મારી નઝરથી નવરાત્રી

Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

નવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે અને આ તહેવારમાં લોકો માઁની આરાધના કરવામાં ખુબ મગ્ન પણ થઇ ગયા હોઈ એવું  લાગે છે. ઢેર-ઢેર અને ઘેર-ઘેર નવરાત્રીના અને ગરબીના આયોજનો પણ આ વર્ષે ખુબ થયા છે. આમાં કોઈપણ પાર્ટીપ્લોટના આયોજનની વાત જ નથી કેમકે તેમાં બાળકો-યુવાનો માત્ર મનોરંજન લેવા હેતુ જ ગરબા લેતા હોઈ છે પરંતુ ગરબીઓમાં કે ઘરે પણ જયારે એક ગરબો રાખી લોકો માતાની આરતી ગાતા હોઈ છે અને 9 દિવસના અપવાસ, ચપ્પલ ના પહેરવાની ટેક અને દીકરીઓ માટે વિવિધ વસ્તુઓનું દાન અને લ્હાણી કરવાની જે હોડ થતી દેખાય છે એ જોઈ મારા મનમાં વિચારોએ જન્મ લીધો કે આ 9 દિવસ જેમની આરાધના ગાઈએ છીએ અને જેમને રીઝવવા આટલી તપશ્ચર્યા કરવા તૈયાર થઇ જઈએ છીએ એ માતા કોણ છે? કદાચ મને પણ જેટલી ખબર છે એટલી જ ખબર તમને હશે કે નવરાત્રી આપણે "માઁ દુર્ગા" ની ઉપાસના કરવા ઉજવીએ છીએ. ખરેખર તો માઁ દુર્ગાના 9 રૂપની આપણે 9 દિવસ પૂજા, અર્ચના અને આરતી આપણે ગાઈએ છીએ પરંતુ મારે પણ દુર્ગા માતાના 9 નામ માટે ગુગલ કરવું પડ્યું હતું અને એ 9 નામ આ મુજબ છે. 1. શૈલપુત્રી, 2. બ્રહ્મચારિણી, 3. ચંદ્રઘંટા, 4. કુષ્માંડા, 5. સ્કંદમાતા, 6. કાત્યાયની, 7. કાલરાત્રી, 8. મહાગૌરી, 9. સિદ્ધિદાત્રી. કદાચ આ દરેક નામો આપણને સાંભળેલા એટલે લાગશે કે દરરોજ જે આરતી આપણે ગાઈએ છીએ તેમાં આ દરેક નામ આવે છે કદાચ ખોટું માનવાની આપણે જરૂર નથી કે તમે પણ મારી જેમ આપણી સંસ્કૃતિ કે તહેવાર વિષેની માહિતી આપણે ગુગલ પરથી શોધવી પડતી હોઈતો, કેમકે આપણને આદત બની ચુકી છે મતલબ વગરના કામો કરવાની કે સમજ્યા વિનાના ઢોંગ કરવાની અને તેમાંથી આ દુનિયાના કોઈપણ વ્યકતિ બાકાત નથી, અફકોર્સ એમાં મારો પણ સમાવેશ થાય જ છે. આપણે દરેક કાર્ય કરીએ છીએ જેમાં આપણને મજા આવે અને મનોરંજન મળે પછી એ ભક્તિ હોઈ, દેશ સેવા હોઈ કે પ્રેમનો દેખાડો હોઈ, આ દરેક વસ્તુ આપણી સહુલિયત સાથે જ કરીએ છીએ તો આ નવરાત્રી તો એવો જ એક માત્ર તહેવાર છે. કદાચ આપણને તહેવારના મહત્વ વિષે નથી સમજવામાં આવ્યું અને નથી આપણે આપણી પેઢીને સમજવતાં એટલે જ ધાર્મિક તહેવારો મોજ શોખના માધ્યમ બની ગયા છે.

આજે મારે માત્ર આપણી પરિસ્થિતિ કે માનસિકતાને વખોડવાની વાત નથી કરવી પરંતુ એક ગંભીર પ્રશ્ન વિષે વાત કરવી છે અને જે આ નવરાત્રીની આસપાસ જ રમે છે. મારે જે વાત કરવી છે તેનું ઇન્સ્પિરેશન, પ્રેરણા મને ઘણીબધી વસ્તુથી મળી અને જેનું કારણ કોઈ એક ઘટના પણ નથી. એક ગુજરાતી મુવી જે નવરાત્રી ઉપર જ ફિલ્માવામાં આવ્યું છે, આજે જોયેલું એક વોટ્સએપનું સ્ટેટસ પિક્ચર, એક મિત્ર દ્વારા અપાયેલ ટોપિક સજેશન અને સૌથી મહત્વનું એ આપણો સમાજ. હું ફરીથી એક પ્રશ્ન પર આવવા માંગુ છું કે આ 9 દિવસ જેમની આરાધના ગાઈએ છીએ અને જેમને રીઝવવા આટલી તપશ્ચર્યા કરવા તૈયાર થઇ જઈએ છીએ એ માતા કોણ છે? અને એ જવાબ મેં હમણાં કીધા એ, શું 9 માતાજીના 9 નામ કે 9 રૂપ જ હશે ? અને મારો બીજો પ્રશ્ન કે કદાચ આપણા પૂર્વજો કે ગુરુઓએ જેમણે આ પ્રથા કે તહેવારની રચના કરી હશે તેમણે શું વિચારી કરી હશે કે તેમનો ભાવ શું હશે ? આ બન્ને પ્રશ્ન વિષે આપણે જાણતા તો નથી પરંતુ બધા કરે છે એટલે આપણે કરીએ છીએ અને એજ આપણા સમાજની નરી હકીકત છે.

કદાચ મારી જેમ તમે પણ ગુજરાતી મુવી હેલારો જોયું હશે અને એ મુવીનો હાર્દ મારે સમજાવવાની જરૂર નહિ હોઈ તમે સમજી જ ગયા હશો પરંતુ સમજ્યા બાદ આપણે ખુદમાં કોઈ ફેરફાર કરી શક્યા નહિ હોઈએ એ પણ નક્કી હશે. એ મુવી પ્રમાણે સ્ત્રીની પરિસ્થિતિ અને હાલત સમાજમાં શું હોઈ છે એ તમે જોઈ જ હશે અને એ પણ જોયું હશે કે ઘરમાં રહેલી વિવિધ પાત્રની સ્ત્રીઓ (માઁ, દીકરી, બહેન, વહુ) ને કષ્ટ આપી સમાજના પુરૂષો એક બીજા જ સ્ત્રીને રીઝવવા કાલાવાલા કરતા દેખાય છે. એજ રીતે આજે એક સરસ ફોટો જોયો જેમાં એક સ્ત્રીની 356 દિવસની માર ખાયેલાં મોઢા સાથેની પરિસ્થિતિ અને બીજા 9 દિવસ દેવી તરીકે પૂજાતાના ફોટો વાળી ઇમેજ જોઈ ખરેખર લખવાનું મન થયું આ વિષય ઉપર.

શું ખરેખર આપણે જે માતાને રિઝવીએ છીએ એ સ્ત્રી અને આપણા ઘરમાં કે સમાજમાં જે સ્ત્રી છે એ અલગ છે? કેમ કે એકની આપણે પૂજા કરીએ છીએ, તેમને ઉપર બીરાજીએ છીએ, તેમને માનથી બોલાવવામાં કોઈ સંકોચ કે શરમ નથી અનુભવતા પરંતુ આપણી પત્ની, વહુ, દીકરી, બહેન અને માતાને આપણી જિંદગીમાં કે સમાજમાં નિમ્ન દરરજો આપી તેની ઉપેક્ષા કરીએ છીએ. આપણે જયારે પણ મુશ્કેલી માં હોઈએ, નાના બાળક હોઈએ કે મોટી ઉંમરના વ્યક્તિ, મુશકેલીમાં હોઈએ એટલે ભગવાનને યાદ કરીએ જેમાં 90% હે માઁ, મમ્મી જ યાદ આવે પણ સામાન્યમાં એને જ અવગણી નક્કારી દઈએ છીએ. આપણા ઘણા સમાજમાં કોઈને પણ મળો વાત કરો કે છુટા પડો એટલે જય માતાજી બોલવાની પ્રથા છે અને ઘણા કુળદેવીના નામ પણ બોલીએ છીએ પરંતુ ઘરની માતાઓ પર જો હુકમી ચલાવીએ છીએ તો માતાજી કેવી રીતે પ્રસન્ન થશે?

હા હું માનું છુ કે આપણે સમાજના વ્યવસ્થાપનને જાળવી રાખવું જોઈએ પરંતુ શું એ વ્યવસ્થાપન પુરૂષની સહુલિયત માટે જ હોવું જોઈએ? પુરુષને આ સમાજમાં જેટલો હક, આદર, માન-સમ્માન મળે છે તેટલો કદાચ સ્ત્રીને મળે તો એમાં નીચું જોવા જેવું શું થઇ જાય છે? આજની સ્ત્રીને પણ વિવિધ સ્તર પર મોકો મળે, દરેક વ્યવહાર શીખવાડવામાં આવે તથા સમજાવવામાં આવે તો કદાચ ન કરે નારાયણ અને તેના ઘરમાં પુરુષની ગેરહાજરી થાય તો એ પુરુષની ઇન્સ્યોરન્સ પોલિસીના ભરોસે નહિ પરંતુ પોતાના આત્મબળના ભરોસે પોતાનું ઘર ચલાવી શકશે. આપણે કદાચ એવું જાણીને આપણા ઘરની સ્ત્રીની અવગણના કરીએ છીએ કે આમાં એને ખબર ના પડે અને કદાચ એ હકીકત પણ હોઈ તો એ અણઆવડતનો જવાબદાર કોણ? કેમ દીકરાને દરેક વ્યવહાર અને ધંધામાં સાથે રાખી શીખવાડવામાં આવે અને દીકરીને નહિ? એટલે જ ને કે ભવિષ્યમાં દીકરી બીજા ઘરે ચાલી જશે પણ દીકરો સાથે રહેશે તો આપણને સાચવશે? પરંતુ એવો વિચાર ન આવી શકે કે ભવિષ્યમાં દીકરી કોઈ કારણોસર દુઃખી થાય તો પોતાના પગે ઉભી રહી શકે તેવી સક્ષમ બનાવીએ અને ચાલો આપણી માતાના નસીબ ન હતા કે આપણી પત્નીના પણ નથી તો આજથી આપણી દીકરીનું ભવિષ્ય ઉજળું બનાવવા કંઈક નવી વિચારસરણી બાનવીએ? માતાજીની આરતી ન ગાઈએ કે લ્હાણી ન કરીએ પરંતુ દીકરીને સક્ષમ બાનવીશું તો કદાચ એજ દીકરી પગભર થઇ સમાજને સાર્થકતાની ભેંટ આપશે.

શ્લોક બોલીએ પરંતુ જો ભાવાર્થ ન ખબર હોઈ તો તેનો કોઈ મતલબ ન હોઈ એજ રીતે જય માતાજી કરીએ પણ ઘરની માતાઓની જય જય કાર ન કરાવીએ તો એનો શું મતલબ બનશે? હું સમાજના દરેક પુરૂષની વાત નથી કરતો, પરંતુ એવા પુરૂષની પણ વાત કરું છું જે કદાચ સ્ત્રીને માન તો આપે છે પરંતુ સમાન મોકો આપવા નથી માંગતા. કદાચ પત્ની સામે થોડું પણ નીચું ઉતારવા નથી માંગતા. તેઓ સ્ત્રીને નોકરી કરવાની છૂટ પણ મહેરબાની કરતા હોઈ એમ આપે અને તેમના ફાયનાન્સિયલ વ્યવહારની તેમને છૂટ પણ ન હોઈ. હું માનું છુ કે જૂની પેઢી એમના વિચારોમાં બદલાવ ના લાવી શકે પરંતુ શું આજની નવી પેઢીને એવું શિક્ષણ અને સમજ ના અપાઈ શકે જેથી ભવિષ્યની આપણી દીકરીઓ પણ એક સમાન સમાજનો હિસ્સો હોઈ? પછી મારા ખ્યાલથી માતાજીની આરાધના જરૂર સફળ થશે અને સમાજમાં સ્ત્રીઓનું સ્થાન માત્ર આપણા વિચારોમાં નથી આચરણમાં પણ હશે.

આ સાથે હું સ્ત્રીઓ માટે પણ વાત કહેવા માંગીશ કે સ્વતંત્રતા અને સ્વચ્છન્દતા વચ્ચે એક ભેદ રેખા છે જેને સમજવી ખુબ જરૂર હોઈ છે. દરેક પુરુષ સરખો નથી હોતો જેથી દરેકને એકજ ચશ્માથી જોવા એ સારા પુરૂષો માટે અપમાન છે. હા, આજે 90% પરિસ્થિતિમાં સ્ત્રી સાચી હોઈ છે અને તેનું શોષણ થતું હોઈ છે પરંતુ ત્યારે 10 % પુરૂષોના સાતત્ય ગુણોને અવગણી ન શકાય. ભારતીય કાનૂન સ્ત્રી તરફેણમાં છે પરંતુ નીજી ફાયદા માટે કે ખોટા ભાવ સાથે એ કાયદાનો દુરુપયોગ એ 10% માટે ઘોર અન્યાય ગણી શકાય અને કદાચ બીજા સારા લોકો માટે એક વિપરીત દ્રષ્ટાંત પણ બની જાય.

આજે માત્ર આ સમાજમાં સ્ત્રી હોઈ કે પુરૂષ એકબીજાની જગ્યાએ બેસી એકબીજાની પરિસ્થિતિને સમજવાની જરૂર છે જેથી કોઈ સાથે અન્યાય કે પક્ષપાત ન થાય. આજે મર્દ મૂછાળા નહિ પરંતુ મર્દ સહનશીલતા ધરાવતા હશે તો ભવિષ્ય ખરેખર જીવવા જેવું બનશે જેમાં કોઈ ડર, ચિંતા, કે મુશ્કેલીની જગ્યા જ નહિ હોઈ. આપણા વ્યવહાર અને વિચારસરણીથી વર્તમાન તો છે પરંતુ અંધકારમય ભવિષ્ય ન બને તે માટે નવી પેઢીને આપણી આજની વિચારસરણીની ભેંટ ન આપો. આપણે તો ધર્મવાદ અને જાતિવાદના શિકાર છીએ પરંતુ આપણા બાળકોને આ ના શીખવાડતા તેમને મુક્તમને વિચારશીલ બનાવીએ. આપણા વડીલોને કે આપણા આજના સંબંધોમાં લાંબો ફેરફાર ન થાય તો પ્રશ્ન નથી પરંતુ ધીમો પણ મજબૂત ફેરફાર ભવિષ્યમાં આવે તેના માટે પ્રયત્ન કરીએ.

મે તો આ લેખ દ્વારા શરૂઆત કરી છે શું તમે પણ કરવા ઈચ્છો છો તો તમે પણ કંઈક નવતર પ્રયત્ન કરી મારી સાથે જોડાઈ શકો છો...


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com





No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice