પતંગનો ઇતિહાસ | History of Kites

 by Dr. Hardik Ramani (Gujarati Blog)

નમસ્કાર મિત્રો,

આજે ઉતરાયણ છે જેને આપણે સૌ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ એક નહિ પરંતુ બે-બે દિવસ ખુબ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવીએ છીએ. એક દિવસ ઉતરાયણ તો બીજે દિવસે વાસી ઉતરાયણ અને ઉપરથી આ વખતે તો શુક્રવાર, શનિવાર અને રવિવાર ભેગા થયા એટલે નક્કી નહિ કે વાસી ઉપરથી ડબલ વાસી ઉતરાયણ પણ ઉજવીએ. કોરોનાની પરિસ્થિતિને કારણે કદાચ થોડાઘણા નિયમોને આધીન આ તહેવારની ઉજવણી કરવાની થઇ શકે છે પરંતુ આ તહેવારને ઉજવવા માટેનો ઉમંગ જરા પણ ઓછો થશે નહિ. આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પતંગ અને દોરી સોશિયલ ડિસ્ટન્સનો સૌથી મોટો ઉદાહરણ છે. 

પતંગની શોધ કોણે કરી હતી?

સંપૂર્ણ દુનિયામાં વિવિધ જગ્યાઓ પર પતંગ અને તેને લગતા ચિત્રો, કોતરણી અને અન્ય પુરાવાઓ મળી આવ્યા છે પરંતુ સૌ પ્રથમ પતંગ એશિયા ખંડમાં જ થઇ હશે તેવું ઇતિહાસકારોનું માનવું છે છતાં એશિયામાં કઈ જગ્યા પર અને કોના દ્વારા આ અદભુત વસ્તુનું નિર્માણ અને શોધ થઇ એ હજુ જાણી શકાયું નથી. એશિયાઈ દેશ ઇન્ડોનેશિયાના દક્ષિણ-પૂર્ણમાં આવેલા સુલાવેસી પ્રદેશના ટાપુ વિસ્તાર મુના આઇલેન્ડમાં આજથી અંદાજિત 10,500 વર્ષ પહેલા ગુફામાં બનાવવામાં આવેલ એક પતંગના ચિત્રણ પરથી કહી શકાય કે તે સમયના લોકો પતંગની બનાવટ અને ઉડાવવાની કુશળતા જાણતા હતા. ત્યાંના લોકો આજે પણ એજ પ્રકારની પતંગ ઉડાડતા જણાય છે.

એશિયાના ચીન દેશમાં પણ આ પ્રકારના ઐતિહાસિક પુરાવાઓ પ્રાપ્ત થયા છે. આજથી અંદાજિત 2500 વર્ષ પૂર્વે ચીની ફિલોસોફર મોઝી દ્વારા પણ પતંગ વિશેનું વિવરણ મળી આવે છે. એ સમયમાં પતંગના મટીરીયલ તરીકે સિલ્ક અને તેને ફ્રેમિંગ આપવા વાંસની સળીઓ વપરાતી હતી. કાગળની શોધ બાદ પાંચમી સદીમાં સિલ્કની બદલે કાગળની પતંગ બનવાની શરૂ થઇ હતી પરંતુ આ કાગળની પતંગ યુદ્ધમાં કે મુશ્કેલીના સમયમાં બચાવવાના સંકેત તરીકે વાપરવાની શરૂઆત થઇ હતી. પ્રાચીન અને મધ્યકાલીન ચીનમાં પતંગનો ઉપયોગ અંતર માપવા, પવનની દિશા અને જોર માપવા, માણસોને ઉપાડવા, સિગ્નલિંગ અને લશ્કરી કામગીરી માટે સંદેશા વ્યવહારનું કામ કરતુ હોવાનું વિવરણ ઇતિહાસમાં નોંધાયેલું છે.

ભારતમાં પતંગ ઉડાડવાની શરૂઆત ક્યારે થઇ?

ભારતમાં પતંગની શરૂઆતના કોઈ ચોક્કસ પુરાવાઓ નથી. ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે ભારતમાં પતંગ અને તેના ઉપયોગો ચીનની સાથોસાથ જ થયા હતા અને બૌદ્ધ ધર્મના ફેલાવા વખતે તેમના સાધુઓ દ્વારા આ પતંગને ભારતમાં ઓળખાણ મળી હતી ત્યારે અન્ય ઇતિહાસકારોનું માનવું છે કે યુરોપ અને મધ્ય એશિયાયી દેશોથી સિલ્ક રૂટ મારફતે આ પતંગ ભારતમાં આવી હોઈ શકે છે. ભારતમાં પતંગને એક નવો રૂપ રંગ મળ્યો તે એક નોંધનીય બાબત છે કેમકે ચીન તથા અન્ય દેશો કરતા ભારતના પ્રાચીન સમયમાં વપરાતી પતંગો જુદી તરી આવે છે. પ્રાચીન ભારતની પતંગો લડાકુ આકારની બનાવવામાં આવતી હતી અને મુઘલ સમયમાં પતંગ ઉડાવવાને રમત-ગમતનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું જે આજે પણ બાળકો અને યુવાનો માટે મકરસંક્રાંતિના સમયે મનોરંજનનું માધ્યમ છે. છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સરકાર દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે જે ભારતમાં 17 મી અને 18 મી સદીમાં પણ અનેક જગ્યાઓએ ઉજવવામાં આવતો હતો.

વિશ્વમાં પતંગ

વિશ્વભરના દેશોમાં પતંગ એક આનંદ અને રમતનું સાધન છે. વિવિધ દેશોમાં પતંગ ઉડાડવા માટેના ઉત્સવો થાય છે અને આખા વર્ષ દરમિયાન વિવિધ સમયે પતંગબાજીનો આનંદ લોકો લે છે. ખાસ કરીને ભારત સહિતના વિવિધ એશિયાના દેશો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ચીન, ઇન્ડોનેશિયા, જાપાન અને સિંગાપોર વિવિધ સમયમાં પતંગ ઉડાડવાનું પસંદ કરે છે. 

અફઘાનિસ્તાનમાં પતંગ ઉડાવવી એ ખુબ પ્રચલિત રમત માનવામાં આવે છે. ભારતની જેમ ત્યાં પણ દોરીને કાચ અને રંગ પાવવામાં આવે છે જેથી એક બીજી પતંગને પેચ લગાવી પતંગ કાપી મજા લઇ શકાય. તાલિબાની સરકારમાં પતંગ ઉડાવવા માટેની મનાઈ ફરમાવવામાં આવી હતી જેથી અફઘાનિસ્તાનમા હવે પતંગ ઉડાવવી મુશ્કેલ છે.

પાકિસ્તાનમાં પતંગ ઉડાવવાને ગુડી બાઝી કે પતંગ બાઝી કહેવામાં આવે છે. પાકિસ્તાનમાં પણ પતંગને વસંતઋતુમાં ઉડાવવાની જૂની પરંપરા છે. પાકિસ્તાનમાં વસંત ઋતુ એટલે જશ્ન એ બહારાન તરીકે ઓળખવામાં આવે છે. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ દોરીને કાચ અને રંગમાં બોળી ધારદાર બનાવવામાં આવે છે અને પછી પેચ લડાવવામાં આવે છે.

પતંગના સૌથી જુના પુરાવા મળ્યા છે તે ઇન્ડોનેશિયામાં અને ખાસ કરીને બાલીમાં પતંગને ખુબ આનંદ સાથે ઉડાવવામાં આવે છે. વિશ્વભરમાં બાલીની પતંગ વિવિધ આકારોની જોવા મળે છે. જયારે વિયેતનામમાં પતંગની પૂંછડીની જગ્યાએ નાની-નાની વાંસળીઓ લગાડવામાં આવે છે જેથી પવનને કારણે સુમધુર અવાજ ગુંજી ઉઠે. મલેશિયામાં પણ પૂંછડી પર સીટી લગાડવામાં આવે છે અને આનંદથી પતંગ ઉડાડવામાં આવે છે.

નેપાળમાં પહાડી વિસ્તારના લોકો જેમાં નેવાર કે નેપામી લોકો ખુબ પતંગ ઉડાવે છે. નેપાળ એશિયાયી દેશોથી વિરુદ્ધ ઓગસ્ટ-સપ્ટેમ્બરના સમયમાં પતંગ ઉડાવવાનું પસંદ કરે છે.

ભારતમાં ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ તેમના પતંગબાજી અને પેચબાજી માટે જાણીતા છે. વિવિધ પ્રકારની પતંગો, ખેંચ-ઢીલની દોરીઓ, વિવિધ આકારની પતંગો, ફાનસ, રમકડાંઓ, ફુગ્ગાઓ ભારતની પતંગબાજીની રોનક છે. ભારતમાં મોટાભાગે પતંગ ઉત્સવ મકરસંક્રાતિમાં જ ઉજવવામાં આવે છે જે 14 જાન્યુઆરીએ હોય છે પરંતુ ભારતના વિવિધ પ્રદેશોમાં પણ નેપાળની જેમ વિવિધ સમયમાં પતંગબાજી કરવામાં આવે છે. હૈદરાબાદમાં ડિસેમ્બરમાં પતંગ ઉડાડવામાં આવે છે ત્યારે ઉત્તરમાં પ્રજાસતાક દિને, સ્વતંત્રતા દિને, રક્ષાબંધને, વિશ્વકર્મા પૂજા દિને તથા જન્માષ્ટમી વખતે પતંગ ઉડાડવાની પરંપરા વિસ્તાર મુજબ હોઈ છે. 

આ સિવાય યુરોપ, અમેરિકા, ન્યુઝીલેન્ડ, પોલિનેશિયાના અમુક વિસ્તારોમાં પણ આ પતંગનો આનંદ લોકો ખુબ મઝાથી લેતા હોઈ છે.

પતંગની મજા સાથે કાળજી પણ ખુબ જરૂરી શા માટે છે?

આપણે જોતા હોઈએ છીએ કે પતંગની મજા ખાસ કરીને બાળકોને ખુબ આવતી હોઈ છે. પતંગને ખુલ્લા આકાશમાં ઉડાડવાની મજા દરેક બાળકને આવે તે સ્વભાવિક છે પરંતુ તેના માટે અગાશી કે ઊંચી જગ્યા પર ખુબ સાવધાની જરૂરી હોઈ છે તેમજ આસપાસમાં ખુલ્લા વાયરો કે બીજી લટકતી વસ્તુઓથી સાવધાની રાખવી જોઈએ. કપાયેલી પતંગમાં પણ ખુબ તાણ હોઈ છે જેથી કપાયેલી પતંગની દોરી જયારે રસ્તા પરથી કે કોઈપણ જગ્યાએથી પસાર થતી હોઈ ત્યારે તે ગળા પર કે બીજા ભાગોમાં ફસાઈ આપણને નુકશાન કરી શકે છે. ઘણીવાર રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર વાહનોના ચાલાકને પછાડી પણ શકે છે અને તેમના ગળાને ચીરી પણ શકે છે. 

પતંગની દોરી જેટલી આપણા માટે ખતરનાક સાબિત થઇ શકે છે તેનાથી પણ વધુ તે પક્ષીઓ માટે ખતરો સાબિત થતી હોઈ છે. દર વર્ષે સંક્રાતિમાં હજારોની સંખ્યામાં પક્ષીઓના મોત થતા હોઈ છે. એ સાથે ઊંચા અવાજે લાઉડસ્પીકર તથા બિગુલ દ્વારા ધ્વનિ પ્રદુષણ પણ ખુબ થાય છે જે દરેક જીવ જંતુ અને મનુષ્ય માટે હાનિકારક છે. 

ચીનના રમકડાંઓ, દોરીઓ, ફાનસો દરેક રીતે નુકશાનકર્તા સાબિત થઇ રહ્યા છે. ચીનની બનાવટની પ્લાસ્ટિકની દોરીઓ ખુબ પતંગ તો કાપી શકે છે પરંતુ પક્ષીઓ તથા પર્યાવરણને પણ એટલી જ નુકશાન કરી શકે છે. આ સાથે ફાનસો અને તુક્કલ જેવા રમકડાંઓ કોઈપણ જગ્યાએ આગ લગાવી શકવા સક્ષમ હોઈ છે. ચીન દ્વારા સંપૂર્ણ વિશ્વને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને ભારત સાથે સીમા વિવાદ અને ભારતના દરેક પાડોશી દેશ સાથે વ્યવહાર બગાડવા માટે ચીન જ જવાબદાર છે. ચીન ભારતમાં 15% થી વધુનો વેપાર કરે છે જેથી ચીનની વસ્તુ ખરીદવી ભવિષ્યમાં આપણને જ નુકશાન કરવા બરાબર બની શકે છે.

Image Courtesy: Google Images

In Gujarati Language

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice