું છે?

Dolo-650 એ એક સામાન્ય એનાલ્જેસિકસ (analgesics) એટલે કે પેનકિલર તથા એન્ટીપાયરેટિક (antipyretic) એટલે કે તાવ ઓછો કરનારી દવા છે જે ડોક્ટર્સ દ્વારા માથાનો દુખાવો, આધાશીશી, દાંતનો દુખાવો, માસિક સ્રાવ દરમિયાન દુખાવો, સાંધા કે હાડકામાં થતા વાના દુખાવા, માંસ-પેસીમાં થતો દુખાવો અને તાવ ઘટાડવા સહિત હળવાથી મધ્યમ દુખાવાની ફરિયાદમાં લખી આપવામાં આવે છે. જયારે આપણા શરીરમાં કોઈ અકુદરતી પરિસ્થિતિનું નિર્માણ થાય કે બાહ્ય બેક્ટેરિયા કે વાયરસ શરીરમાં દાખલ થઇ નુકશાન કરવાનો પ્રયત્ન કરે અથવા શરીરને અંદર કે બારની ઇજા થાય એ સમયે આપણને દુખાવો કે તાવ આવવાનો અહેસાસ કરાવતા કેમિકલ સ્ત્રાવનો ફેલાવો શરીરમાં થાય છે જેને "પ્રોસ્ટાગ્લાઈડન્સ" (prostaglandin) કહેવાય છે. પ્રોસ્ટાગ્લાઈડન્સના ઘણા ફાયદા પણ છે અને ત્યારે પીડા, બળતરા અને તાવની લાગણી પણ તેના કારણેજ આપણે અનુભવીએ છીએ. ડોલો 650 માં સૌથી મહત્વનું કંટેન્ટ પેરાસીટામોલ (Paracetamol) હોઈ છે જે પ્રોસ્ટાગ્લાઈડન્સને શરીરમાં અને મગજમાં પહોંચતું અટકાવે છે. તેમજ એન્ટીપાયરેટિક (antipyretic) કન્ટેન્ટ આપણા મગજમાં તાપમાન નિયમન કેન્દ્રને રીસેટ કરીને કામ કરે છે. 

પેરાસીટામોલ શું છે અને એની શોધ ક્યારે થઇ હતી?

ડોલો 650 દવામાં જે મુખ્ય કેમિકલ છે, તે પેરાસીટામોલ છે. અને તેને એસીટામીનૉફિન (acetaminophen) તરીકે પણ ઓળખવામાં આવે છે. પેરાસીટામોલ આ પ્રકારની બીજી દવાઓ જેમકે આઈબ્રુપ્રોફેન, એસ્પિરિન અને કેફીન કરતા ઓછી અસરકારક છે પરંતુ ઓછી નુકશાનકારક પણ છે. ઘણીવાર પેરાસીટામોલને એસ્પીરીન અને કેફીન સાથે વિવિધ માત્રામાં રાખી દવા બનાવવામાં પણ આવે છે. 

હાર્મન નોરથ્રોપ મોર્સે (Harmon Northrop Morse) દ્વારા 1877 માં શરૂઆતી પેરાસીટામોલને બનાવવામાં આવી હતી પરંતુ તેનો માનવી પર પરીક્ષણ તેમજ અસરકારકતા 1887 માં જોસેફ વોન મેરીંગ (Joseph von Mering) દ્વારા કરવામાં આવ્યો હતો અને તેથી જ જોસેફ મેરીંગને જ પેરાસીટોમલના પહેલા શોધક તરીકે ઓળખવામાં આવે છે. આ બાદ જર્મન મલ્ટીનેશનલ ડ્રગ કંપની બેયર (Bayar) દ્વારા સૌપ્રથમ પેરાસીટામોલને દવા તરીકે બનવવાની શરૂઆત કરવામાં આવી હતી. પેરાસીટામોલને, 1955 બાદ વિશ્વભરમાં ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન વિના પણ ઘરમાં વાપરી શકાય તેવી સામાન્ય દવા બનાવી દેવામાં આવી હતી. પેરાસીટામોલની શૉધના 70 વર્ષ સુધી બીજા કોઈપણ મહત્વના રિસર્ચ વગર તે લોકોને અપાતી રહી હતી જે બાદ ઘણા માનવી પર ના ઘાતકી પરિણામના રિસર્ચ સબબ વિવિધ દેશોમાં આ કેમિકલને વિવિધ રીતે વાપરવા પર રોક લગાવી દેવાઈ છે. 

પેરાસીટામોલ પર થેયલા ઘણા રિસર્ચને આધારે તે કેન્સરજન્ય હોવાની શક્યતાને કારણે અમેરિકાની FDA (Food and Drug Administration) દ્વારા ઘણીબધી પ્રકારના પેરાસીટામોલના ઉપયોગ પર રોક લગાવેલી છે. તેમજ વિશ્વના ઘણા દેશોમાં પેરાસીટામોલની ઓવરડોઝ અને બીજી ઘણી સાઈડ ઇફેક્ટ્સને કારણે પેરાસીટામોલના ઉપયોગ પર આંશિક બેન્ડ લગાવેલી છે.

Dolo 650 ને કઈ કંપની બનાવી રહી છે? અને તેનો ઇતિહાસ...

આજના સમય મુજબ ખુબ પ્રચલિત અને સામાન્ય દવા ડોલો 650 ભારતની બેંગ્લોર સ્થિત કંપની માઈક્રો લેબ લિમિટેડ (Micro Labs Limited) બનાવી રહી છે. કોરોનામાં આવતા તાવ અને લક્ષણોમાં સૌથી સારી તથા કારગત નીવડતી ડોલો આજકાલની નહિ પરંતુ 90 ના દશકમાં માર્કેટમાં આવેલી દવા છે. માઈક્રો લેબ લિમિટેડ (Micro Labs Limited)ના ફાઉન્ડર જી. સી. સુરાના દ્વારા આ કંપની 1973 માં ચેન્નાઇમાં ખોલવામાં આવી હતી. આ પહેલા સુરાનાજી દિલ્હીની એક ફાર્માસૂટિકલ કંપનીમાં કાર્ય કરતા હતા. આજે તેમની જગ્યાએ તેમના પુત્ર દિલીપ સુરાના આ કંપનીને સાંભળી રહ્યા છે. કોરોનાની વિકરાળ પરિસ્થિતિ વચ્ચે સુરાનાજીની કંપની, માઈક્રો લેબ્સ દ્વારા બનતી ડોલો 650 એ ખુબ મોટો વેપાર કર્યો તે હાલ ખુબ ચર્ચામાં પણ છે. એક સર્વે મુજબ કોરોના બાદ ભારતમાં અંદાજિત 350 કરોડથી પણ વધુ ડોલો દવા આ કંપની દ્વારા વેચાઈ ચુકી છે જેની તુલના લોકો બુર્જ ખલિફા ટાવરની ઊંચાઈ જેટલી દવાના ઢગલા સાથે કરી રહ્યા છે. માઈક્રો લેબ કંપનીમાં આજે 9200 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે કંપની વાર્ષિક અંદાજિત 2700 કરોડનું ટર્નઓવર કરી રહી છે જેમાં 920 કરોડનું એક્સપોર્ટ પણ શામેલ છે. 

Dolo 650 દવા શા કારણોથી ખુબ પ્રચલિત થઇ? તેમજ તે બીજી કોમ્પિટિટિવ દવાઓથી ભિન્ન કેવી રીતે છે?

ડોલો 650 દવા કોઈપણ ઉંમરની વ્યક્તિ એટલે કે 2 વર્ષના બાળકથી લઇ કોઈપણ ઉમર સુધી ખુબ ઓછી સાઈડ ઇફેક્ટ્સ સાથે ખુબ કારગર દવા છે. આ દવા માથાનો દુખાવો, આધાશીશી, દાંતનો દુખાવો, માસિક સ્રાવ દરમિયાન દુખાવો, સાંધા કે હાડકામાં થતા વાના દુખાવો, માંસ-પેસીમાં થતો દુખાવો અને તાવ ઘટાડવા સહિત હળવાથી મધ્યમ દુખાવાની ફરિયાદમાં એટલે કહી શકાય કે "મેની પ્રોબ્લેમ બટ વન સોલ્યૂશન" જેવી છે. આ દવા તેની બીજી સ્પર્ધાત્મક દવાની સરખામણીએ ખુબ સસ્તી છે તેમજ 30 વર્ષથી માર્કેટમાં હોવાથી તે સંપૂર્ણ ભારતમાં પૂર્ણ સ્ટોક સાથે આસાનીથી પ્રાપ્ત થતી રહી છે. આ દવા બીજી કોઈ દવા કરતા બોલવી કે યાદ રાખવી પણ ખુબ સહેલી હોઈ લોકો મેડિકલ સ્ટોર પરથી સીધા ખરીદતા આવ્યા છે તથા અન્ય લોકોને પણ વાપરવા સૂચવતા આવ્યા છે.

Dolo 650 દવાની કોઈ સાઈડ ઇફેક્ટ્સ ખરી?

કોઈપણ પેરાસીટામોલ દવા ડોક્ટરની સૂચના સિવાય લેવી આપણા શરીર માટે નુકશાનકારક છે પરંતુ ડોલો 650 ની સાઈડ ઈંફ્કેટસ બીજી પેરાસીટામોલ કરતા ખુબ ઓછી છે. પેરાસીટામોલ ડ્રગ પર થયેલા રિસર્ચ અનુસાર આ કેમિકલનો ઉપયોગ આપણા શરીરમાં વધુ પ્રમાણમાં કરવામાં આવે તો આ દવા આપણા માટે સ્લો પોઇઝન બની શકે છે. દારૂનું સેવન કરતા લોકો માટે પેરાસીટામોલ તેમના લીવરને ખુબ વધુ નુકશાન કરી શકે છે તેથી ડોક્ટર્સ પણ દવા લીધા બાદ કે પહેલા દારૂનું સેવન કરવાની જ સલાહ આપતા હોઈ છે. એ સિવાય પ્રેગ્નન્ટ સ્ત્રીઓ કે બ્રેસ્ટફીડિંગ કરાવતી સ્ત્રીઓને પણ પેરાસીટામોલ ઓછી લેવી અથવા ન જ લેવી જોઈએ. લીવર તથા કિડનીની બીમારી હોઈ એ લોકોને પણ ડોક્ટર્સ દ્વારા પેરાસીટામોલ આપવાની મનાઈ હોઈ છે. દુનિયાના વિવિધ દેશોમાં પેરાસીટામોલ અને તેના સીધા ઉપયોગને બેન્ડ કરવાનું કારણ આજ છે.

Image Courtesy: Google Images

In Gujarati Language

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice