કેવી રીતે મુસાફરી જીવનને સુંદર બનાવે છે | How Traveling makes life beautiful (Diwali Special)

by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

ભારતવર્ષનો સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહી છે અને દિવાળી પર લગભગ બધા ક્ષેત્રમાં 2-4 દિવસની રજાનો માહોલ હોઈ છે જેમાં લોકો દૂર નજીક, રાજ્ય બહાર કે દેશની બહાર ફરવા જવાના પ્લાનિંગ કરતા હોઈ છે. કદાચ તમે પ્લાનિંગ કરી પણ લીધું હશે અને ટુર પેકેજનું કન્ફોર્મેશન પણ આવી ગયું હશે. હોટલથી લઇ ગાડીઓ, ટ્રેનના રિઝર્વેશન કે ફ્લાઇટ ટિકિટ્સ મોબાઈલમાં પણ આવી ગઈ હશે. બસ હવે તો માત્ર રાહ જોવાઈ રહી હશે કે ક્યારે દિવાળી નજીક આવે અને ફરવા જવાનું થાય. આજે આ ફરવાને લઈને જ એક બ્લોગ લખવાનું નક્કી કરેલ છે તો ફરવાનો સાચો આનંદ એટલે શું એ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું.

 "જેટલા ફરીએ એટલા ચરીએ" એવી ઘણી કહેવાતો વ્યક્તિને પ્રગતિશીલ બનાવી રાખવા બનાવવામાં આવી છે. માનવીની ઉત્પત્તિથી લઇ અત્યાર સુધી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ જ કરતા રહ્યા છે અને ઉત્ક્રાંતિ પણ મેળવતા રહ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે જે પ્રજાતિ દુનિયામાં સૌથી વધુ ફરી છે તે પ્રજાતિ હંમેશા હોશિયાર અને પ્રગતિશીલ રહી છે. પ્રગતિ કરવી હોઈ તો બહાર નીકળવું પડે આના પરતો સેકડો કહેવત હશે અને નરી હકીકત પણ એજ છે. 

આજે લોકો ધંધા રોજગાર અને પ્રગતિની હાયહોય માટે દેશ વિદેશના પ્રવાસો તો ખુબ કરતા હોઈ છે પરંતુ આજે આપણે વાત કરવી છે મજાથી ફરવાની, રખડવાની અને માત્ર આનંદ જ કરવાની. કદાચ મારી જેમ તમને પણ એવો વિચાર અવશ્ય આવતો જ હશે કે સાલી આપણી પણ નોકરી કે ધંધા એવા હોઈ જેમાં ફરવા કે રખડવા પણ મળે અને પૈસા પણ મળે. એટલે આનો મતલબ કે આપણા જીવને બન્ને હાથમાં લાડવા જોઈએ છે. એક ગુજરાતી તરીકે પૈસો પણ એટલો વ્હાલો એટલે પૈસા પણ કમાવવા છે અને રખડવું પણ છે. અને હકીકત પણ છે કે ભારતભરમાં પ્રવાસીઓમાં ગુજરાતી સૌથી વધુ ફરતા હશે. તમે ભારત કે દુનિયાના કોઈપણ ખૂણે જશો એટલે તમને ગુજરાતી બોલતું એકાદ પરિવાર ગાંઠિયા, થેપલાંની રમઝટ બોલાવતા કે શુદ્ધ શાકાહારી ભોજન શોધતા મળી જ જશે. અને આપણા ગુજરાતીઓની તો શું વાત કરવી? જ્યાં પણ દેખાય તમને એમ જ લાગે કે આપણે ફરવા નહિ પણ ખાવા જ બહાર જઈએ છીએ. બસ કે ગાડીમાંથી ઉતારતા જ સીધો પેલો પ્રશ્ન કે જમવાનું શું કરશું? અને જમાઈ ગયા પછી પણ કે સાંજે શું જમશું? અલા ભાઈ.... ફરવા નીકળ્યા છીએ કે જમવા જ ... ઘણા મહાન હસ્તીઓ તો આખી બસ કરાવે જેમાં 15 દિવસનો સંપૂર્ણ કાચો સીધો અને એક રસોઈયો લઇને જ ફરવા જાય એટલે તમારો મહત્તમ સમય જમવાનું બનાવવા અને આરોગવામાં જ નીકળી જાય. ભલે... જેની જેવી મજા.. એમાં કોઈને ના તો ન પડાય ... 

ખરેખર ફરવાનો સાચો આનંદ એટલે શું? 10-15ની ટુર પેકેજમાં મનને મનાવવા ગયા હોઈ જેમાં આપણે દિલ્હી, પંજાબ, શિમલા અને રાજસ્થાન જોઈ લીધું અને 10 માંથી 7 દિવસ બસમાં રાત કાઢી હોઈ? કોઈ કહે બહાર જાઓ એટલે જતું રેવાનું અને કહે આટલા વાગ્યે બસમાં આવો એટલે આવી જવાનું. કહે ત્યાં ફરવાનું અને કહે ત્યાં ખરીદી કરવાની. હું નથી માનતો આને ફર્યું કહેવાય. આને તો મનને મનાવ્યું કે પરાણે ફરવા જવું પડ્યું કહેવાય. જ્યાં ફરવું કે ફેરવવું પણ તમારી ડ્યુટી હોઈ તો એને ફર્યું નહિ ફરવાની નોકરી જ કરી કહેવાય. માનવી જયારે મુક્ત મને પોતાને, પોતાની જિંદગીની જરૂરિયાતોને, રિસ્પોન્સિબિલિટીને, મજબૂરીને બધું ભૂલીને બહાર નીકળે ત્યારે એને ફર્યો કહેવાય અને ત્યારે જ જિંદગીની સાચી મજા લીધી પણ કહેવાય. 

 અરે... હરવું ફરવું તો બહુ મોટી મજા છે જો આપણે સમજીએ તો. માની લો કે તમને કોઈ સાંભળતું નથી કે જોતું નથી તો તમે કેટલા મુક્ત મનથી ગીત ગાશો કે ડાન્સ કરશો? બસ... એવી જ રીતે જયારે તમને કોઈ ઓળખતું નથી કે ટાઈમની પરવાહ નથી ત્યારે પણ તમે એટલા જ મુક્ત મનથી ખુશીથી ફરી શકશો પરંતુ કન્ડિશન એ છે કે તમારી સૌથી મોટી મુશ્કેલી એટલે મોબાઈલને તમારાથી દૂર કરવી પડે. 

તમે જોતા હશો કે કેટલાય ફોરેનર્સ 2-4 કે 6 મહિનાઓ માટે ભારતમાં આવતા હોઈ છે અને ભારતભ્રમણ કરતા હોઈ છે. એક નાનકડી બેગ લઇ 6 મહિના કાઢી નાખતા હોઈ છે. પોતાના ઠંડા, સ્વચ્છ વાતાવરણને મૂકી આપણા દેશમાં ગરમીમાં શેકાતા હોઈ ત્યારે ક્યારેય ખોટી ફરિયાદ કરતા એમને નહિ સાંભળો કે મને આ રૂમ નથી ફાવતો, એ.સી. નથી ચાલતું અને જમવાનું બરાબર નથી કે ટ્રેનમાં રિઝર્વેશન નથી. ટુરિંગની સાચી મજા અગવડતાઓમાં જ હોઈ છે અને એજ મજા વર્ષો પછી સારા સંભારણાની જેમ યાદ આવે છે. એટલે એ ફોરેનર્સ માત્ર ફરવા નીકળે છે, ફેસેલિટી ભોગવવા નહિ. તેઓ ભારતમાં ફરતી વખતે જિંદગીનો ઘણો લ્હાવો લૂંટે છે. આપણને લાગે કે ગોરાઓ જોઈ પેલાએ લૂંટી લીધા અને મોંઘામાં વસ્તુ પકડાવી પરંતુ તેઓ જાણી જોઈ છેતરાતા હોઈ છે અને એની પણ એ મજા લે છે. જિંદગીમાં જાણી જોઈ છેતરાવું એ પણ એક કળા છે અને ખરેખર એ વિકસાવીએ તો બન્ને માટે વિન - વીન  જેવું હોઈ છે પરંતુ આપણે ઘણા એવા જ હિસાબમાં આપણી ટુર પુરી કરીએ છીએ કે જાણે ઓછા પૈસામાં ફર્યા અને મોટું તીર મારી લીધું હોઈ. 

તમે જયારે પહાડીઓમાં કે ઉત્તર ભારતના હિલ સ્ટેશનની મુલાકાતે જાઓ ત્યારે એ પહાડના લોકો, તેમની પરંપરા તેમની રહેણી ખાણી-પીણી જોજો, તમને વિવિધતા દેખાશે અને એમની સાથે સમય પસાર કરતા અને એમની રસમોને સમજવામાં તમને નાના બાળકને જેમ કંઈક નવું આવડી જાય અને મજા પડી જાય એવી ખુશી તમને પણ થશે. તમારું પરિવાર કે મિત્ર સર્કલ એક કૂવાના દેડકા સમાન છે એ તમને એ દિવસે ખબર પડશે. આપણે ફરવા જઈએ ત્યારે આપણે નક્કી કરીએ કે હું હર્યા-ફર્યા બાદ જયારે હું રિટર્ન થાઉં ત્યારે ફરવાની યાદોની સાથો સાથ 2-4 સારા મિત્રો પણ ત્યાંના બનાવું કે જેમની સાથે મહિનામાં એકાદ વખત વાતો પણ થશે અને ત્યાંની યાદો હંમેશ માટે તાજી રહી શકશે. વિચાર કરો કે તમે જેટલા રાજ્યોમાં ફર્યા છો ત્યાંના દરેક રાજ્યોમાં તમારા 2-4 મિત્રો અને તેમનું ગ્રુપ, તેમની અલગ જ વિચારસરણી, રીત-રસમ અને જિંદગીના વિવિધ પડાવો પર તેમની હાજરી. તેમના લગ્ન પ્રસંગોમાં ફરી ત્યાં ફરવા જવું, તેમના રિવાજો મુજબ તૈયાર થવું, ખાણું જમવું, હસવું, રમવું કુદવું... આવો અહેસાસ તમે ગમે તેવા 5 સ્ટાર રિસોર્ટમાં રહો તમને નહિ મળે. તમારા જુઠા આદર્શો કે ખોટી રૂઢિઓમાં પણ ફેરફાર કરવાનું મન થવા લાગશે.

મારા મતથી તો ફરવું એટલે એ ટ્રેનની 2-3 દિવસ લાંબી મુસાફરી, બાજુની સીટના લોકો સાથે મિત્રતા કેળવવી અને ટૂંકા પરંતુ હમસફરની જેમ આપણાંપણાંનો અહેસાસ. ટ્રેનના વિવિધ સ્ટેશન પરની લટાર અને ચાયયય... કોફી.... ખારા મોરા બિસ્કુટના અવિરત અવાજો.. ગુજરાતી થેપલા ને સૂકી ભાજી... અહાહા એ કારણ વગરનો ટાઈમ પાસ કરવો જેને કોર્પોરેટ લોકો ટાઈમ વેસ્ટ જ માનતા હોઈ છે એટલે જ તો લેપટોપ અને મોબાઈલમાં ઘુસી ક્યારે મારુ સ્ટેશન આવશે એની રાહ જોતા હોઈ છે એ સમયને જ હું માનું છું જિંદગીની સાચી મજા. ક્યા લેકર આયે થે ઔર ક્યા લેકર જાયેંગે...જે પણ કરશું કે કમાશું એ કોઈ બીજાને જ કામ આવશે પરંતુ જો વર્તમાન જીવીશું એ જિંદગીને સારા પળની ચોક્કસ ભેટ આપશે. 

જે પણ કમાઈએ છીએ તેમાંથી એક ભાગ ફરવા માટે રાખીએ અને ખરા દિલથી ફરીએ.. અને ફરીએ નહિ ખરેખર રખડીએ તો જ ખરી મજા મળશે....

 

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice