શું કોલસાની અછત એ ભારત માટે નવી શોધની જનની બનશે?

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

            કાળો કોલસો પણ આજે સોનાથી પણ મોંઘો. કહેવાય છે ને કે દરેક વસ્તુની કિંમત પરિસ્થિતિ નક્કી કરે છે માત્ર તેની ઉપયોગીતા કે બનાવટ નહિ. એક ધાતુ મફતના ભાવે મળે ત્યારે સોના જેવી કિંમતી ધાતુ ગ્રામના ભાવે વેંચાય. જો કે સોનાને નથી બટકા ભરાતા અને નથી તેનો જીવન જરૂરી ઉપયોગ પરંતુ સંપૂર્ણ દેશની ઈકોનોમી તેના ત્રાજવે જ મપાય છે. આજે ભારતમાં પણ એક એવી વસ્તુની કિંમત અને તેની ખપત સોના જેવી થવા લાગી છે અને એ છે "કોલસો". આ શબ્દ સાંભળતા ભલે જુના જમાનાની યાદ આવી જાય પરંતુ આજના સમયમાં પણ આ કોલસો એટલો જ જરૂરી છે જેનું કારણ છે કે સમય સાથે આપણે ઘણું બદલી નાખ્યું છે અને હજુ પણ ઘણા બદલાવ કરીશું પરંતુ કોલસાનો મહત્તમ ઉપયોગ આપણે જ્યાં કરીએ છીએ તે જગ્યામાં આપણે કોઈ મોટા સુધારા કરી જ શક્યા ન હતા.

            થર્મલ પાવર પ્લાન્ટ કે જેને કદાચ ટેક્નિકલ માણસો જાણતા જ હશે અને તેની સંપૂર્ણ માહિતી પણ ધરાવતા હશે પરંતુ આજે મારે તમને ટેક્નિકલની સાથો સાથ ઈમોશનલ માહિતી પણ આપવી છે. જો કે ટેક્નિકલમાં ઈમોશનને કોઈ સ્થાન ન હોઈ પણ અહીંયા ચોક્કસ હશે. માનવજાતિ એવું માનતી આવી છે કે "જરૂરિયાત એ શોધની જનની છે" અને ચોક્કસ પણે છેલ્લા 2-4 વર્ષમાં સંપૂર્ણ વિશ્વના માનવીઓની વિવિધ જરૂરિયાતને પગલે ઘણીબધી શોધ પણ થઇ છે અને કદાચ દાયકા સુધી ફેરફાર વગરનું જીવન જીવતા માનવી આજે 2-4 વર્ષમાં હતું-નહતું કરી લે છે. પહેલા જિંદગીમાં આપણે એક મકાન બનાવતા અને સંપૂર્ણ જિંદગી માટે એક વાર ફર્નિચર કરાવતા એ આજે દર 5-7 વર્ષમાં મકાનો અને ફર્નિચર બનાવી રાચ-રચીલું ભોગવતા જઈએ છીએ.

            આજે તમે સાંભળતા જ હશો કે કોલસાનો પુરવઠો ખોરવાઈ ગયો છે અને કદાચ દેશમાં વીજ સંકટ ઉભું થઇ શકશે અને વીજળી ગુલ થવાના પ્રશ્નો પણ આવશે. આવો ડર કદાચ આપણા બાપ-દાદાઓને ન હતો કેમ કે એ સમયમાં વીજળી વિના જીવન શક્ય હતું જે આજે 1% પણ નથી. 2 મિનિટ પણ જેના વિના ન ચાલે તેવા મોબાઈલ, ટી.વી., કોમ્પ્યુટર, ઘરના વિવિધ સાધનો, પંખા, ટ્યુબલાઈટ, બિલ્ડીંગ કે ઓફિસની લિફ્ટ અને આજના સમયમાં ખુબ જરૂરી લાગતું એર કંડીશ્નર, આ બધી જ વસ્તુનો ખોરાક માત્ર વીજળી જ છે. એકમાત્ર વિચાર કરો કે જો વીજળી ના હોઈ તો? અને ખરેખર શાંત મને કરશો તો તમને કોરોના મહામારી કરતા પણ વધુ ડર આ વીજળી ગુલ થવાનો લાગશે એ ચોક્કસ છે. તો પ્રશ્ન એ થાય કે આ કોલસો અને વીજળીને શું સંબંધ છે? અને માત્ર ડરવું જ જરૂરી છે કે ભવિષ્ય માટે તેનો બીજો વિકલ્પ શોધવો જરૂરી છે?

            કોલસો એ પુનઃ આ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે જે અમેરિકા, રશિયા, ઑસ્ટ્રેલિયા અને ચીન પછી ભારત પાસે સૌથી વધુ છે. આજે કોલસાનો મહત્તમ ઉપયોગ પાવર જનરેશન એટલે કે વિધુત ઉત્પ્ન્ન કરવા થાય છે અને ત્યારબાદ વિવિધ ઉદ્યોગોમાં ભઠ્ઠીઓ ચલાવવા માટે થતો હોઈ છે. આજે વિશ્વભરના દેશો તેની વિધુતઉર્જાનું ઉત્પાદન માટે આ કોલસા પર જ નિર્ભર છે અને તે ભારતની જ નહિ પરંતુ વિશ્વની સૌથી મોટી મુશ્કેલી પણ છે. પરંતુ ઘણા એવા દેશો પણ છે જ્યાં કોલસો નથી અને તેની આયાત કરવી તેમને યોગ્ય પણ ન લાગતી હોઈ તેઓ તેનો વિકલ્પ શોધી પોતાની ઉર્જા માંગને પહોંચી રહ્યા છે.

            કોલસો એ કાળા રંગનો એવો ઠોસ પદાર્થ છે જે વધુ માત્રામાં કાર્બન ધરાવે છે જેની સાથે હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન અને નાઇટ્રોજન હોઈ છે જે તેને આસાનીથી સળગી શકે તેવો પદાર્થ બનાવે છે. આ કોલસાનો ઉપયોગ આપણે કદાચ 3000 વર્ષ પૂર્વેથી કરતા આવ્યા છીએ પરંતુ 16મી સદીના અંતથી આપણે કોલસાની ખાણો બનાવી તેનો પ્રથમ કોમર્શિયલ ઉપયોગ કર્યો હતો. વિશ્વભરમાં કોલસાનો જથ્થો ખુબ સીમિત છે એટલે ઘણા દેશો તેમની આગમચેતી દ્વારા પોતાની વિધુતઉર્જાની ખપતને વિવિધ સ્ત્રોતો દ્વારા વીજળી ઉત્પ્ન્ન કરી ફેરવતા ગયા હતા અને આજે તેઓ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂ  તાપીય ઉષ્મા, હાઈડ્રો પ્લાન્ટ, ટાઈડલ પ્લાન્ટ, એટોમિક પાવર પ્લાન્ટ દ્વારા ઉર્જા મેળવી આગળ વધી ગયા છે. ત્યારે ભારત 50% થી વધુ ઉર્જા કોલસાના દહન દ્વારા એટલે કે થર્મલ પાવર સ્ટેશનમાં ઉત્પન્ન કરે છે. રાતો-રાત આ વીજળી બીજા કોઈ સ્ત્રોત દ્વારા ઉત્પન્ન કરવી અશક્ય હોઈ આપણા અને સરકાર માટે આ એક ચિંતાનો વિષય બની ગયો છે.

ખુબ સરળ કન્સેપટ દ્વારા કોલસાથી વીજળી ઉત્પ્ન્ન થતી હોઈ તેમાં છેલ્લા 100 વર્ષમાં લાંબા ફેરફાર થયા નથી. કોલસાને દળી ભુક્કા સ્વરૂપે તેને સળગાવામાં આવે છે અને તેના દ્વારા પાણીની વરાળ ઉત્પ્ન્ન થાય છે અને આ વરાળની શક્તિને એક મોટું ટર્બાઇન ફેરવવાના ઉપયોગમાં લેવામાં આવે છે અને ગોળ ફરતા ટર્બાઇનના રોટરથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ દ્વારા વીજળી ઉત્પ્ન્ન કરાય છે. આવા પાવર પ્લાન્ટ તેની કોલસાની ક્ષમતાના માત્ર 35% જ પાવરને ઉત્પન્ન કરી શકે છે અને બાકી બધી ઉર્જા એળે જાય છે. કોલસા દ્વારા ઉત્પ્ન્ન થતી વીજળીથી ખુબ પ્રદુષણ અને પાવરનો વ્યય પણ થાય છે છતાં ભારત જેવા વિકાસશીલ દેશો તેનો કોઈ પર્યાય શોધી રહ્યા નથી ત્યારે સરકાર અને વૈજ્ઞાનિકોની સૌથી મોટી જવાબદારી એ થઇ શકે કે ઉજ્જવળ ભારત માટે સૌથી મોટી મુશ્કેલ પરિસ્થતિને આપણે નવી શોધમાં કેવી રીતે ફેરવી શકીએ?


 

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

Today's Knowledge

Café no Brasil e no Mundo - gosto do brasil, café brasileiro, café santos, café de gente boa, história do café no Brasil em português

Os preços do café subiram no Brasil, mas o amor das pessoas pelo café não diminuiu – Breve História do Café no Brasil e no Mundo.     ...

Reader's Choice