જૂની ભારતીય રેલ્વે સિસ્ટમ અને આજના રેલ્વેના ખૂબ મોટા નેટવર્ક સાથેનો ઇતિહાસ in Gujarati | Old Indian Railway System & History with Today's Very Large Network of Railways, 1853 to 2022

ટ્રેનનો વૈશ્વિક ઇતિહાસ

ટ્રેન વિશ્વની સૌથી સફળ, સુરક્ષિત અને સસ્તી ટ્રાન્સપોર્ટ સુવિધા છે. જે પેસેન્જર કે માલવાહક તરીકે કેટલાય વર્ષોથી દુનિયાના દરેક દેશ, માનવીના આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસનો અવિભાજ્ય અંગ રહી છે. 1500 ની સાલથી જ વેગનવે દ્વારા જુદી જુદી ખાણોમાંથી ખનીજને બહાર કાઢવાની શરૂઆત થઇ ગઈ હતી જેમાં એક માલવાહક ડબ્બાને ચાર પૈડાં પર એક ટ્રેક પર ખેંચવામાં આવતા હતા અને જેના માટે ઘોડા, ખચ્ચર કે મજૂરોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક ડબ્બાને લોખંડના મજબૂત પાટા પર દોડાવવાની શરૂઆત 1790 માં થઇ હતી જે બાદ 1804 માં જ બ્રિટિશ શોધક રિચાર્ડ ટ્રેવિથિક (Richard Trevithick) દ્વારા આ ડબ્બાઓને ખેંચવા માટે વરાળયંત્ર (steam locomotive) એટલે કે સ્ટીમ એન્જીન (Steam Engine) નો વપરાશ કરવામાં આવ્યો અને શરૂ થઇ વિશ્વની ટ્રેનની સફર.

ભારતમાં અંગ્રેજોએ ક્યારે અને શા માટે રેલ્વે લાઈનનો પાયો નાખ્યો ?

સ્ટીમ ટ્રેન બ્રિટનમાં ખુબ ફેમસ થવા લાગી હતી અને એ સમયે ભારતમાં પણ બ્રિટિશરોનું રાજ હતું જેથી તેમને પણ ભારતમાં વેપાર ધંધો કરવા, વહીવટી, વ્યૂહાત્મક કે મોટા દેશમાં મુસાફરી કરવા એક ઝડપી, ચોક્કસ અને સુરક્ષિત વાહનવ્યવહારની જરૂરત ઉભી થઇ જેથી 1844 માં એ સમયના ભારતના ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ (Lord Dalhousie) ખાનગી ઉધોગ સાહસિકને ભારતમાં રેલ્વે સિસ્ટમ બેસાડવાની મંજૂરી આપી. બે નવી ખાનગી કંપનીઓ ઉભી કરવામાં આવી અને તેને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને (East India Company) મદદ કરવાનું કહેવામાં આવ્યું હતું જેમાં બ્રિટેનના ઘણા રોકાણકારોની મદદથી ભારતમાં ખૂબ ઝડપી રેલ્વે નેટવર્ક સ્થાપવામાં મદદ મળી હતી. જેથી માત્ર 8 જ વર્ષમાં, 16 એપ્રિલ 1853 ના રોજ મુંબઈના બોરીબંદરથી થાણે સુધીના 34 કી.મી.ની સફર 14 ડબ્બા સાથે ભારતની પ્રથમ રેલ્વે મુસાફરી શરૂ થઇ હતી. ભારતમાં રેલ્વે ની સાથે પોસ્ટલ સ્ટેમ્પ તથા 4000 ટેલિગ્રાફ લાઇન્સ નાખનારા ડેલહાઉસીને એ સમયના આધુનિક ભારતના ઘડવૈયા તરીકે ઓળખાણ મળી હતી.

1880 સુધીમાં બ્રિટિશરોએ ભારતમાં 14,500 કી.મી.ની રેલ્વે લાઈન સ્થાપી દીધી હતી. એ સમયે ભારતના મુખ્ય શહેરો અને બ્રિટિશ છાવણીઓમાં ગણાતા ભારતના મુંબઈ, મદ્રાસ અને કલકત્તાને જોડી દેવામાં આવ્યા હતા જેથી સંપૂર્ણ ભારતનું સંચાલન તેમજ વેપાર વ્યવસ્થાપન સહેલાઇથી થઇ શકે. 1895 સુધીમાં ભારતને અંગ્રેજોએ સ્ટીમ એન્જીન તથા અન્ય રેલ્વે સાધનો બનાવવામાં માટેનું હબ બનાવી દીધું હતું જેથી અંગ્રેજો શાષિત અન્ય દેશોમાં ભારતથી જ સપ્લાઈ પહોંચાડી શકાય.

19મી સદીમાં ભારતમાં કેવી રીતે રેલવે ક્રાંતિ આવી?

19મી સદીની શરૂઆતમાં ભારતના અનેકો રજવાડાઓ પણ પોતાના સ્ટેટમાં પોતાનું રેલ્વે નેટવર્ક પાથરવા લાગ્યા હતા જેમાં આસામ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ મુખ્યત્વે હતા. ભારતની આઝાદી આવતા આવતા ભારતના વિવિધ રાજ્ય અને રજવાડાઓ પણ આ રેલ્વે નેટવર્કના ફાયદાઓ જોઈ પોતાના રાજ્યને ઝડપી, ચોક્કસ અને સુરક્ષિત વાહનવ્યવહાર આપવા માંગતા હોઈ અનેકો વિદેશી ખાનગી કંપનીઓને રેલ્વે સ્થાપવાના કરાર કરવા લાગ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જ ઈલકટ્રીક રેલ્વે એન્જીન આવવાની શરૂઆત થઇ હતી જે દ્વારા ભારતમાં ઇલેક્ટ્રિક લાઈનો તથા પાવર સ્ટેશનોની પણ પુષ્કળ પ્રમાણમાં  સ્થાપના થવા લાગી હતી.

વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રેલ્વેનો ઉપયોગ કર્યો?

પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજ સરકાર ભારતથી જ વિવિધ માલ-સમાન અને અન્ય જરૂરી વસ્તુઓ માટે અન્ય દેશો સુધી સપ્લાઈ કરતી હોવાથી ભારતના ઉતરી પશ્ચિમ અને પૂર્વ બાજુ સૌથી વધુ રેલ્વે નેટવર્ક સ્થાપી ચુકી હતી. ભારતના વિવિધ પાડોશી દેશો અને અન્ય દેશો સુધી આ નેટવર્ક લંબાયેલું હોઈ વિશ્વયુદ્ધમાં ભારતના અનેક ખૂણાઓથી માલ-સામાન, દારૂગોળા, દવાઓ, સિપાહીઓ અને અન્ય જરૂરી ચીજ-વસ્તુઓનો વિપુલ જથ્થો આ રેલ્વે નેટવર્ક દ્વારા જ પહોંચાડવામાં આવતો. એક સમયે જે રેલ્વે વર્કશોપ હતા અને જ્યાં ટ્રેનો, ડબ્બાઓ અને અન્ય જરૂરી રેલ્વે સામાન બનાવવામાં આવતા હતા એ જગ્યાને અંગ્રેજોએ દારૂગોળાના વર્કશોપ બનાવી દીધા હતા. 1947 માં જયારે ભારત આઝાદ થયું એ સમયે મિડલ ઇસ્ટ સુધી યુદ્ધના કારણે વધુ પથરાયેલી રેલ્વે લાઈનો પાકિસ્તાનના ભાગે આવી હતી અને જેથી પાકિસ્તાનને પોતાના રેલ્વે લાઈનોમાં આજ દિવસસુધી વધુ મોટા કોઈ ફેરફારો કરવાની જરૂરત પડી નથી.

આઝાદી બાદ ભારતનું રેલ્વે નેટવર્ક કઈ રીતે એક બન્યું અને તેનો વિકાસ

ભારત આઝાદ થયું એ વખતે કુલ 42 ભિન્ન રેલ્વે નેટવર્ક આપણા દેશમાં પથરાયેલા હતા જેમાંથી 32 નેટવર્ક તો માત્ર અન્ય રજવાડાઓ દ્વારા ઉભા કરાયેલા હતા. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા 565 રજવાડાઓને ભારતમાં ભેળવવામાં આવ્યા ત્યારે આ દરેક રેલ્વે લાઈનોને પણ જોડવામાં આવી અને ઇન્ડિયન રેલ્વેની સ્થાપના થઇ. આ સિસ્ટમને પણ 1951 માં વિવિધ 6 ઝોનમાં વેચવામાં આવ્યા હતા જે 1952 થી લાગુ કરી દેવામાં આવી. જેમ-જેમ આઝાદ ભારત વિકાસ કરતો રહ્યો તેમ ભારતનું રેલ્વે નેટવર્ક આપબળે જ અપગ્રેડ પણ થતું રહ્યું.

1985 સુધીમાં રેલ્વેની તમામ ચીજ-વસ્તુઓ, એંજિનોથી લઇ સિસ્ટમો ભારતમાં જ ઉત્પાદિત થવા લાગી અને બિનકાર્યક્ષમ સ્ટીમ એંજિનોની જગ્યાએ ડીઝલ તથા ઇલેક્ટ્રિક એંજિનો ભારતના પાટાઓ પર દોડવા લાગી. 1995 માં ભારતીય રેલ્વે કોમ્પ્યુટરાઇઝડ રિઝર્વેશનથી સજ્જ કરવામાં આવ્યું જેથી દેશના વિવિધ પ્રદેશો વચ્ચે ચાલતી ટ્રેનોની ટિકિટ કોઈપણ વ્યક્તિ દેશના કોઈપણ જગ્યાએથી મેળવતા થયા હતા.

આજનું ભારતીય રેલ્વે નેટવર્ક કેવું છે?

ભારતીય રેલ્વે નેટવર્ક ભારત સરકાર દ્વારા સંચાલિત વિશ્વના સૌથી મોટા રેલ્વે નેટવર્કમાંથી એક છે. આજ દિવસ સુધી રેલ્વે નેટવર્ક એ ભારતમાં સૌથી મોટા વાહનવ્યવહાર ધરાવતું એકમાત્ર એકમ છે. ભારતમાં આજે કુલ 1,26,366 કી.મી.નું રેલ્વે નેટવર્ક કાર્યમાં છે જે ભારતને વિશ્વનું ચોથું સૌથી મોટું નેટવર્ક ધરાવવાનું ગર્વ અપાવે છે. ભારતીય રેલ્વે દ્વારા આજે દરવર્ષે 810 કરોડ પેસેન્જરો તેમજ 125 કરોડ ટન માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. આ માટે ભારતીય રેલ્વે દરરોજ 1 લાખ જેટલી પેસેન્જર ટ્રેનો ચલાવે છે જેમાં ભારતના વિવિધ પ્રદેશોના 7,325 સ્ટેશનો પરથી આ ટ્રેનો દોડી રહી છે. આજ રીતે માલ-સામાન માટે દરરોજની 8,479 માલગાડીઓ ભારતના વેપાર-ઉદ્યોગોને વેગવંતો રાખે છે.

ભારતીય રેલ્વે ટ્રેનો

ભારતની પેસેન્જર ટ્રેનોની સરેરાશ ગતિ 50.6 કી.મી./કલાકની છે જયારે દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ 180 કી.મી./કલાક તેમજ દિલ્હીથી ઝાંસી સુધી દોડતી ગતિમાન એક્સપ્રેસની મહત્તમ ઝડપ 160 કી.મી./કલાક સુધી લેવામાં આવી છે. આ સિવાય પણ ભારતના મુખ્ય નગરો વચ્ચે દોડતી શતાબ્દી અને રાજધાની ટ્રેનો 150 કી.મી./કલાક દોડી વર્ષોથી લોકોને ઝડપી પરિવહન આપી રહી છે. ઇન્ડિયન રેલ્વે મુંબઈ-દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં પણ ખુબ નજીક પહોંચી ચુકી છે જેથી ટૂંક સમયમાં ભારતીય રેલ્વે પણ વિશ્વના વિકસિત દેશોની સરખામણીએ પહોંચી જવા તત્પર છે.

આજે વહીવટી હેતુ માટે ભારતીય રેલ્વે નેટવર્કને 17 ઝોનમાં વહેંચવામાં આવેલ છે.

1. Northern Railway, 2. North Eastern Railway, 3. Northeast Frontier Railway, 4. Eastern Railway, 5.  South Eastern Railway, 6. South Central Railway, 7. Southern Railway, 8. Central Railway, 9. Western Railway, 10. South Western Railway, 11. North Western Railway, 12. West Central Railway, 13. North Central Railway, 14. South East Central Railway, 15. East Coast Railway, 16. East Central Railway, 17. Konkan Railway

નિષ્કર્ષ

ભારતીય રેલ્વેના 169 વર્ષના ઇતિહાસમાં સસ્તું, સરળ, સુરક્ષિત અને લોક લાગણી સાથે જોડાયેલી આ રેલ્વે નેટવર્કને આપણે અંગ્રેજો દ્વારા અપાયેલ સ્વાર્થી ભેંટ સમજીએ કે ઉપકાર પરંતુ હકીકતથી આજના આધુનિક ભારત માટે ઇન્ડિયન રેલ્વે નેટવર્કનો બહુ મોટો ફાળો રહેલો છે. આજે રેલ્વે વિભાગ આધુનિક તેમજ ટેક્નોલોજીસભર સ્ટેશનોથી લઇ કેટરિંગ સર્વિસ, હોટેલ સર્વિસ તેમજ ટુરિઝમ સર્વિસ વર્લ્ડક્લાસ લેવલના આપી રહ્યા છે. દિવસે ને દિવસે આયોજનબદ્ધ તેમજ સમયમાં પણ પાબંધ થવાની ભારતીય રેલ નિગમ એક પ્રયત્નમાં લાગેલી છે ત્યારે આપણે પણ આ સેવા લેતી વખતે સ્વચ્છતા જાળવી તેમને મદદ કરીએ તે જરૂરી છે.  

 Image Courtesy: Google Images

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice